તા. ૧૯ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક વદ - ૪ મંગળવાર
News of Tuesday, 18th June 2024
પૂણે પછી હવે નાગપુરમાં દારૂ પીને છાકટા થયેલા યુવાનોએ ફૂટપાથ પર સૂતેલા ૯ જણ પર કાર ચડાવી દીધી : બે જણના જીવ ગયા
કારમાં વીસથી બાવીસ વર્ષના ૭ યુવાન હતા પોલીસે કાર ચલાવનારા આરોપીની ધરપકડ કરી હતી

નાગપુર તા. ૧૮ : સલમાન ખાને ૨૦૦૨માં બાંદરામાં બેકરીની બહાર સૂતેલા લોકો પર લેન્ડક્રુઝર કાર ચડાવીને ચાર લોકોને કચડી દેવાની ઘટનાની યાદ તાજી કરાવે એવી ઘટના રવિવારે મોડી રાતે નાગપુરમાં બની હતી. બર્થ-ડે પાર્ટીમાં ડ્રિન્ક કર્યા બાદ કાર ફુટપાથ પર ચડાવી દેવાના મામલામાં ૯ લોકો કચડાયા હતા, જેમાં એક બાળક સહિત બે જણનાં મૃત્યુ થયાં હતાં. કારમાં વીસથી બાવીસ વર્ષના ૭ યુવાન હતા પોલીસે કાર ચલાવનારા આરોપીની ધરપકડ કરી હતી, જયારે ઘાયલ થનારાઓને હોસ્પિટલમાં અડ્મિટ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું.
પુણેનો પોર્શે-કાંડ હજી તાજો જ છે ત્યાં નાગપુરમાં યુવાનોની ડ્રિન્ક એન્ડ ડ્રાઇવની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. પોલીસના જણાવ્યા મુજબ નાગપુરના વાઠોડા પોલીસ-સ્ટેશનની હદમાં દિઘોરી નાકા પાસે રવિવારે મોડી રાતે ૧૨.૩૦ વાગ્યે એક અર્ટિગા કારે ફુટપાથ પર સૂતેલા ૯ લોકોને કચડ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે અકસ્માત બાદ આરોપીએ પલાયન થવાના ચક્કરમાં કારને આગળ-પાછળ કરતાં નીચે કચડાયેલા લોકોને ગંભીર ઈજા થઈ હતી.
આ ગંભીર ઘટના બાદ મહારાષ્ટ્રના ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને આરોપીઓને કઠોર સજા કરવામાં આવશે. ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ કરનારાઓને કાબૂમાં રાખવા માટે રાતના સમયે પેટ્રોલિંગ વધારવાના નિર્દેશ તેમણે પોલીસને આપ્યા હતા.
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
