<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

રી-નીટ? નિર્દોષ-તેજસ્‍વી વિદ્યાર્થીઓ ભારે આઘાતમાં: હવે શું થશે?

નીટ-યુજીમાં ફરી વખત ગેરરીતિ નહીં થાય તેની ખાતરી શું ? સો મણનો સવાલ : જેન્‍યુઇન, મેરીટોરીયસ, સ્‍કોરર, ટોપર વિદ્યાર્થીઓની મનોસ્‍થિતિનો પણ વિચાર કરવો જરૂરી : જે વિસ્‍તાર-સેન્‍ટરોમાં પેપર લીક થયું હોય તેવા આઠ-દસ સેન્‍ટરો ઉપર ફરીથી નીટ લઇ શકાયઃ ૪૭૦૦થી વધારે તમામ સેન્‍ટરો ઉપર ર૪ લાખ વિદ્યાર્થીઓની ફરી વખત પરીક્ષા લેવાના વિચાર માત્રથી વિદ્યાર્થીઓ અને વાલીઓ ફફડી ઉઠયા...! : આર્થિક રીતે જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓની સ્‍થિતિ પણ કફોડી બનવાની શકયતા : ગ્રેસીંગ માર્કસના વિવાદ સંદર્ભે ર૩ જુનના રોજ ૧પ૬૩ વિદ્યાર્થીઓની રી-નીટ પૂર્ણ પણ થઇ ગઇઃ પરંતુ તમામ વિદ્યાર્થીઓની રી-નીટના નિર્ણયને કારણે વિદ્યાર્થીઓ-વાલીઓનો સરકારી સિસ્‍ટમ્‍સ ઉપરથી વિશ્વાસ જ ઊઠી જાય તો નવાઇ નહીં...! : નીટ-યુજીમાં ગેરરીતિ મામલે હાલમાં સી.બી.આઇ. તપાસ ચાલી રહી છેઃ ધરપકડો પણ થઇ છે. : નામદાર સુપ્રીમ કોર્ટ સુધી પણ આ મેટર પહોંચી છેઃ તમામ વિદ્યાર્થીઓ માટે રી-નીટ ન યોજાય તે માટે વાલી મંડળો પણ સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારીમાં

રાજકોટ તા. ર૮ :.. સમગ્ર દેશમાં લાખો વિદ્યાર્થીઓના ભવિષ્‍ય સાથે સંકળાયેલ નીટ-યુજી, નીટ-પીજી, યુજીસી-નેટ, સી.આઇ.એસ.આર.-નેટ વિગેરે જેવી રાષ્‍ટ્રીય કક્ષાની નિર્ણાયક સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓ કથિત ગેરરીતિઓને લઇને સમગ્ર દેશમાં ભારે ચર્ચાસ્‍પદ બની છે. લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની રીતસર ઊંઘ હરામ થઇ ગઇ છે. દરેકને પોતાના ભવિષ્‍યની ચિંતા થવા માંડી છે. ફુલપ્રુફ વ્‍યવસ્‍થાના અભાવે ગેરરીતિ કરે કોક અને ભોગવે મહેનતું અને નિર્દોષ વિદ્યાર્થીઓ આવો ઘાટ પણ ઘણી જગ્‍યાએ જોવા મળી રહ્યો છે.

હાલમાં સમગ્ર દેશમાં સર્વોચ્‍ચ કારકિર્દીના પગથીયારૂપ ગણાતી મેડીકલ એન્‍ટ્રેન્‍સ ટેસ્‍ટ નીટ-યુજી (NEET-UG) ને લઇને ભારે હોબાળો મચી ગયો છે. નીટ-યુજીમાં ગેરરીતિ તથા પેપરલીક સંદર્ભે સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. અને ઘણી જગ્‍યાએ તો રસ્‍તા ઉપર પણ ઉતરી આવ્‍યા છે. તમામ વિદ્યાર્થીઓની રી-નીટ લેવાની પણ માંગણીઓ સામે આવી રહી છે. નીટ-યુજીમાં ગેરરીતિ-પેર લીક મામલે સરકારે સી.બી.આઇ. ને તપાસ પણ સોંપી દીધી છે અને પેપર લીક કૌભાંડમાં રપ જેટલા શકમંદોની ધરપકડ પણ કરવામાં આવી છે. નામદાર સુપ્રીમ કોર્ટ સુધી પણ આ મેટર પહોંચી છે. અને હાલમાં લીગલ પ્રોસેસ ચાલી રહી છે.

