તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 1st July 2024
GST ૭ વર્ષઃ કર માળખામાં હજી સરળતા લાવવા વેપાર -ઉદ્યોગની માંગણી
વન નેશન - વન ટેકસ... સરકારની કરવેરાની આવકમાં ગણનાપાત્ર વધારો થયો છે, પણ વેપારીઓની મુશ્કેલીઓમાં ઘટાડો થયો નથી : કરચોરી ડામવા નવા રજિસ્ટ્રેશનમાં બાયોમેટ્રિક - આધાર ઓથેન્ટિકેશન ફરજિયાતઃ પેટ્રોલિયમ, નેચરલ ગેસને જીએસટીના દાયરામાં લાવોઃ જીએસટીનું ગ્રોસ કલેકશન ૨૦૨૪-૨૫માં રૂા.૧૦.૬૮ ટ્રિલિયનને વટાવી જશે તેવું અનુમાન

નવી દિલ્હી,તા. ૧: વન નેશન - વન ટેકસ તરીકે ઓળખાતા ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી)ના અમલને સાત વર્ષ થયા છે.
૧ લી જુલાઇ ૨૦૧૭ થી અમલમાં આવેલા આ કરનું માળખું હજી પણ સરળ કરવાની માગણી વેપાર - ઉદ્યોગની છે. એક તરફ સરકારની કરવેરાની આવકમાં ગણનાપાત્ર વધારો થયો છે, પણ વેપારીઓની મુશ્કેલીઓમાં ઘટાડો થયો નથી તેવો સૂર જોવા મળે છે.
૧૭ કેન્દ્રિય અને રાજયોના વેરા, ૧૩ સેસને ભેળવીને એક જ જીએસટીનો અમલ કરવામાં આવ્યો છે. હજી વેપાર - ઉદ્યોગના સંચાલકોના મતે ગુંચવણતા ભર્યા માળખાના પગલે મુશ્કેલીઓ જોવા મળે છે. જીએસટી પોર્ટલમાં ઘણી વખત ટેકનિકલ મુશ્કેલીઓ આવતી હોવાની ફરિયાદો વેપારીઓ કરતાં હોય છે. જેના પગલે જીએસટી રિટર્નના પ્રશ્નો, પેનલ્ટી, લેટ પેમેન્ટ થતાં વ્યાજનો બોજો, તંત્ર દ્વારા તપાસ તથા કાનૂની કાર્યવાહીના પ્રશ્નો જોવા મળે છે.
ગુજરાતમાં કરદાતાઓની સંખ્યા ૧ લી જુલાઇ ૨૦૧૭ના રોજ ૫.૦૮ લાખ હતી જે વધીને હાલમાં ૨૦૨૪-૨૫માં અત્યાર સુધીમાં ૧૧.૯૫ લાખ થઇ છે. ૨૦૨૩-૨૪માં કરદાતાઓની સંખ્યા ૧૧,૯૦,૩૮૭ હતી. જોકે ઇનપુટ ટેક્સ ક્રેડિટના કૌભાંડો વધી જતાં છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં પાઇલોટ પ્રોજેક્ટના આધારે બાયોમેટ્રિક - આધાર ઓથેન્ટિકેશન દ્વારા જ કેવાયસીની ચકાસણી બાદ જીએસટીના રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યા છે. જેને સફળતા મળતા હવે સમગ્ર દેશમાં તેનો અમલ થનાર છે. ગુજરાતમાં ૧૩૪ ટકા કરદાતાઓની સંખ્યા વધી છે.
હજી પણ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ સહિતના ક્ષેત્રને જીએસટીમાં આવરી લેવામાં આવે તો વિદેશી મૂડીરોકાણ વધુ પ્રમાણમાં રાજયમાં આવી શકે તેવો મત પણ નિષ્ણાતોએ વ્યક્ત કર્યો હતો.
સમગ્ર દેશમાં મે ૨૦૨૪માં જીએસટીની આવક રૂા.૧.૭૩ લાખ કરોડ હતી. જે ૨૦૧૭ની ૧લી જુલાઇએ પ્રથમ તબક્કામાં ૯૦ હજાર કરોડ હતી. સરકારની જીએસટીની આવક વર્ષો વર્ષ વધી રહી છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ વપરાશ એટલે કે કન્ઝમ્પશન આધારીત છે. આથી ગુજરાત જેવા મેન્યુફેકચરિંગ રાજયોને આવકમાં ફટકો પડતો હોય છે. જોકે ગુજરાતના સંગીન અર્થતંત્રના કારણે પ્રત્યાઘાતી અસરો જોવા મળતી નથી.
