News of Monday, 1st July 2024
ઈલેક્ટોરલ બોન્ડ ખરીદનારી ૧૩૦૦ કંપનીઓ મુશ્કેલીમાં : ઈન્ફોસિસ, MEIL, એરટેલ અને ટોરેન્ટ ફાર્મા પર ટેક્સ વિભાગે શિકંજો કસ્યો
૧૩૦૦ કંપનીઓને ટેકસ સત્તાવાળાઓ તરફથી નોટિસ મળવાનું શરૂ

મુંબઇ, તા.૧: ફેબ્રુઆરી ૨૦૨૪માં ૧૮મી લોકસભાની ચૂંટણી પહેલા ઈલેક્ટોરલ બોન્ડને લઈને દેશભરમાં ભારે હોબાળો થયો હતો. ચૂંટણી પંચ દ્વારા રાજકીય પક્ષોને ચૂંટણી બોન્ડ દ્વારા દાન આપતી કંપનીઓનો ડેટા જાહેર કરવામાં આવ્યો હતો. આ પહેલા સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડને ગેરબંધારણીય જાહેર કરી તમામ ડેટા ઈલેક્શન કમિશનની વેબસાઈટ પર અપલોડ કરવાનો આદેશ આપ્યો હતો. ઈલેક્ટોરલ બોન્ડ ખરીદનારી ૧૩૦૦ કંપનીઓ હવે ટેક્સ વિભાગના રડાર પર છે.
રાજકીય પક્ષોને ચૂંટણી બોન્ડ દ્વારા દાન આપનારી લગભગ ૧૩૦૦ કંપનીઓને ટેક્સ સત્તાવાળાઓ તરફથી નોટિસ મળવાનું શરૂ થઈ ગયું છે. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, કેટલીક કંપનીઓને ઈલેક્ટોરલ બોન્ડ્સ માટે દાવો કરાયેલા કપાત અંગે ટેક્સ સત્તાવાળાઓ તરફથી નોટિસ મળી છે.
મોટી કંપનીઓને આવકવેરા નોટિસ
આ યાદીમાં ઈન્ફોસીસ, એમ્બેસી ગ્રુપ, મેઘા એન્જીનીયરીંગ, આદિત્ય બિરલા ગ્રુપ, JSW સ્ટીલ, ટોરેન્ટ ફાર્મા, લ્યુપિન, ઈન્ટાસ, ભારતી એરટેલ અને એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ જેવી ઘણી મોટી અને પ્રતિષ્ઠિત કંપનીઓનો સમાવેશ થાય છે. આ તમામ કંપનીઓએ SBI પાસેથી ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા હતા.
જાન્યુઆરી ૨૦૧૮માં શરૂ થયેલી ચૂંટણી બોન્ડ યોજના દ્વારા રાજકીય પક્ષોને કુલ રૂ. ૧૬,૫૧૮ કરોડનું ભંડોળ મળ્યું છે. ૧૫ ફેબ્રુઆરીના રોજ, દેશની સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટે તેને ગેરબંધારણીય જાહેર કરી અને કોર્પોરેટ કંપનીઓ દ્વારા તેમના યોગદાન પર આપવામાં આવતી કર મુક્તિ અંગે ચિંતા વ્યક્ત કરી.
તમને જણાવી દઈએ કે ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં ટેક્સ ઓથોરિટીઝ તરફથી નોટિસ મળ્યા બાદ કંપનીઓએ નાણા મંત્રાલયનો સંપર્ક કર્યો છે. ETના અહેવાલ મુજબ, કંપનીઓએ નાણા મંત્રાલયને આ મામલે હસ્તક્ષેપ કરવા અને આગામી બજેટમાં રાહત આપવાની માંગ કરી છે.
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
