News of Tuesday, 25th June 2024
હજયાત્રાઃ સેંકડો મોત પાછળ જાહેર થયું અંડરવર્લ્ડ કનેકશન
મૃતકોમાંથી ૮૩ ટકા યાત્રીઓ પાસે નહોતી હજ પરમીટઃ ૩ થી પ હજાર ડોલરમાં કરાવાય છેઃ હજ યાત્રામાં ગેરકાયદે એન્ટ્રી

મક્કા તા. રપઃ સાઉદી અરબમાં ચાલી રહેલી હજયાત્રા દરમ્યાન અત્યાર સુધીમાં ૧૩૦૧ હજયાત્રીઓના મોત થઇ ચૂકયા છે. આ ઓફીશ્યલ આંકડો છે. ખરેખર મૃત્યુ પામનારનો આંકડો આનાથી વધારે હોઇ શકે છે. મહત્વની વાત એ છે કે મરનારાઓમાં મોટા ભાગના લોકો એવા છે જે હજ પરમીટ વગર જ ટુરીસ્ટ વીઝા પર મક્કા પહોંચ્યા હતા. રવિવારે એક ઇન્ટરવ્યુમાં સાઉદીના આરોગ્ય મંત્રી ફહદ બિન અબ્દુર્રહમાન અલ-જલાજેલે દાવો કર્યો કે ૧૩૦૧ મોતમાંથી ૮૩ ટકા મોત એવા તીર્થયાત્રીઓના છે જેમની પાસે હજ પરમીટ નહોતી. અલ જલાજેલની આ ટીપ્પણી હજ દરમ્યાન થયેલ મોત પર સાઉદી સરકારના કેટલાય દિવસોના મૌન પછી આવી છે.
અલ જલાજેલ અનુસાર, આ વર્ષે હજ દરમ્યાન ઉચ્ચ તાપમાન એક મોટો પડકાર હતો. પણ આ મોતોએ હજ દરમિયાન ટુર ઓપરેટરો અને તસ્કરોના એક અંડરવર્લ્ડને પણ જાહેર કર્યું, જે યાત્રા માટે આતુર લોકો પાસેથી નફો કમાય છે. સાથે જ આ મોતથી સાઉદી સરકારની યાત્રા વ્યવસ્થામાં રહેલી ચૂક પણ જાહેર થઇ છે, જેનો ઉદ્દેશ બીનરજીસ્ટર્ડ તીર્થયાત્રીઓને પવિત્ર સ્થળે પહોંચતા રોકવાનો છે. આ વર્ષે લગભગ ૪,૦૦,૦૦૦ લોકો ગરેકાયદેસર રીતે મક્કા પહોંચ્યા.
દાવો છે કે પરમીટવાળા યાત્રીઓને પવિત્ર શહેર મક્કામાં એસી બસોમાં લઇ જવાય છે અને તેમને એસી તંબુઓમાં રહેવા મળે છે. જેમની પાસે પરમીટ નહોતી તેમણે ગરમીમાં લાંબુ અંતર કાપવું પડયું. પરમીટ નહીં હોવાથી પકડાઇ જવાનાં ભયે તેઓ સરકારી મદદ માંગવા પણ નહોતા ગયા. મક્કાના પ૧ ડીગ્રી તાપમાનમાં રસ્તાઓ પર લોકોને બેહોશ થતા, પડતા અને મરતા જોવામાં આવ્યા.
ખરેખર તો, હજ માટે પરમીટો આપવામાં આવે છે. જેનો બહુ ખર્ચ પણ થાય છે. એટલે ઘણીવાર, જે લોકો હજ વીઝા મેળવી શકે છે તેમને પણ આ ભારે ખર્ચ પરમીટ વગર હજયાત્રા કરવા પ્રેરિત કરેછે. જો કે પકડાઇ જાય તો તેમને ધરપકડ અને કાઢી મુકવાનું જોખમ રહે છે. તેમ છતાં પણ અંડરવર્લ્ડની મદદથી હજારો અનરજીસ્ટર્ડ તીર્થયાત્રીઓને મોટી રકમ વસૂલીને, તેમને અધિકારીઓની મીલીભગતથી મક્કામાં પ્રવેશ અપાયો છે. સાઉદી મીડીયા અનુસાર, જે અનરજીસ્ટર્ડ તીર્થયાત્રી ગેરકાયદેસર રીતે મક્કા પહોંચ્યા હતા તેમાંથી લગભગ ૮૦ ટકા ઇજીપ્તના હતા.
ટૂર ઓપરેટરો હજયાત્રીઓને પરમીટ વગર યાત્રા માટે મોટી રકમ લઇને બધી વ્યવસ્થા કરવાની લાલચો આપે છે. દેશ પ્રમાણે આ રકમ અલગ-અલગ હોય છે. અમેરિકાના યાત્રીઓ પાસેથી રપ હજાર ડોલર સુધ્ધા લેવામાં આવે છે તો ઇજીપ્ત જેવા દેશોના યાત્રીઓ પાસેથી ૩ થી પ હજાર ડોલર લેવાય છે. પણ આ વખતે મોતના ભારે આંકડાએ આ આખા ગોરખધંધાને જાહેર કરી દીધો છે. ત્યાર પછી ઇજીપ્ત, ટયુનીશીયા, જોર્ડન વગેરે દેશોમાં ટુર ઓપરેટરોથી માંડીને પ્રધાનો પર કાર્યવાહી કરાઇ રહી છે. (રાજસ્થાન પત્રિકામાંથી સાભાર)
(2:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
