<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

અચાનક શ્રમિકો વચ્ચે પહોંચ્યા રાહુલ ગાંધી

પાવડો ચલાવ્યો, દીવાલ બનાવવામાં કરી મદદઃકોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શ્રમિકોની સમસ્યાઓ સાંભળવાની સાથે તેમની સાથે કામ પણ કર્યું હતું

નવી દિલ્હી, તા.૪

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે અચાનક નવી દિલ્હીના જીટીબીનગર પહોંચી રેંકડી-લારી પર છુટક મજૂરી કરનારા શ્રમિકોની મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે શ્રમિકોની સમસ્યાઓ સાંભળવાની સાથે તેમની સાથે કામ પણ કર્યું હતું. કોંગ્રેસે સોશિયલ મીડિયા પર રાહુલની મુલાકાતની માહિતી અને તસવીરો શેર કરી છે.

રાહુલ ગાંધી સાથે શ્રમિકોની તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે, તેઓ લેબર ચોક અને એક કન્સ્ટ્રક્શન સાઈટ પર કેટલાક શ્રમિકો સાથે વાતચીત કરી તેમની સમસ્યા સાંભળી રહ્યા છે. જ્યારે બીજી તસવીરમાં રાહુલ શ્રમિકો સાથે પાવડાથી સિમેન્ટ મિલાવતા અને દીવાલ બનાવવામાં મદદ કરતા જોવા મળી રહ્યા છે.

કોંગ્રેસે રાહુલ ગાંધીની તસવીરો શેર કરીને લખ્યું છે કે, 'વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે જીટીબીનગરમાં શ્રમિકો સાથે મુલાકાત કરી, તેમની સમસ્યાઓ સાંભળી. આ મહેનતુ શ્રમિકો ભારતની અર્થવ્યવસ્થાના કરોડરજ્જુ છે. તેમના જીવનને સરળ અને સુરક્ષિત કરવાની અમારી જવાબદારી છે.'

(9:14 AM IST)