<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

એક તરફ એક આતંકી ઠાર તો બીજી બાજુ ૪ નક્‍સલીઓનો ખાતમો બોલાવી દેવાયો

જમ્‍મુ-કાશ્‍મીર અને ઝારખંડમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહી

નવી દિલ્‍હી તા. ૧૭ : ઝારખંડના ચાઈબાસા જિલ્લાના ગુવા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં સ્‍થિત જંગલમાં સુરક્ષા દળો અને નક્‍સલવાદીઓ વચ્‍ચે શરૂ થયેલા એન્‍કાઉન્‍ટરમાં સુરક્ષા દળોએ ચાર નક્‍સલીઓને ઠાર કર્યા હતા. એન્‍કાઉન્‍ટર સ્‍થળ પરથી નક્‍સલવાદીઓના મૃતદેહો સાથે હથિયારો અને અન્‍ય સામગ્રી મળી આવી છે. બીજી તરફ ઉત્તર કાશ્‍મીરના બાંદીપોરા જિલ્લાના અરગામ વિસ્‍તારમાં ચાલી રહેલા ફાયરિંગમાં એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્‍યો છે. શરૂઆતમાં આ વિસ્‍તારમાં બે આતંકવાદીઓ છુપાયા હોવાના અહેવાલ હતા.

જણાવવામાં આવી રહ્યું છે કે માર્યા ગયેલા ચાર નક્‍સલવાદીઓમાંથી એક ઝોનલ કમાન્‍ડર, એક સબ જનરલ કમાન્‍ડર, એક એરિયા કમાન્‍ડર અને એક મહિલા નક્‍સલવાદી છે. સાથે જ આ ઓપરેશનમાં બે નક્‍સલીઓની ધરપકડ કરવામાં પણ સુરક્ષા દળોને સફળતા મળી છે.

મળતી માહિતી મુજબ સુરક્ષા દળો આ વિસ્‍તારમાં સર્ચ ઓપરેશનમાં હતા. આ દરમિયાન અચાનક નક્‍સલીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો અને જવાબી ગોળીબારમાં જવાનોએ ચાર નક્‍સલીઓને ઠાર કર્યા હતા.

બીજી તરફ ઉત્તર કાશ્‍મીરના બાંદીપોરા જિલ્લાના અરગામ વિસ્‍તારમાં ચાલી રહેલા ફાયરિંગમાં એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્‍યો છે. શરૂઆતમાં આ વિસ્‍તારમાં બે આતંકવાદીઓ છુપાયા હોવાના અહેવાલ હતા.

અધિકારીઓએ જણાવ્‍યું કે આતંકવાદીઓની હાજરીની બાતમી મળ્‍યા બાદ સુરક્ષા દળોએ સોમવારે સવારે બાંદીપોરા જિલ્લાના અરગામ ગામને ઘેરી લીધું હતું. તેમણે કહ્યું કે સુરક્ષા દળોએ છુપાયેલા આતંકવાદીઓને ઘેરી લીધા, ત્‍યારબાદ તેઓએ ગોળીબાર શરૂ કર્યો. એન્‍કાઉન્‍ટરમાં અત્‍યાર સુધી એક આતંકી માર્યો ગયો છે. માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ કરવામાં આવી રહી છે. આ વિસ્‍તારમાં હજુ પણ ઓપરેશન ચાલુ છે.

(3:53 PM IST)