પરંતુ આ તમામ પરિબળો વચ્‍ચે એક સો-મણનો સવાલ એ છે કે સમગ્ર દેશમાં ૪૭૦૦ થી વધારે સેન્‍ટરો ઉપર તમામ ર૪ લાખ જેટલા  વિદ્યાર્થીઓની નીટ-યુજી ફરી વખત લેવામાં આવે તો હવે તેમાં ફરી વખત ગેરરીતિ નહીં થાય તેની ખાતરી શું...?

સાથે સાથે જે વિદ્યાર્થીઓએ દિવસ-રાત તનતોડ મહેનત કરીને જેન્‍યુઇન્‍લી મેરીટમાં સ્‍થાન મેળવ્‍યું છે તેવા નિર્દોષ, તેજસ્‍વી, સ્‍કોરર અને પોતપોતાના વિસ્‍તારના ટોપર વિદ્યાર્થીઓની રી-નીટ યોજાય તો તેઓની મનોસ્‍થિત કેવી થશે ? તેઓ ડીપ્રેશનમાં આવીને આપઘાત જેવું કોઇ અજુગતુ પગલું ભરી લે તો કોણ જવાબદાર...?!

ઉપરાંત આર્થિક રીતે જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓ કે જેઓએ નીટ-યુજીની તૈયારી માટે કદાચ માથે કરજ કરીને પણ કલાસીસ કર્યા હોય, તેઓ હવે ફરી પાછા કલાસીસ - ટયુશન ન પણ કરી શકે એવું બને. કારણ કે પ મે, ર૦ર૪ ના રોજ નીટ-યુજી યોજાઇ હતી. અંદાજે બે મહિના જેટલો સમય વિત્‍યા પછી ફરી વખત પરીક્ષા આપવા માટે કોઇપણ તેજસ્‍વી વિદ્યાર્થીને રીવીઝનની જરૂર પડતી હોય છે. આમ, જેઓએ ઓનેસ્‍ટલી પરીક્ષા આપી છે તેઓનો વાંક શું...? તેવો પ્રશ્ન પણ ભારે ચર્ચામાં છે.

સાથે-સાથે ઘણાં બધાં શહેરોના વાલી મંડળોના હોદેદારો-સભ્‍યો તો ત્‍યાં સુધી જણાવી રહ્યા છે. કે જે રાજયોના અમુક વિસ્‍તારો કે સેન્‍ટરોમાં નીટ-યુજીનું પેપર લીક થયાનું બહાર આવે તો તે વિસ્‍તાર કે આઠ-દસ સેન્‍ટરો ઉપર નોંધાયેલ વિદ્યાર્થીઓની ફરીથી નીટ લઇ શકાય. પરંતુ તમામ વિદ્યાર્થીઓની રી-નીટ લેવી તે બાબત યોગ્‍ય ન કહેવતા. તમામ વિદ્યાર્થીઓની રી-નીટ લેવી તે બાબત યોગ્‍ય ન કહેવાય. તમામ વિદ્યાર્થીઓની રી-નીટને કારણે જેન્‍યુઇન-ઓનેસ્‍ટ-મેરીટોરીયસ વિદ્યાર્થીઓ ઉપર અસામાન્‍ય ડીપ્રેશન પણ આવી શકે છે. અને તમામ વિદ્યાર્થીઓ માટે રી-નીટ યોજવાથી સમગ્ર દેશમાં લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓનો કદાચ સરકારી સિસ્‍ટમ્‍સ ઉપરથી સાવ વિશ્વાસ જ ઊઠી જાય તો પણ નવાઇ નહીં...!  નામદાર  સુપ્રીમ કોર્ટ સમક્ષ આ મેટર પહોંચી છે ત્‍યારે તમામ વિદ્યાર્થીઓ માટે રી-નીટ ન યોજાય તે સંદર્ભે ન્‍યાય માંગવા અમુક શહેરના વાલીમંડળો નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષ દાદ માંગવાની પણ તૈયારી કરી રહ્યાનું જાણવા મળે છે. એવું પણ જાણવા મળે છે કે ક્રિતિકા અને પ્રિયાંજલી નામની વિદ્યાર્થીનીઓએ નીટ-યુજી ફરી વખત ન લેવામાં આવે તે માટે નામદાર સુપ્રીમ કોર્ટને અરજી પણ કરી છે. તેઓ વર્ષોથી નીટ-યુજીની તૈયારી કરી રહ્યાનું અને ત્‍યારબાદ નીટ-યુજી આપી હોવાનું પણ જણાવાયું છે.

