<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

બિહારના આ ભાઈએ ૩૫ વર્ષની ઉંમરે ૩૫,૦૦૦ જેટલાં પુસ્‍તકો વાંચી નાખ્‍યાં

પટણા, તા.૨૭: બુક્‍સના શોખીનો તેમના જીવનમાં વધુ ને વધુ પુસ્‍તકો વાંચવાનો ટાર્ગેટ રાખતા હોય છે. જોકે ગૅજેટ્‍સની દુનિયામાં પુસ્‍તક માટે સમય કાઢવો એટલો સરળ નથી. બિહારનો એક માણસ આ મામલે લોકો માટે ઉદાહરણરૂપ બન્‍યો છે. મધુબનીમાં રહેતા અમલ કુમાર ઝા ૩૫ વર્ષના છે અને તેઓ ૩૫,૦૦૦ પુસ્‍તકો વાંચી બેઠા છે. અમલ કુમાર ઝાએ ઘરમાં તો લાઇબ્રેરી બનાવી જ છે પણ તેઓ બુક્‍સ ખરીદવાને બદલે પુસ્‍તકાલયની મુલાકાત લેવાનું વધુ પસંદ કરે છે. તેમણે મૈથિલી, હિન્‍દી, બંગાળી અને અંગ્રેજી ભાષાના સાહિત્‍ય ઉપરાંત, ઇતિહાસ અને કાયદાનાં પુસ્‍તકો પણ વાંચ્‍યાં છે.

અમલ કુમારે મહારાજાધિરાજા કામેશ્વર સિંહ કલ્‍યાણી ફાઉન્‍ડેશન દ્વારા પ્રકાશિત ૧૦૫ પુસ્‍તકો વાંચ્‍યાં છે અને કુલ મળીને અત્‍યાર સુધીમાં લગભગ ૩૫,૦૦૦ જેટલાં પુસ્‍તકો વાંચી લીધાં છે. મિરર તિર્હુત, મિથિલા દર્પણ, બિહાર દર્પણ અને ભાગલપુર દર્પણ તેમનાં મનગમતાં પુસ્‍તકો છે. અમલ કુમારનું કહેવું છે કે મધુબનીમાં મોટા ભાગના લોકો પુસ્‍તકાલયની મુલાકાત લે છે. અમલ કુમાર પંડૌલ બ્‍લૉકના સરીસાબ પાહી ગામના રહેવાસી છે જ્‍યાં પુસ્‍તકપ્રેમીઓની અનોખી સ્‍પર્ધા યોજાય છે. અહીં જે લોકો લાઇબ્રેરીમાંથી પુસ્‍તક વાંચે છે તેમને વર્ષના અંતે પરીક્ષા આપવાની હોય છે. અમલભાઈ આ સ્‍પર્ધામાં દરેક વખતે પ્રથમ નંબરે આવે છે.

(10:32 AM IST)