તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
ભજન-ભકિત કરો, પ્રભુ ખુશ રહેશેઃ આઇશ્રી રૂપલમા ચારણ જગદંબા નવદુર્ગા શકિત તીર્થ રૂપલધામના માતાજી ‘અકિલા'ના આંગણે
૯ વર્ષની વયે દિવ્ય અનુભુતી થઇ હતીઃ શકિતની ભકિત, ગૌસેવા, અન્નક્ષેત્રનો ધમધમાટઃ નેસડાના બાળકોને શિક્ષણ

રામપરા ગીર નવદુર્ગા શકિતપીઠના ચારણ જગદંબા, આઇશ્રી રૂપલમા સાથે ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, ધ્રોલના ‘અકિલા'ના યુવા પ્રતિનિધિ સંજય ડાંગર, દેસુરભાઇ ગઢવી, સુભાષભાઇ આહીર, કલ્પેશભાઇ બજાણીયા, જનકભાઇ આહીર, રાજ ગઢવી વગેરે નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ, તા., ૨: ચારણ સમાજ, ભરવાડ સમાજ, રબારી સમાજ, આહીર સમાજ વગેરેના પૂ. આઇશ્રી રૂપલમાં તાજેતરમાં ‘અકિલા'ની મુલાકાતે પધાર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, ભજન અને ભકિત કરવાથી અને સત્સંગમાં રહેવાથી પ્રભુ ખુશ રહે છે. દેશભરમાંથી ભાવિકો પૂ. રૂપલમાંના દર્શને આવે છે. રામપરા ખાતે રૂપલધામ ધમધમે છે. ચારણ જગદંબા તરીકે ઓળખાતા પૂ. રૂપલ આઇએ ગીરમાં રામપરા ખાતે નવદુર્ગા શકિત તીર્થનું નિર્માણ કર્યુ છે.
આઇશ્રી રૂપલમાએ જણાવ્યું હતું કે, બાળપણથી જ ગાયો ચરાવવાના કામમાં લાગી ગઇ હતી. ર૦૦૧ની સાલમાં ૯ વર્ષની વયે અલૌકિક શકિતની દિવ્ય અનુભુતી થઇ હતી. આ દિવસથી દિવ્ય શકિતના ચરણોમાં જીવન અર્પણ કરી દીધું છે. વિરાટ જગ્યામાં પથરાયેલા રૂપલધામમાં શકિતની ભકિત નિરંતર ચાલે છે. ગૌશાળામાં ગૌમાતાની સેવા થાય છે. અન્નક્ષેત્રમાં ભોજન પ્રસાદ ચાલે છે. પ્રતિવર્ષ સમુહલગ્નના આયોજનો થાય છે. તાજેતરમાં પૂ. કનકેશ્વરી દેવીના વ્યાસાસને કથાનું આયોજન થયું હતું. રૂપલધામમાં દોરા-ધાગા કંઇ થતુ નથી. માનતા કરવાથી પ્રશ્નો ઉકેલે છે. હજારો યુગલોના ઘેર પારણા બંધાયા છે.
રૂપલધામમાં ચૈત્ર નવરાત્રી, આસો નવરાત્રી અને જન્માષ્ટમીની ધામધુમથી ઉજવણી થાય છે. રૂપલમાનો જન્મદિન પણ જન્માષ્ટમીની રાત્રે ૧ર વાગ્યે થયો હતો. પૂ. રૂપલમાં એ જણાવ્યું હતું કે, જે નેસડામાં લાઇટ પણ નથી અન્ય કોઇ સુવિધા નથી તેવા નેસડાના બાળકોને શિક્ષણ આપવાનું કામ રૂપલધામ દ્વારા થાય છે. પૂ. રૂપલમાંની મુલાકાત પ્રસંગે દેવસુરભાઇ ગઢવી, સુભાષભાઇ આહીર, કલ્પેશભાઇ બજાણીયા, જનકભાઇ આહીર, રાજ ગઢવી તથા અકિલાના ધ્રોલ ખાતેના પ્રતિનિધિ સંજયભાઇ ડાંગર ઉપસ્થિત રહયા હતા.
શ્રાવણ વદ ગોકુળ આઠમના રૂપલ માતાજીનો પ્રાગટય દિવસ
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના રામપરા ગામમાં બિરાજતા આઇ શ્રી રૂપલ માતાજીનો શ્રાવણ વદ ગોકુળ આઠમના જન્મ દિવસ છે. દર વર્ષે કળષ્ણ જન્મ અને માતાજીનો જન્મદિવસ એક સાથે ઉજવવામાં આવતો હોય છે. અને મોટો ઉત્સવ પણ કરવામાં આવે છે. ત્યારે જન્માષ્ટમીના પાવન પર્વ તેમજ ચારણ જગદંબા આઇ શ્રી રૂપલમાં નાં જન્મદિવસ નિમિત્તે સમસ્ત સેવક સમુદાય દ્વારા ભવ્યાતિભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવે છે.
આ અવસરે ખ્યાતનામ કલાકારો દ્વારા આઈ વંદના કરવામાં આવે છે. આ પ્રસંગે સંતવાણી માતાજીની સ્તુતિ વગેરે ભાવ રજૂ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે જન્માષ્ટમીના રાત્રે ૧૨ વાગે માતાજી આ પાવનભૂમિ પર અવતર્યા હતા.
માત્ર ૯ વર્ષની ઉંમરે અનુભૂતિ થઇ
ચારણ સમાજમાં આ પાળા ૧૨૦૦ વર્ષમાં ૪ વખત થયા છે. આઇ શ્રી રૂપલમાં એ માત્ર ૯ વર્ષની ઉંમરે ચારણ સમાજના સાડા ત્રણ પહાડા (પાળા) ભેગા કર્યા હતા. એ સમયે આખો સમૂહ ભેગો થાય છે. આ પહાડા ૧૨૦૦ વર્ષમાં ૪ વખત થયા છે. પહેલો પાળો માવલબાપાએ કર્યો હતો. એ પછી નાગબાઇમાં એ કર્યો હતો. એ પછી સોનબાઇમાં એ કર્યા હતા. અને માત્ર ૯ વર્ષની ઉંમરે ખ્યાલ જ ન હોય ત્યારે આઇ શ્રી રૂપલમાંને સાડા ત્રણ પાળાની અનુભૂતિ થઇ હતી અને ૨૦૦૧ માં સાડા ત્રણ પાળા ભેગા કર્યા હતા અને નવચંડી યજ્ઞ કર્યો હતો. એ વખતે લાખો લોકોએ ભાગ લીધો હતો અને પ્રસાદી લીધી હતી. ચારણ સમાજ માં પહાડા (પાળા) એટલે શું? સૌ પ્રથમ તો એ ચોખવટ જરૂરી છે કે સોરઠીયા, પરજીયા બારાડીવાળા, ગીરવાળા, વાળાકવાળા આ બધી પ્રદેશ પરથી પડેલી છાપ છે. દા.ત. સોરઠમાં રહેતા હોય એ બધા સોરઠીયા કહેવાય. એ બધાના રીવાજો પણ સરખા જ હોય. પણ એમના પહાડા અલગ અલગ હોય શકે. ચારણ સમાજની મુખ્ય ૨૩ શાખાઓ છે. પહાડો એટલે અટકોનો સમૂહ. મતલબ કે એક પહાડમાં ઘણી બધી અટકો આવે. આ તમામ અટકો એક બીજાના ભાયાત થાય એટલે કે એક જ પહાડામાં લગ્ન થઇ શકે નહિ. આમ સાડા ત્રણ પહાડા છે.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
