<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

કેન્યામાં બ્રેડ પર ૧૬ ટકા ટેકસ લગાવવાના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા

હિંસક વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં ઘણા લોકો માર્યા ગયા છે અને ઘણા ઘાયલ થયા છે બ્રેડ ઉપર પેટ્રોલિયમ પ્રોડકટ્સ અને ટાયર પર પણ ટેકસ બમણો કરવામાં આવ્યો

વી દિલ્હી તા. ૧૯ : કેન્યામાં પ્રચંડ જાહેર વિરોધને જોતા સરકારને કેટલાક વિવાદાસ્પદ ટેકસ પાછા ખેંચવાની જાહેરાત કરવાની ફરજ પડી છે. વર્ષ ૨૦૨૨માં રાષ્ટ્રપતિ બન્યા બાદ વિલિયમ રુટોએ દેશની આર્થિક સ્થિતિ સુધારવા માટે કેટલાક મહત્વપૂર્ણ ટેકસ સુધારા કર્યા હતા. આ માટે ટેકસ એકટ ૨૦૨૩ પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદામાં બ્રેડ પર પણ ૧૬ ટકા ટેકસ લાદવાની જોગવાઈ કરવામાં આવી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેના ખાદ્ય તેલ, મોબાઈલ મની સેવાઓ અને વાહનો પર ભારે ટેકસ લાદવામાં આવશે. પરંતુ, કેન્યાના લોકોને સરકારના આ ટેકસ સુધારા બિલકુલ પસંદ ન આવ્યા. સરકારના આ પગલાં સામે કેન્યામાં લાંબા સમયથી હિંસક દેખાવો થઈ રહ્યા હતા. આને ધ્યાનમાં રાખીને સરકારે હવે કેટલાક પ્રસ્તાવિત કર પાછા ખેંચવાની જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે કેન્યા પર ભારે દેવું છે. હાલમાં તેના પર ૮૦ અબજ ડોલરનું દેવું છે. દેશની અર્થવ્યવસ્થા ખૂબ જ ખરાબ છે. વધતી જતી મોંઘવારીના કારણે લોકો માટે જીવવું મુશ્કેલ બની રહ્યું છે. દેશની આર્થિક સ્થિતિ સુધારવા માટે રાષ્ટ્રપતિ વિલિયમ રુટોની સરકાર પર ભારે દબાણ છે. સરકારે તેની આવક વધારવા માટે નવા કર લાદ્યા. જનતાને આ બિલકુલ પસંદ નથી અને છેલ્લા એક વર્ષથી કેન્યાના રસ્તાઓ પર પોલીસ અને લોકો વચ્ચે દરરોજ અથડામણ થતી હતી.

વિવાદાસ્પદ ટેકસ એકટ ૨૦૨૩ની જોગવાઈએ સૌથી વધુ હોબાળો મચાવ્યો છે તે બ્રેડ પર ૧૬ ટકા ટેકસ લાદવાની દરખાસ્ત છે. લોકોનું કહેવું છે કે આ ભારે ટેકસ લાગુ થતાં જ લોકો ભૂખે મરી જશે. કેન્યામાં રહેવાની કિંમત પહેલેથી જ ખૂબ ઊંચી છે. આવી સ્થિતિમાં બ્રેડ પર ૧૬ ટકા ટેકસ લગાવવો યોગ્ય નથી. આ સિવાય પેટ્રોલિયમ ઉત્પાદનો પર ટેકસનો દર પણ બમણો કરીને ૧૬ ટકા કરવામાં આવ્યો છે. ખાદ્યતેલો પર પણ ટેકસમાં મોટો વધારો થયો છે.

ઈકો ટેકસના નામે પ્લાસ્ટિક પેકિંગ મટિરિયલ, પ્લાસ્ટિક અને ટાયર પર પણ ટેકસ વધાર્યો હતો. આ સિવાય નેપકિન્સ, સેનિટરી ટુવાલ અને કોમ્પ્યુટર અને મોબાઈલ પરના ટેકસના દરમાં થયેલા જંગી વધારાથી લોકોમાં રોષ ફેલાયો હતો. સામાન્ય લોકોની સાથે સાથે કેન્યાના વિરોધ પક્ષો પણ સરકારના ટેકસ એકટ ૨૦૨૩નો વિરોધ કરી રહ્યા છે.

લાંબા સમયથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં ઘણા લોકો માર્યા ગયા છે અને ઘણા ઘાયલ થયા છે. રાજધાની નૈરોબીમાં સૌથી વધુ હિંસક અથડામણ થઈ હતી. તાજેતરમાં નૈરોબીમાં દેખાવકારોને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના શેલનો ઉપયોગ કરવો પડ્યો હતો. લગભગ ૨૦૦ લોકોની અટકાયત કરવામાં આવી હતી

(12:31 PM IST)