 વાલી મંડળના અમુક સભ્‍યો તો એવું પણ જણાવે છે કે નીટ-યુજી ર૦ર૪ માં અમુક સેન્‍ટરો ઉપર પેર મોડા આપવામાં આવતા ૧પ૬૩ જેટલા વિદ્યાર્થીઓને ગ્રેસીંગ અપાયું.

આ બાબતે પણ વિવાદ થતાં તેઓની રી-નીટ ર૩ જુન ર૦ર૪ નાં રોજ લેવામાં આવી છે. પરંતુ ગેરરીતિ સંદર્ભે તમામ ર૪ લાખ વિદ્યાર્થીઓની રી-નીટ લેવામાં આવે તે વાત વ્‍યાજબી જણાતી નથી. હઝારીબાગ, પટણા જેવા વિસ્‍તારો કે પછી બિહાર, ઝારખંડ, મહારાષ્‍ટ્ર, રાજસ્‍થાન, યુ.પી. વિગેરે રાજયોમાં જયાં પેપર લીક થયાનું સામે આવવાની શકયતા છે, તો તે રાજયોમાં જે તે સેન્‍ટરમાં રી-નીટ લેવી જોઇએ. પરંતુ સમગ્ર દેશમાં શા માટે ? તેવો અણીયારો સવાલ પણ વાલી મંડળો, પૂછી રહ્યા છે.

અમુક વાલી મંડળના સભ્‍યો તો એવું પણ કહે છે કે ચૂંટણીઓમાં જે બુથમાં ગેરરીતિ કે ખોટું થયું હોય ત્‍યાં જ ફેર મતદાન થાય છે, નહીં કે તમામ બુથ ઉપર ફેર મતદાન કરાવવામાં આવે.

આવી તમામ બાબતો માન્‍યતાઓ - દલીલો - ફફડાટ - ભવિષ્‍યની ચિંતા વચ્‍ચે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે અજંપો પ્રવર્તી રહ્યો છે. સરકારી સિસ્‍ટમ્‍સના ફુલપ્રુફ આયોજનના અભાવ તથા પારદર્શિતાના અભાવને કારણે લાખો વિદ્યાર્થીઓ-વાલીઓ નિરાશામાં ગરકાવ થઇ ગયા છે. નીટ-યુજી ર૦ર૪ માં કુલ ર૪ લાખ જેટલા વિદ્યાર્થીઓ હતા જેમાંથી ૧૧ લાખ વિદ્યાર્થીઓ નોટ કવોલિફાઇડ થયા હતાં અને ૧૩ લાખ વિદ્યાર્થીઓ મેડીકલ એડમીશન પ્રોસેસ માટે કવોલિફાઇડ થયા હતાં. ૬ જુલાઇ, ર૦ર૪ થી કાઉન્‍સેલિંગ રાઉન્‍ડ શરૂ થઇ રહ્યાનું જાણવા મળે છે.

વર્ષો વર્ષ નીટ-યુજી (NEET-UG) આપનારની સંખ્‍યામાં તથા કુલ ૭ર૦ માર્કસમાંથી વધુમાં વધુ માર્કસ મેળવી ઊંચા મેરીટમાં આવનારની સંખ્‍યા પણ સતત વધતી જાય છે. જો કે તેની પાછળના કારણોમાં વિદ્યાર્થીઓમાં એલર્ટનેસ-અવેરનેસમાં સતત વધારો, મેડીકલ પ્રોફેશનનું એટ્રેકશન, કવોલિટી સાથે સચોટ શિક્ષણ આપતા કલાસીસની સંખ્‍યામાં વધારો, એકસપર્ટ ફેકલ્‍ટી, હાર્ડવર્ક-સ્‍માર્ટ વર્ક, ગ્રુપ ડીસ્‍કશન વિગેરેને પણ ચોકકસ પણે ગણી શકાય.

(11:36 AM IST)