News of Tuesday, 18th June 2024
વડાપ્રધાન મોદી શ્રીનગરમાં મનાવશે યોગ દિવસ : 30 જૂનથી ફરી વખત મન કી બાત કાર્યક્રમ શરુ થશે
શ્રીનગરમાં આ યોગ કાર્યક્રમ ડલ લેક પાસે જ આવેલા શેર-એ-કાશ્મીર ઈન્ટરનેશનલ કૉન્ફરન્સ સેન્ટરમાં આયોજિત કરાશે

નવી દિલ્હી : પીએમ મોદી આ વર્ષે યોગ દિવસના રોજ શ્રીનગરમાં થનારા આયોજનમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ ડલ લેક પાસે જ આવેલા શેર-એ-કાશ્મીર ઈન્ટરનેશનલ કૉન્ફરન્સ સેન્ટરમાં આયોજિત કરાશે. આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવે મંગળવારે આ અંગે જાણકારી આપી.
જાધવે કહ્યું કે, આ વખતે યોગ દિવસની થીમ છે, 'યોગ સ્વંય અને સમાજ માટે.' જાધવે કહ્યું કે આ થીમનો અર્થ છે કે કઈ રીતે આપણે યોગથી પોતાની આંતરિક શક્તિ વધારી શકીએ છીએ અને સમાજનું કલ્યાણ પણ તેની શક્ય છે. મંત્રીએ કહ્યું કે યોગથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ થાય છે. આ ઉપરાંત સમાજમાં સદ્ભાવને પણ પ્રોત્સાહન મળે છે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ દેશના તમામ ગ્રામ પ્રધાનોને પત્ર લખ્યો છે. જેમાં તેમણે અપીલ કરી છે કે ગામોમાં દરેક વ્યક્તિ સુધી યોગ દિવસનો સંદેશ પહોંચે અને તેમાં ભાગ લેવા માટે પ્રેરિત કરે. એટલું જ નહીં આ દરમિયાન તેમણે દ્રષ્ટીહીનો માટે બ્રેલ લિપિમાં એક પુસ્તક પણ બહાર પાડ્યું જે યોગ પર આધારિત છે. આ પુસ્તક બાળકોને યોગ શીખવા અને તેનો અભ્યાસ કરવામાં મદદ કરશે. પીએમ મોદીના પ્રયાસોથી જ સંયુક્ત રાષ્ટ્ર સંઘે યોગ દિવસના પ્રસ્તાવને માન્યો હતો અને ત્યારથી જ દર વર્ષે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થાય છે.
યોગ દિવસ ઉપરાંત વડાપ્રધાન મોદી આ સપ્તાહે રવિવારે ફરી મન કી બાત કાર્યક્રમ શરુ કરશે. આગામી 30 જૂને ફરી એકવખત આકાશવાણી પર પોતાના માસિક કાર્યક્રમ મન કી બાતમાં દેશવાસીઓ સાથે વિચાર શેર કરશે. મોદીએ મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ અંગે જાણકારી આપી. તેમણે કહ્યું, તમને તે જણાવતા પ્રસન્નતા થઈ રહી છે કે ચૂંટણીના કારણએ કેટલાંક મહિનાના અંતરાલ બાદ મન કી બાત કાર્યક્રમની ફરીથી વાપસી થઈ રહી છે. આ મહિનાનો કાર્યક્રમ 30 જૂને થશે. તમે આ કાર્યક્રમ થકી માઈગોવ ઓપન ફોરમ કે નમો એપ પર પોતાના વિચાર શેર કરી છો. તમે 1800117800 પર પોતાનો સંદેશ રેકોર્ડ પણ કરી શકો છો.
અત્રે ઉલ્લેખનીય છે કે મોદીએ વર્ષ 2014માં પહેલી વખત વડાપ્રધાન બન્યા બાદ દેશવાસીઓની સાથે સંવાદ માટે આકાશવાણી પર માસિક કાર્યક્રમ મન કી બાત શરુ કર્યું હતું. તેમના બીજા કાર્યકાળમાં પણ આ કાર્યક્રમ દર મહિને પ્રસારિત કરાયો. તેમનો બીજો કાર્યકાળ પૂરો થતાં પહેલા ગત માર્ચમાં સામાન્ય ચૂંટણી દરમિયાન આદર્શ આચાર સંહિતા લાગુ થવા પર આ કાર્યક્રમ બંધ થઈ ગયો હતો. મોદીએ આ મહિને ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા છે અને આ મહિનાથી પોતાનો માસિક રેડિયો કાર્યક્રમનો પ્રસારણ શરુ કરવાની જાહેરાત કરી દીધી છે. આ મન કી બાતની 111મી કડી હશે.
(9:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
