<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

સરકારના કયા નિર્ણયોને કારણે યુપીમાં ભાજપને પછડાટ લાગી ? લખનૌ સમીક્ષા બેઠકમાં આ 16 પ્રશ્નો ઉઠાવાયા !

યુપી લોકસભા ચૂંટણીમાં ભાજપ પાછળ રહી જવાના મામલે લખનૌ હેડક્વાર્ટરમાં બેઠક: ભાજપનું 16 પ્રશ્નોના જવાબ શોધવા મનો મંથન : ફૈઝાબાદમાં હારથી શાખ પર ફટકો : અમેઠીની હારથી પાર્ટી ચિંતિત

લોકસભા ચૂંટણી 2024ને લઈને ભારતીય જનતા પાર્ટીની સમીક્ષા બેઠક ચાલી રહી છે. અનેક વિસ્તારોની મીટીંગો પૂરી થઈ ગઈ છે. આ દરમિયાન અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સપ્રેસમાં દાવો કરવામાં આવ્યો છે કે ભાજપ યુપીમાં 16 પ્રશ્નોના જવાબ શોધી રહી છે. સમીક્ષા બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના યુપી એકમના અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી પણ હાજર છે. યુપીમાં ભાજપને લોકસભા ચૂંટણીમાં માત્ર 33 બેઠકો મળી છે. જ્યારે તેના સહયોગી અપના દળને માત્ર 1 સીટ, આરએલડીને 2 સીટ, નિષાદ પાર્ટી અને સુભાસપને 0 સીટ મળી હતી. પાર્ટીનું લક્ષ્ય મિશન 80 માટે હતું.

  આ 16 પ્રશ્નો વિશે ભાજપ સેમસમીક્ષા કરી રહી છે જેમાં  પાર્ટીના કાર્યકરો જમીન પર કેટલા સક્રિય હતા? ચૂંટણીમાં હારનું કારણ કેન્દ્ર કે રાજ્ય સરકારના નિર્ણયો હતા? વ્યૂહરચના ક્યાં ખોટી પડી? ઉમેદવારો અને જનતા વચ્ચેનો સંબંધ કેવો હતો? પક્ષના નેતાઓએ તેમની જાતિ અને સમુદાયના લોકો સાથે કેવો સંબંધ જાળવી રાખ્યો? એક સમુદાયના મતદારો ભાજપમાંથી કેમ બદલાયા? હિન્દુ મતદારોએ જાતિના આધારે કેમ મતદાન કર્યું? પ્રમોશનલ મીડિયાનો ઉપયોગ કેટલી અસરકારક રીતે કરવામાં આવ્યો? સંગઠન અને ઉમેદવારો વચ્ચે કેવું સંકલન હતું? પક્ષ પાસે કયા સંસાધનો હતા?

    તેમજ વિવિધ સમુદાયો વચ્ચે પક્ષના નેતાઓએ કરેલી મુલાકાતોની શું અસર થઈ? બૂથ મેનેજમેન્ટ કેવું હતું? વિધાનસભાઓમાં વિપક્ષનો વોટ શેર કેવી રીતે વધ્યો અને ભાજપનો કેવી રીતે ઘટાડો થયો? ભાજપ વિરૂદ્ધ વિપક્ષે શું તૈયાર કર્યું હતું? વિરોધી ઉમેદવારોએ કઈ વ્યૂહરચનાઓનો ઉપયોગ કર્યો અને તેઓ જમીન પર જનતા સાથે કેવી રીતે જોડાયા? બંધારણ અને અનામતના મુદ્દાએ ચૂંટણી પર કેટલી અસર કરી?

   આ બધા સિવાય બીજેપી અયોધ્યા અને અમેઠી સીટોની પણ સમીક્ષા કરી રહી છે. ફૈઝાબાદ લોકસભા સીટ ગુમાવવી એ ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો છે. અમેઠીમાં હારથી પાર્ટી પણ ચિંતિત છે. આ બંને બેઠકોની સમીક્ષાની જવાબદારી ભુપેન્દ્ર ચૌધરી પોતે સંભાળી રહ્યા છે.

(1:35 PM IST)