<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

રાજકોટ બપોર સુધી સજ્જડ-સ્‍વયંભુ બંધ

ગેમઝોન અગ્નિકાંડ ઘટનાની પ્રથમ માસિક પુણ્‍યતિથિ : રૈયા રોડ, જંકશન, રેલનગર સહિતના વિસ્‍તારો પણ સ્‍વયંભૂ બંધ, અમુક જગ્‍યાએ આંશિક દુકાનો ખુલ્લી : ધર્મેન્‍દ્ર રોડ, સોની બજાર, ગુંદાવાડી, પેલેસ રોડ, લાખાજીરાજ રોડ, કોઠારીયા રોડ, ઘી કાંટા રોડ સવારથી જ બંધ : જે વિસ્‍તારોમાં દુકાનો ખુલ્લી હતી ત્‍યાં કોંગ્રેસના આગેવાનો - કાર્યકરોએ અપિલ કરી દુકાનો બંધ કરાવી : ગેમ ઝોન અગ્નિકાંડના દિવંગતોને શ્રધ્‍ધાંજલિ આપવા પહેલી માસિક પૂણ્‍યતિથીએ કોંગ્રેસ દ્વારા અપાયું હતું બંધનું એલાન : ગેમ ઝોનના હતભાગીઓને શ્રધ્‍ધાંજલી આપવા રાજકોટની તમામ બજારો બંધઃકોંગી આગેવાનોએ જે દૂકાનો ખુલ્લી હતી ત્‍યાં જઇ હાથ જોડી વિનંતી કરતાં વેપારીઓએ ટેકો જાહેર કર્યોઃ સમગ્ર શહેરમાં શાંતિપુર્ણ બંધ

ધર્મેન્‍દ્ર રોડ, પરા બજાર, સોની બજાર, પેલેસ રોડ, ગુંદાવાડી,  પારસી અગીયારી ચોક, મોટી ટાંકી ચોક, રૈયા રોડ, કોઠારીયા રોડ, ગોંડલ રોડ, મવડી રોડ સહિતના વિસ્‍તારોના વેપારીઓએ સંપુર્ણ બંધ પાળી ગેમ ઝોનની આગકાંડના હતભાગીઓ-દિવંગતોને શ્રધ્‍ધાંજલિ પાઠવી હતી અને કોંગ્રેસના બંધના એલાનને સંપુર્ણ ટેકો જાહેર કર્યો હતો. તસ્‍વીરોમાં સંપુર્ણ બંધ રહેલી શહેરની મુખ્‍ય બજારો અને નીચેની તસ્‍વીરોમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્‍તિસિંહ ગોહિલ, પુર્વ ધારાસભ્‍ય ઇન્‍દ્રનીલ રાજ્‍યગુરૂ, શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, પરેશ ધાનાણી, રાજુ ચાવડીયા, હબીબ ગનીભાઇ કટારીયા, છેલ્લી તસ્‍વીરમાં ધારાસભ્‍ય જીજ્ઞેશ માવાણી, રણજીત મુંધવા સહિતના કોંગી આગેવાનો કાર્યકરો દ્વારા વેપારીઓને દૂકાન બંધ રાખવા હાથ જોડી અપીલ કરવામાં આવી હતી તે જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા) (૧૪.૧૦)

રાજકોટ : અગ્નિકાંડમાં હોમાઇ ગયેલા પીડિત પરિવારને ન્‍યાય અપાવવા માટે આજે તા.૨૫મી જુને પ્રથમ માસિક પુણ્‍યતિથિ નિમિતે રાજકોટના મોટા ભાગના વેપારીઓએ બપોર સુધી બંધ પાડી સ્‍વર્ગસ્‍થોને શ્રધ્‍ધાંજલી આપી હતી. સવારે ૯૫ ટકા દુકાનો બંધ  રહી હતી માત્ર પાંચ ટકા વેપારીઓએ ધંધા રોજગાર ચાલુ રાખ્‍યા હતા. ત્‍યાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોએ શાંતિપૂર્ણ અપિલ કરતાં બંધ કરી દેવામાં આવ્‍યા હતા.

રાજકોટ શહેરના ધર્મેન્‍દ્ર રોડ, સોનીબજાર, ગુંદાવાડી, પેલેસ રોડ, લાખાજીરાજ રોડ, કોઠારીયા રોડ, ઘી કાંટા રોડ સવારથી જ સ્‍વયંભુ બંધ રહ્યા હતા. તો જંકશન, રેલનગર, ભકિતનગર સર્કલ, ઢેબર રોડ, લોધાવાડ ચોક, યાજ્ઞિક રોડ, કોઠારીયા રોડ સહિતના વિસ્‍તારો પણ સવારથી જ સજ્જડ બંધ રહ્યા હતા.

જયારે રૈયા રોડ ઉપર સવારે અમુક દુકાનો ખુલી હતી. બાદમાં કોંગ્રેસ અને એનએસયુઆઇના આગેવાનોએ શાંતિપૂર્ણ બંધ રાખવાની અપિલ કરતા દુકાનદારોએ પોતાની દુકાનો બંધ કરી દીધી હતી.

પરાબજાર, લાખાજીરાજ રોડ, દાણાપીઠ, સોનીબજારના વેપારીઓએ અગાઉથી જ સ્‍વયંભૂ બંધ રાખવાની ઘોષણા કરી હતી.

કોંગી આગેવાનો અતુલ રાજાણી, ઇન્‍દ્રનીલ રાજયગુરૂ, મહેશ રાજપુત, ગાયત્રીબા વાઘેલા, અશોકસિંહ વાઘેલા, ડો.હેમાંગ વસાવડા, ગોપાલભાઇ અનડકટ, વશરામભાઇ સાગઠીયા, હિતેશભાઇ વોરા, રણજીત મુંધવા, દિલીપ આસવાણી, ગૌરવ પૂજારા, કૃષ્‍ણદત રાવલ સહિતના આગેવાનો કાર્યકરો જોડાયા હતા.

આમ, શાંતિપૂર્ણ રીતે બંધ રહયું હતું. જે વેપારીઓએ દુકાનો ખુલ્લી રાખી હતી ત્‍યાં કોંગી આગેવાનોએ જઇ બે હાથ જોડી વિનંતી કરતાં આ વેપારીઓએ પણ પોતાની દુકાનો બંધ કરી દીધી હતી.

(2:52 PM IST)