<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

ચૂંટણી પરિણામો દર્શાવે છે કે ભારત ‘‘હિન્‍દુ રાષ્‍ટ્ર'' નથી : પ્રાથમિક શિક્ષણ - આરોગ્‍યની ઉપેક્ષા

સુનાવણી વગર જેલમાં ધકેલી દેવાનો ટ્રેન્‍ડ અયોગ્‍ય : નોબેલ પુરસ્‍કાર વિજેતા અમત્‍ય સેન કહે છે... ભારતમાં બેકારી વધી રહી છે

કોલકાતા તા. ૨૭ : નોબેલ પુરસ્‍કાર વિજેતા અમર્ત્‍ય સેને ભારતના હિંદુ રાષ્ટ્ર હોવા પર સવાલ ઉઠાવ્‍યા હતા. તેમણે કહ્યું કે તાજેતરની લોકસભા ચૂંટણીના પરિણામો એ હકીકત તરફ ઈશારો કરે છે કે ભારત હિંદુ રાષ્ટ્ર નથી. આ દરમિયાન તેમણે નવી સિસ્‍ટમ હેઠળ લોકોને ટ્રાયલ વિના જેલના સળિયા પાછળ ધકેલી દેવાની ચાલી રહેલી પરંપરા પર પણ નારાજગી વ્‍યક્‍ત કરી હતી.

અમર્ત્‍ય સેન સાંજે અમેરિકાથી કોલકાતા પહોંચ્‍યા. ભારત ‘હિંદુ રાષ્ટ્ર' નથી, આ વાત તાજેતરની લોકસભા ચૂંટણીના પરિણામોમાં પ્રતિબિંબિત થઈ છે, એમ તેમણે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઈન્‍ટરનેશનલ એરપોર્ટ પર પત્રકારોને જણાવ્‍યું હતું. ૯૦ વર્ષીય સેને કહ્યું, મને નથી લાગતું કે ભારતને ‘હિંદુ રાષ્ટ્ર'માં ફેરવવાનો વિચાર યોગ્‍ય છે.

જાણીતા અર્થશાષાીએ કહ્યું કે, અમે હંમેશા દરેક ચૂંટણી પછી પરિવર્તનની અપેક્ષા રાખીએ છીએ. ભાજપની આગેવાની હેઠળની કેન્‍દ્ર સરકાર દરમિયાન, લોકોને ટ્રાયલ વિના જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્‍યા હતા. અમીર અને ગરીબ વચ્‍ચેની ખાઈ વધી ગઈ હતી, જે આજ સુધી ચાલુ છે. તેમણે કહ્યું કે રાજકીય રીતે ખુલ્લા મનની જરૂર છે, ખાસ કરીને જયારે ભારત ધર્મનિરપેક્ષ બંધારણ ધરાવતો ધર્મનિરપેક્ષ દેશ છે. તેમનો એવો પણ અભિપ્રાય હતો કે નવી કેન્‍દ્રીય કેબિનેટ અગાઉની કેબિનેટની નકલ છે.

અમર્ત્‍ય સેને કહ્યું, જયારે હું નાનો હતો ત્‍યારે મારા ઘણા કાકા અને પિતરાઈ ભાઈઓને ટ્રાયલ વગર જેલમાં ધકેલી દેવામાં આવ્‍યા હતા. અમને આશા હતી કે ભારત તેનાથી મુક્‍ત થશે, પરંતુ તે અટક્‍યું નહીં. આ માટે કોંગ્રેસ પણ દોષિત છે. વર્તમાન સરકારમાં આ વધુ ટ્રેન્‍ડમાં છે. અયોધ્‍યામાં રામ મંદિરના નિર્માણ છતાં ફૈઝાબાદ લોકસભા સીટ પર ભાજપની હાર પર સેને પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે દેશની અસલી ઓળખને ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો છે. આ દરમિયાન સેને એમ પણ કહ્યું કે ભારતમાં બેરોજગારી વધી રહી છે. પ્રાથમિક શિક્ષણ અને પ્રાથમિક આરોગ્‍ય સંભાળ જેવા ક્ષેત્રોની ઉપેક્ષા થઈ રહી છે.

(10:00 AM IST)