<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

ઉંચાઈ ૩ ફૂટ ૧૧ ઈંચ...મહિલા વકીલને ટગર-ટગર જોતાં જ રહે છે લોકોઃ દલીલ એવી કે છક્કા છૂટી જાય

હાઇટ કમ ફાઇટ જયાદા! મળો સૌથી નાના વકીલને : આ મહિલાની લંબાઈ એટલી ઓછી છે કે લોકો તેને જોઈને બાળક સમજવા લાગે છેઃ પરંતુ જયારે લોકો તેમના અદભુત ટેલેન્‍ટને જોવે છે તો આશ્ચર્યચકિત થઈ જાય છે

જલંધર,તા. ૨૫: શરીરના કદ,આકાર, કે લંબાઈને વ્‍યક્‍તિના ટેલેન્‍ટ સાથે કઈ જ લેવા દેવા નથી. લોકો પોતાના ટેલેન્‍ટને થકી કઈ પણ હાસિલ કરી શકે છે. આજે અમે તમને એવી જ વ્‍યક્‍તિને મળાવવા જઈ રહ્યાં છીએ જે સૌ કોઈ માટે પ્રેરણારૂપ બની રહી છે. જેની ઉંચાઈ માત્ર ૩ ફૂટ ૧૧ ઈંચ છે અને વ્‍યવસાયે વકીલ છે. આ મહિલાનું નામ હરવિંદર કૌર છે, જે પંજાબની રહેવાસી છે. પહેલી નજરે જયારે તમે હરવિંદરને મળશો તો એવું લાગશે કે કોઈ બાળક આવી રહ્યું છે, પરંતુ કોર્ટમાં તેની દલીલો સાંભળીને તમે ચોંકી જશો.

હરવિંદર જયારે પણ વકીલો સાથે કોર્ટમાં જાય છે ત્‍યારે તેના સાથી વકીલો તેની સામે જોઈ રહે છે. કેટલાક વકીલો તો તેને બાળક માનીને મૂંઝવણમાં મૂકાઈ જાય છે. પરંતુ જયારે હરવિંદર કૌર કોર્ટમાં પોતાની દલીલો રજૂ કરે છે તો લોકો જોતા જ રહી જાય છે. તેમની જીવન યાત્રા સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને રાજા નામના યુઝરે શેર કર્યો છે. રાજાએ પોતાના વીડિયોમાં જણાવ્‍યું છે કે, હરવિંદર દેશની સૌથી નાની ઉંચાઈ ધરાવતી મહિલા વકીલ છે, જે ૪ ફૂટથી ૧ ઈંચ નાની છે. વીડિયો દ્વારા હરવિંદરે જણાવ્‍યું છે કે જયારે તે નાની હતી ત્‍યારે તે એર હોસ્‍ટેસ બનવા માંગતી હતી, પરંતુ તેની ઓછી ઉંચાઈને કારણે તેનું સપનું અધૂરું રહી ગયું.

હરવિન્‍દરે જણાવ્‍યું કે, તેના માતા-પિતા તેની ઊંચાઈ વધારવા માટે ઘણા ડોક્‍ટર પાસે ગયા. પરંતુ કોઈ ફાયદો થયો નહીં. આટલું જ નહીં તેની ટૂંકી ઊંચાઈના કારણે લોકોએ તેની મજાક પણ ઉડાવી હતી. આવી સ્‍થિતિમાં તે ડિપ્રેશનનો શિકાર પણ બની હતી. સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્‍પણીઓ કરતા હતા. હરવિંદરે કહ્યું કે, જયારે મેં વકીલ બનવાનું વિચાર્યું ત્‍યારે પણ લોકો મારી યોગ્‍યતા પર સવાલ ઉઠાવતા હતા. પરંતુ તે દરમિયાન હું પ્રેરક વીડિયો જોઈને મારી જાતને મજબૂત બનાવતી હતી. હું માનતી હતી કે, જો ઈશ્વરે મનેનાનું કદ આપ્‍યું છે તો તેનો કોઈ હેતુ હોવો જોઈએ. આવી સ્‍થિતિમાં, મેં ૧૨માં પાસ કરતાની સાથે જ કાયદાનો અભ્‍યાસ શરૂ કર્યો.

હરવિન્‍દરે જણાવ્‍યું કે તેનો એલએલબીનો અભ્‍યાસ વર્ષ ૨૦૨૦માં પૂરો થયો અને ટૂંક સમયમાં તેને બાર કાઉન્‍સિલનું લાઇસન્‍સ પણ મળી ગયું. આવી સ્‍થિતિમાં તેણે જલંધર સેશન્‍સ કોર્ટમાં પ્રેક્‍ટિસ શરૂ કરી. હરવિંદરે કહ્યું કે હવે મારી ઊંચાઈથી કોઈ ફરક નથી પડતો. મારી કાનૂની કુશળતા અને સકારાત્‍મક વલણ મને અન્‍ય લોકોથી અલગ પાડે છે. હરવિંદર પોતે પણ ઈન્‍સ્‍ટાગ્રામ એકાઉન્‍ટ @ruby_9606 પરથી તેના વીડિયો શેર કરતો રહે છે. તેના આ વીડિયોને હજારો લોકોએ જોયો છે, લાઈક કર્યો છે અને શેર કર્યો છે. હરવિંદરને ૩ લાખ ૯૨ હજાર લોકો ફોલો કરે છે. વીડિયો પર કોમેન્‍ટ કરતાં એક યુઝરે લખ્‍યું છે કે, આગળ વધતા રહો અને તમારો આત્‍મવિશ્વાસ જાળવી રાખો.

(12:25 PM IST)