જીએસટી તંત્ર દ્વારા એડવાન્સ ડેટા એનાલિટીક્સનો ઉપયોગ કરીને કરચોરી સામે કાર્યવાહી થાય છે. ઇવે બીલ, રિયલ ટાઇમ ઇ ઇન્વોઇસિંગ સહિતના અમલથી બોગસ બિલિંગ ઉપર બ્રેક વાગી છે.જોકે બોગસ રજિસ્ટ્રેશન દ્વારા કરોડોના આઇટીસી કૌભાંડો પણ ભેજાબાજોએ કર્યા છે. નાણાંકી વર્ષ ૨૦૨૪માં ૬૦૭૪ કેસમાં રૂા.૨.૦૧ ટ્રિલીયનની કરચોરી થઇ હતી. જે વાર્ષિક ગ્રોસ જીએસટી આવકના ૧૦ ટકા જેટલી થઇ છે. દેશમાં જીએસટીનું ગ્રોસ કલેકશન ૨૦૨૪-૨૫માં રૂા.૧૦.૬૮ ટ્રિલિયનને વટાવી જશે તેવું અનુમાન છે.
જીએસટીના અમલથી કરચોરીમાં ઘટાડો થયો છે તે નોંધપાત્ર બાબત છે. જોકે હજી જીએસટી પોર્ટલના ધાંધિયાથી વેપારીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે. જીએસટી કાઉન્સીલની બેઠકમાં કેન્દ્રિય નાણાંમંત્રી, નાણાં સચિવ અને રાજયોના નાણાંમંત્રી,નાણાં સચિવોની હાજરી હોય છે. જોકે રાષ્ટ્રિય વેપારી સંગઠનોના પ્રતિનિધિઓને પણ આ બેઠકમાં ઉપસ્થિત રાખવાથી વેપાર- ધંધાની મુશ્કેલીઓની સાચી માહિતી - સમયસર સરકારને મળી શકે. ઇ વે બીલ જનરેટ કરવા પોર્ટલમાં મુશ્કેલીઓ, ઓનલાઇન રિટર્ન ફાઇલ કરવામાં મુશ્કેલીઓ દૂર થવી જોઇએ.
ગુજરાતમાં ૨૦૧૭થી અત્યાર સુધીમાં જીએસટીના કુલ ૪.૦૫ લાખ રજિસ્ટ્રેશન રદ થયા હતા. ગુજરાતમાં કુલ ૧૬ લાખ જીએસટીના રજિસ્ટ્રેશન થયા હતા. જેમાંથી ૪.૦૫ લાખ રદ થતાં હાલમાં ૧૧.૯૫ લાખ કરદાતાઓ છે. જીએસટીના રજિસ્ટ્રેશન રદ થવા પાછળના કેટલાક કારણો પણ જોવા મળે છે.જેમાં વેપાર- ધંધા બંધ થવાથી અને મર્જર અને એક્વિઝિશેન પણ મહત્વના કારણ છે..જે કુલ નોંધાયેલા વેપારીઓની સંખ્યાના ૩૦ ટકા થવા જાય છે.
કેન્દ્રિય એમએસએમઇ મંત્રાલયના આંકડા મુજબ ૨૦૨૦ના ૧લી જુલાઇથી ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં એમએસએમઇના ૩૨,૨૯૮ ઉદ્યમ રજિસ્ટ્રેશન રદ થયા છે. જેમાં ગુજરાતના ૨૮૧૮ એકમોનો પણ સમાવેશ થાય છે.
૧ લી જુલાઇ ૨૦૧૭થી સમગ્ર દેશમાં જીએસટીનો અમલ સરકારે કરી દીધો હતો. બીજી તરફ ટેકનિકલ રીતે વેપારીઓને જ્ઞાન ન હતું. જીએસટી પોર્ટલમાં વારંવાર ખામી જોવા મળી હતી. ગુજરાતના વડોદરા, અમદાવાદ,રાજકોટ, સુરત સહિતના કેટલાક શહેરોમાં તો વેપાર ધંધા ઠપ થયા હતા. વેપારીઓમાં તંત્ર સામે ભારે રોષ હતો. વેપાર ઠપ થઇ જતાં ભારે મુશ્કેલીઓ વેપારીઓને પડી હતી. આ સમય હજી ઘણા વેપારીઓ ભૂલી શકતા નથી.
(9:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
