News of Thursday, 27th June 2024
કેરળમાં અવિરત વરસાદે વિનાશ વેર્યો, ઘણા મકાનોને નુકસાન; નદીઓ અને ડેમની જળ સપાટી વધી
કોટ્ટયમ જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર: કોલ્લમ, પથાનમથિટ્ટા, કોટ્ટાયમ, ઇડુક્કી, એર્નાકુલમ અને થ્રિસુર જિલ્લામાં 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન અને મધ્યમથી ભારે વરસાદની શક્યતા

તિરુવનંતપુરમ: કેરળના ઘણા ભાગોમાં બુધવારે ભારે વરસાદ અને તેજ પવનને કારણે ઘણા ઘરોને નુકસાન થયું છે, વૃક્ષો ધરાશાયી થયા છે અને નદીઓ અને ડેમના જળ સ્તરમાં પણ વધારો થયો છે. સમુદ્રના ઊંચા મોજાઓ થ્રિસુર અને એર્નાકુલમ જેવા ઘણા જિલ્લાના દરિયાકાંઠાના ભાગોને અથડાયા છે
, કોઝિકોડના ઊંચા શિખરો પર ભૂસ્ખલનથી ભારે તબાહી સર્જાઈ હતી. કેરળના અલપ્પુઝા, કન્નુર અને ઇડુક્કી જિલ્લામાં મંગળવાર રાતથી ભારે વરસાદ અને ભારે પવનને કારણે અનેક મકાનોને નુકસાન થયું હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. કોલ્લમ જિલ્લાના પ્રસિદ્ધ ઓચિરા પરબ્રહ્મા મંદિરના 'અન્નદાના મંડપમ' નો એક ભાગ સતત વરસાદને કારણે તૂટી પડ્યો હતો. ભારે વરસાદ અને ભારે પવનને કારણે એર્નાકુલમ નજીક અલુવામાં પેરિયાર નદીના કિનારે કેટલાય વૃક્ષો ધરાશાયી થયા હતા
વધારાનું પાણી છોડવા માટે મલંકારા, પમ્બલા અને કલ્લારકુટ્ટી જેવા અનેક ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. એર્નાકુલમ જિલ્લા વહીવટીતંત્રે મુવાટ્ટુપુઝા અને થોડુપુઝા નદીઓના કિનારે રહેતા લોકોને સાવચેતી રાખવા વિનંતી કરી છે કારણ કે મલંકારા ડેમના ત્રણ દરવાજા એક-એક મીટર ઊંચા કરવામાં આવ્યા છે. કેરળમાં સતત વરસાદને કારણે બુધવારે કોટ્ટયમ જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી થોડા કલાકોમાં કોલ્લમ, પથાનમથિટ્ટા, કોટ્ટાયમ, ઇડુક્કી, એર્નાકુલમ અને થ્રિસુર જિલ્લામાં 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન અને મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ ચેતવણી આપી છે કે મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ જવા અને નબળી દૃશ્યતાને કારણે ટ્રાફિક ખોરવાઈ શકે છે. તેમણે ટ્રાફિકનું યોગ્ય સંચાલન અને લોકોની બિનજરૂરી અવરજવર પર પ્રતિબંધ મૂકવાનું સૂચન કર્યું હતું.
(12:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
