તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th June 2024
અયોધ્યામાં વરસાદ બાદ રામપથ પર પડ્યા ગાબડાઃ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા છ અધિકારીને સસ્પેન્ડ કરાયા
મુખ્ય સચિવના આદેશ પર અધિકારીઓને કરાયા સસ્પેન્ડ

અયોધ્યા, તા.૩૦,
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં તાજેતરમાં જ બનેલા રામપથ પરના રસ્તાઓમાં ઘણી જગ્યાએ ખાડા પડ્યા હતા. તેથી પહેલા જ વરસાદ દરમિયાન પાણી ઠેર- ઠેર ભરાઈ ગયા હતા. જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. લાપરવાહી દાખવવા બદલ નાગરિક એજન્સીઓના છ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અત્રે નોંધનીય છે કે, ૨૩ જૂન અને ૨૫ જૂને થયેલા વરસાદ બાદ રામપથની સાથે સાથે લગભગ ૧૫ શેરીઓ અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત રસ્તા પરના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. આ ૧૪ કિલોમીટર લાંબા રસ્તાના ઘણા ભાગોમાં ખાડા પડી ગયા હતા અને તેમા પાણી ભરાયા હતાં.
એક રિપોર્ટ પ્રમાણે યુપી સરકારે છ અધિકારીઓ સામે કાર્યવાહી કરી છે. રાજ્ય સરકાર દ્વારા જે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમાં જાહેર બાંધકામ વિભાગના કાર્યકારી ઈજનેર ધ્રુવ અગ્રવાલ, મદદનીશ ઈજનેર અનુજ દેશવાલ અને જુનિયર ઈજનેર પ્રભાત પાંડે અને ઉત્તર પ્રદેશ જળ નિગમના કાર્યપાલક ઈજનેર આનંદ કુમાર દુબે, મદદનીશ ઈજનેર રાજેન્દ્ર કુમાર યાદવ અને જુનિયર ઈજનેર મોહમ્મદ શાહિદનો સમાવેશ થાય છે. આ છ લોકોને રાજ્યસરકાર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
માહિતી પ્રમાણે કાર્યકારી ઈજનેર ધ્રુવ અગ્રવાલ અને સહાયક ઈજનેર અનુજ દેશવાલને શુક્રવાર મુખ્ય સચિવ વિનોદ કુમારના આદેશ પર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમજ જુનિયર એન્જિનિયર પ્રભાત પાંડેના સસ્પેન્શનનો આદેશ PWDના ચીફ એન્જિનિયર VK શ્રીવાસ્તવ દ્વારા જારી કરવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશ જળ નિગમના મેનેજિંગ ડિરેક્ટર રાકેશ કુમાર મિશ્રાએ ત્રણ એન્જિનિયરોને સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કર્યા છે.
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
