<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

મારૂ હાલે તો રશિયા-યુક્રેન સરહદે રામકથા કરૂ : પૂ. મોરારીબાપુ

પૂ. મોરારીબાપુએ રશિયા-યુક્રેન વચ્‍ચેનું યુદ્ધ બંધ કરાવવા વિશ્વભરના મહાનુભાવોને એક થવા ઝારખંડમાં જૈનોના મહાતીર્થ શ્રી સમ્‍મેદ શિખરજી ખાતે આયોજિત ‘‘માનસ સપ્‍ત શિખર'' શ્રી રામકથાના આજે ત્રીજા દિવસે આહવાન કર્યુ

રાજકોટ તા.૧૭:  પ્રસિદ્ધ આધ્‍યાત્‍મિક ગુરૂ અને રામચરિત માનસના ઉપદેશોનો વિશ્વભરમાં પ્રસાર કરવામાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર પૂજ્‍ય મોરારી બાપૂએ આજે તેમની રામકથા દરમિયાન વિશ્વભરમાં શાંતિ સ્‍થાપિત કરવાનું આહ્વાન કર્યું હતું. વિશ્વમાં ઘણાં દેશો વચ્‍ચે લાંબા સમયથી ચાલી રહેલાં યુદ્ધથી વ્‍યથિત પૂ.મોરારીબાપુએ કહ્યું હતું કે, યુદ્ધમાં ઘણાં લોકોએ જીવ ગુમાવ્‍યાં છે, નાના બાળકો તુટેલા પાત્રોમાં રોટલી માગી રહ્યાં છે ત્‍યારે હવે યુદ્ધ બંધ થવા જોઇએ. આપણે બધાને એકસૂત્રમાં બાંધવાની જરૂર છે.

તેમણે ઉમેર્યું હતું કે, મારું ચાલે તો હું શાંતિ માટે યુક્રેન-રશિયા બોર્ડર ઉપર કથા કરું. વિશ્વભરના મહાનુભાવો ભેગા થાય અને સર્વસંમતિથી પ્રસ્‍તાવ પસાર કરીને યુદ્ધ બંધ કરાવે તેવી મારી ઇચ્‍છા છે. મારા હ્રદયની વાત મહાદેવ સાંભળશે, અહિંસાના પૂજારી પાર્શ્વનાથ સાંભળશે તેવો મને વિશ્વાસ છે.

ગઇકાલે શ્રી રામકથાના બીજા દિવસે પૂ. મોરારીબાપુએ જણાવ્‍યું હતું કે  જૈન પરંપરામાં એક શબ્‍દ છે દાનતપ. દાનને પણ તપ કહ્યું છે અને ગંગાનો દિવસ છે એટલે કહેવા માગું છું કે દાનતપમાં ચાર વસ્‍તુ બતાવેલી છે  એક - આહાર, બીજું - ઔષધ, ત્રીજું - અપરિગ્રહ, ચોથું - આગમ. શાષામાં ગંગા આ ચારેય વસ્‍તુ આપી રહી છે. કથા પ્રવાહમાં સંવાદ કરતા બાપુએ જણાવ્‍યું કે, મોટાભાગના મુનીઓની નામની પાછળ નાથ શબ્‍દ લગાવેલો છે અને અહીં રઘુનાથની કથા કરી રહ્યા છીએ, આપણી પરંપરામાં એક યદુનાથ છે અને એક ભૂતનાથ કૈલાશ પર બેઠેલો છે! વંદના પ્રકરણમાં કહ્યું કે, હનુમાનજી પણ મહાવીર છે. હનુમાન જેવો અરિહંત બીજો કોઈ નથી કારણ કે કામ, ક્રોધ જેવા અંદરના અરિ જેણે ખતમ કરી નાખ્‍યા છે. અરિહંતની વ્‍યાખ્‍યા થઈ એ પૂર્વમાં હનુમાનમાં ઉતરેલી છે. રામની વંદનામાં મંગલ ચોપાઈઓ લખાઈ છેઃ

જનક્‍સુતા જગજનનિ જાનકી ; અતિસય પ્રિય કરુનાનિધાન કી. પૂ. મોરારીબાપુએ મતિ-બુદ્ધિ દરેક પાસે છે. અંતઃકરણ પણ બધાની પાસે છે. આપણી પાસે મન છે, પણ ચંચળ છે. બુદ્ધિ છે પણ વ્‍યભિચારિણી, મલિન છે. ચિત્ત છે પણ ઉદ્વેગી, અહંકાર પણ છે જ, પણ તુલસીજી કહે છે કે મને નિર્મલ બુદ્ધિ આપો. સિતા અને રામની વંદનામાં બતાવ્‍યું કે, લીલા માટે બે બન્‍યા, બાકી અદ્વૈત છે. ક્રમમાં નામ મહિમાનું ગાન કરતા જણાવ્‍યું : બંદઉ નામ રામ રઘુબરકો હેતુ કળસાનુ ભાનુ હિમકર કો. રામનામનાં પ્રતાપથી ગાંધીથી લઈને અહલ્‍યા, વાલ્‍મીકિ અને શિવનાં જીવનમાં શું ઘટનાઓ ઘટી તેમજ સત્‍યુગથી કળિયુગ સુધી રામનામનો જ મહિમા છે.

પૂ. મોરારીબાપુએ  ર૦ તીર્થકરોના નિર્વાણ સ્‍થળે ર૦ સુત્રની યાદી રજૂ કરી હતી. જેમાં એક અહિંયા બે-સત્‍યતા, ત્રણ- અચૌર્ય, ચાર-બ્રહ્મચર્ય, પાંચ અપરિગ્રહ, છ-પ્રસાદ, સાત-મૈત્રી, આઠ-કારૂણ્‍ય, નવ-મધ્‍યસ્‍થભાવ, દસ-વિવેક, અગિયાર-ધૈર્ય- બાર-દયા, તેર-દમ, ચૌદ-ત્‍યાગ, પંદર-સમાધિ, સોળ ગુરૂ, સતર-શિષ્‍ય, અઢાર-અધ્‍યાત્‍મ, ઓગણીસ-સંસકાર, વીસ-આત્‍મતત્‍વ છે.

(4:15 PM IST)