News of Thursday, 20th June 2024
UGC-NET જૂન ૨૦૨૪ની પરીક્ષા રદઃ ૧૮મીએ લેવાઇ હતીઃ ગેરરીતિના પગલે સરકારે લીધો નિર્ણય
શિક્ષણ વિભાગે પરીક્ષાની પ્રક્રિયામાં પારદર્શિતાની ખાતરી કરવા માટે નિર્ણય લીધો

નવી દિલ્હી,તા. ૨૦: એનટીએએ દેશના વિવિધ શહેરોમાં ૧૮ જૂને બે પાળીમાં ઓએમઆર (પેન અને પેપર) મોડમાં યુજીસી-નેટ જૂન-૨૦૨૪ની પરીક્ષાનું આયોજન કર્યું હતું. જોકે ગૃહમંત્રાલયને પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદના ઈનપુટ મળ્યા બાદ પરીક્ષા રદ કરવામાં આવી છે. આ પહેલા NEETની પરીક્ષામાં પણ છબરડાં સામે આવ્યા અને મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. સૌથી મહત્ત્વની વાત એ છે કે, યુજીસી-નેટની જેમ નીટની પરીક્ષા પણ એનટીએ દ્વારા લેવામાં આવે છે.
શિક્ષણ વિભાગે પરીક્ષાની પ્રક્રિયામાં પારદર્શિતાની ખાતરી કરવા માટે નિર્ણય લીધો છે કે, યુજીસી-નેટ જૂન ૨૦૨૩ની પરીક્ષા રદ કરવામાં આવશે. હવે નવેસરથી પરીક્ષાનું આયોજન કરી અલગથી માહિતી શેર કરવામાં આવશે. આ ઉપરાંત આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે.
શિક્ષણ મંત્રાલયે કહ્યું કે, નવેસરથી પરીક્ષાનું આયોજન કરવામાં આવશે અને તેની માહિતી અલગથી અપાશે. સરકાર પરીક્ષાની અખંડિતતાની ખાતરી કરવા માટે અને વિદ્યાર્થીઓના હિતની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છે.ઙ્ખ ઉલ્લેખનીય છે કે, દેશભરના ૩૧૭ શહેરોમાં, ૧૨૦૫ પરીક્ષા કેન્દ્ર પર યુજીસી નેટ પરીક્ષા જૂન-૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૧૧,૨૧,૨૨૫ ઉમેદવારોએ ભાગ લીધો હતો. UGC-NET જૂન-૨૦૨૪ની પરીક્ષા ૧૮ જૂને બે શિફટમાં લેવાઈ હતી. પ્રથમ શિફટનો સમય સવારે ૯.૩૦ કલાકથી બપોરે ૧૨.૩૦ કલાક અને બીજી શિફટનો સમય બપોરે ૩.૦૦ વાગ્યાથી સાંજે ૬.૦૦ વાગ્યા સુધી હતો.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસે પહેલા જ NEETની પરીક્ષાનો મુદ્દો ચગ્યો હતો અને આ પરીક્ષાનું આયોજન પણ રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (NTA) દ્વારા કરાયું હતું, ત્યારે હવે NTAની વિશ્વસનીયતા પર સવાલો ઉઠી રહ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ નીટ પરીક્ષા-૨૦૨૪ના પરિણામો મુદ્દે પહેલીવાર એવા નિર્ણયો લીધા છે, જેના કારણે પરીક્ષામાં અનિયમિતતા મુદ્દે સવાલો ઉઠ્યા છે. નીટની પરીક્ષાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો, જેમાં NEET ના પરિણામ જાહેર થયા પછી દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ગ્રેસ માર્કસ મેળવનારા ૧૫૬૩ વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવાની રહેશે. અમે કાઉન્સેલિંગ બંધ નહીં કરીએ. તેના માટે સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરીને ૨ સપ્તાહમાં જવાબ માંગ્યો છે. હવે આગામી સુનાવણી ૮મી જુલાઈએ થશે.
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
