તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th June 2024
પેટ્રોલ પુરાવી રોંગ સાઇડથી સમૃદ્ધિ એક્સપ્રેસ વેમાં ઘૂસી કાર: ભયંકર અકસ્માત: ૭ ના કરૂણ મોત

સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર બે કાર વચ્ચે જોરદાર ટક્કરમાં ૭ લોકોના કમકમાટીભર્યા મોત, પાંચ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયાસમૃદ્ધિ એક્સપ્રેસ વે પર એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે.
મુંબઈથી લગભગ ૪૦૦ કિમી દૂર જાલના જિલ્લામાં સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર, કડવાંચી ગામ નજીક, ગઈકાલે રાત્રે મુંબઈ-નાગપુર એક્સપ્રેસ વે અથવા સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર બે કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં પ્રાથમિક વિગતો મુજબ ૭ લોકોના મોત થયા છે અને ૫ ઘાયલ થયા છે.
અકસ્માતની જાણ આસપાસના ગામોના લોકો સુધી પહોંચતા જ ચારેબાજુ અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.
આ અકસ્માત મોડી રાત્રે લગભગ ૧૧ વાગે થયો જ્યારે એક સ્વિફ્ટ ડિઝાયર કાર ઈંધણ ભર્યા બાદ ખોટી દિશામાંથી હાઈવે પર ઘૂસી ગઈ અને નાગપુરથી મુંબઈ જઈ રહેલી અર્ટિગા સાથે અથડાઈ હતી.
આ ટક્કર એટલી જોરદાર હતી કે અર્ટીગા કાર હવામાં ઉછળીને હાઇવે પરના બેરિકેડ પર પડી હતી, મુસાફરો કારમાંથી કૂદીને રોડ પર પડી ગયા હતા.
બીજી કાર કચરાના ઢગલાની જેમ બીજી તરફ પડી હતી. અકસ્માત બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ૭ લોકોના મૃતદેહ હાઈવે પર લોહીથી લથપથ જોવા મળ્યા હતા.
અકસ્માતની માહિતી મળતા જ સમૃદ્ધિ હાઈવે પોલીસ અને જાલના પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કારને હટાવવા માટે ક્રેન બોલાવવામાં આવી હતી. ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
સમૃદ્ધિ એક્સપ્રેસ વે મહારાષ્ટ્રમાં આંશિક રીતે કાર્યરત છ-લેનનો ૭૦૧ કિલોમીટર લાંબો એક્સપ્રેસ-વે છે. તે મુંબઈ અને રાજ્યના ત્રીજા સૌથી મોટા શહેર નાગપુરને જોડતો દેશનો સૌથી લાંબો ગ્રીનફિલ્ડ રોડ પ્રોજેક્ટ છે.
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
