<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

કેન્યામાં નવા ટેક્સ વધારા સામે હિંસક વિરોધ,૩૯ લોકોના મૃત્યુ

વિરોધ પ્રદર્શનમાં ૩૬૧ લોકો ઘાયલ પણ થયાઃ૬૨૭ પ્રદર્શનકારીઓની ધરપકડ પણ કરાઈ

નાઇરોબી, તા.૨

કેન્યામાં નવા ટેક્સ વધારા સામે હિંસક વિરોધ થઈ રહ્યો છે. આ હિંસામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૩૯ લોકોના મૃત્યુ થયા છે. કેન્યા નેશનલ કમિશન ઓન હ્યુમન રાઈટ્સ (KNCHR)ના રેકોર્ડ મુજબ, કેન્યામાં રાષ્ટ્રવ્યાપી ટેક્સ કાયદાના વિરોધના સંબંધમાં ૩૯ લોકો મૃત્યુ પામ્યા છે અને ૩૬૧ લોકો ઘાયલ થયા છે. જયારે ૬૨૭ પ્રદર્શનકારીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.સરકાર દ્વારા નવા ટેક્સ લગાવવાને કારણે કેન્યામાં લોકો ખૂબ જ નારાજ છે. કેન્યા ફાઇનાન્સ બિલ ૨૦૨૪ મે મહિનામાં રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં બ્રેડ, કેન્સરની સારવાર, રસોઈ તેલ, બાળકોના ડાયપરથી લઈને સેનિટરી પેડ્સ, મોટર વાહનો, સૌર સાધનો અને ડિજિટલ સેવાઓ સુધીના ઉત્પાદનો પર ભારે ટેક્સ લાદવાનો પ્રસ્તાવ છે. તેમાં બ્રેડ પર ૧૬ ટકા સેલ્સ ટેક્સ, રાંધણ તેલ પર ૨૫ ટકા ટેક્સ, મોટર વાહનો પર ૨.૫ ટકા વેટ અને ત્રણ ટકા ઇમ્પોર્ટ ડ્યૂટીની દરખાસ્ત છે.કેન્યાની સંસદમાં હાજર તમામ સાંસદોએ આ બિલનું સમર્થન કર્યું છે. તેમનું માનવું છે કે સરકારી કામ પૂર્ણ કરવા માટે આ જરૃરી છે. મહેસૂલ વધારવાથી મળેલી આવક દ્વારા સરકાર દેશમાં રસ્તાઓ બનાવી શકશે અને શાળાઓમાં શિક્ષકોની ભરતી કરી શકશે. ખેડૂતોને ખાતર માટે સબસીડી મળશે. તેનાથી દેશનું દેવું ઘટશે. તે પછી, આ બિલને લઈને સંસદમાં મતદાન થયું, જેમાં ૧૯૫માંથી ૧૦૬ સાંસદોએ તેની તરફેણમાં મતદાન કર્યું, ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં દેખાવો શરૃ થઈ ગયા. આ સમયે સાંસદો ગૃહની અંદર બિલ પર ચર્ચા કરી રહ્યા હતા, તે જ સમયે ગુસ્સે ભરાયેલા ટોળાએ સંસદને આગ ચાંપી દીધી હતી.

કેન્યાની સંસદમાં હજારો લોકો ઘુસી ગયા અને તેના એક ભાગને આગ ચાંપી દેતાં પોલીસે ટીયર ગેસ અને ગોળીઓ ચલાવી હતી. કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૃટોએ કહ્યું કે તેઓ હિંસા અને અરાજકતા સામે કડક વલણ અપનાવશે. કેન્યામાં વિરોધ એ વર્તમાન રાષ્ટ્રપતિ વિલિયમ રુટોની સરકાર સામે સૌથી ગંભીર કટોકટી છે કારણ કે તેણે સપ્ટેમ્બર ૨૦૨૨ માં અશાંત પ્રદેશમાં સ્થિરતાના પ્રતીક તરીકે જોવામાં આવતી ઊંડી વિભાજનકારી ચૂંટણીઓ પછી સત્તા સંભાળી હતી.કેન્યામાં ૮૦ હજારથી એક લાખ ભારતીયો રહે છે. હિંસક વિરોધ વચ્ચે સરકારે ભારતીયો માટે એડવાઈઝરી જારી કરી છે. ભારતીય દૂતાવાસે બિનજરૃરી ઘરની બહાર ન નીકળવા અને હિંસાના સ્થળોથી દૂર રહેવા જણાવ્યું છે.

(7:36 PM IST)