<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

અભિષેકે ૧૫.૪૨ કરોડમાં ખરીદ્યા ૬ એપાર્ટમેન્‍ટ

જુનીયર બચ્‍ચનનો મોટો દાવો બોરીવલીમાં ૫૭માં માળે ૪૮૯૪ વર્ગફુટના એપાર્ટમેન્‍ટ ૩૧૪૯૮ રૂા.નો ભાવ

મુંબઇ તા. ૧૯ : બોલિવૂડ એક્‍ટર અભિષેક બચ્‍ચને કુલ ૧૫.૪૨ કરોડ રૂપિયામાં છ એપાર્ટમેન્‍ટ ખરીદ્યા છે. તેનું લોકેશન મુંબઈના બોરીવલી વિસ્‍તારમાં છે. તે રિયલ્‍ટી ડેવલપર ઓબેરોય રિયલ્‍ટીની પેટાકંપની, Incline રિયલ્‍ટીનો પ્રોજેક્‍ટ છે. ઇટીના અહેવાલ મુજબ, અભિષેક બચ્‍ચને લક્‍ઝરી પ્રોજેક્‍ટ ઓબેરોય સ્‍કાય સિટીના ૫૭મા માળે ૪,૮૯૪ ચોરસ ફૂટમાં ફેલાયેલા આ એપાર્ટમેન્‍ટ્‍સ રૂ. ૩૧,૪૯૮ પ્રતિ ચોરસ ફૂટના ભાવે ખરીદ્યા છે.

આમાંથી બે એપાર્ટમેન્‍ટ ૨૫૨ ચોરસ ફૂટમાં ફેલાયેલા છે, જયારે બાકીના ચારનો કાર્પેટ એરિયા અંદાજે ૧,૧૦૦ ચોરસ ફૂટ છે. ૭૯ લાખમાં બે નાના એપાર્ટમેન્‍ટ ખરીદવામાં આવ્‍યા છે. તે જ સમયે, અન્‍ય ચાર એપાર્ટમેન્‍ટ માટે અંદાજે રૂ. ૩.૫ કરોડ ચૂકવવામાં આવ્‍યા છે. Zapkey.com દ્વારા મેળવેલા દસ્‍તાવેજો દર્શાવે છે કે આ તમામ સોદા ૨૮ મેના રોજ પૂર્ણ થયા હતા અને ૨૯ મેના રોજ નોંધાયેલા હતા.

છેલ્લા કેટલાક વર્ષોમાં, અમિતાભ બચ્‍ચન, શાહરૂખ ખાન, શિલ્‍પા શેટ્ટી, અક્ષય કુમાર, અભિષેક બચ્‍ચન અને ઐશ્વર્યા રાય સહિત ઘણા બોલિવૂડ કલાકારો, નિર્માતાઓ અને નિર્દેશકોએ સંપત્તિમાં રોકાણ કર્યું છે. હાલમાં જ જહોન અબ્રાહમે મુંબઈના ખાર વિસ્‍તારમાં ટોની લિંકિંગ રોડ પર લગભગ એક એકર જમીનના પાંચમા ભાગ પર બનેલો બંગલો ૭૦.૮૩ કરોડ રૂપિયાથી વધુમાં ખરીદ્યો છે.

અભિષેક બચ્‍ચન ઘણી ફિલ્‍મોમાં જોવા મળશે અભિષેક બચ્‍ચન બોલિવૂડની ઘણી ફિલ્‍મોમાં કામ કરવા જઈ રહ્યો છે. તે ફિલ્‍મમેકર શૂજિત સરકારની આગામી ફિલ્‍મમાં જોવા મળશે. આ ફિલ્‍મ પિતા અને પુત્રીના સંબંધની વાર્તા છે. આ ફિલ્‍મમાં અભિષેક બચ્‍ચન મુખ્‍ય ભૂમિકામાં છે. અભિષેક બચ્‍ચન આગામી કોમેડી ફિલ્‍મ ‘હાઉસફુલ ૫'માં પણ જોવા મળશે. ‘હાઉસફુલ ૫'માં અક્ષય કુમાર અને રિતેશ દેશમુખના નામની જાહેરાત થઈ ચૂકી છે. તરૂણ મનસુખાની ‘હાઉસફુલ ૫'નું નિર્દેશન કરશે

(11:39 AM IST)