<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

બેંકોના કામકાજ અંગે ફરિયાદો વધી : કાર્યવાહી નહિવત

આરબીઆઇનો રિપોર્ટ : ૨૦૨૪ના માર્ચ ક્‍વાર્ટરમાં કામગીરીની ૭૪,૫૮૪ ફરિયાદો મળી તેમાંથી ફક્‍ત ૧૬૧ મામલે કાર્યવાહી

મુંબઈ તા. ૫ : દેશભરમાં બેંકોની કામગીરીને લઈને ફરિયાદો વધી છે. ગ્રાહકો જે મુદ્દાઓ વિશે ફરિયાદ કરી રહ્યા છે તેમાં ક્રેડિટ કાર્ડ, બેંક ગેરંટી પત્રો, ગોપનીયતા, મૃત્‍યુ પછીના દાવાની સમયસર પતાવટ અને બેંક કર્મચારીઓનું ખરાબ વર્તન સામેલ છે. આરબીઆઈના રિપોર્ટ અનુસાર, બેંક દ્વારા ગ્રાહકોની આ ફરિયાદોને સમયસર ઉકેલવામાં આવી રહી નથી. જેના કારણે સેન્‍ટ્રલ બેંકે ડિસેમ્‍બર ૨૦૨૩થી મે ૨૦૨૪ વચ્‍ચે બેંકો પર ૨૨.૮૩ કરોડ રૂપિયાનો દંડ લગાવ્‍યો હતો. ૭૪,૦૦૦માં ૨૦૦થી ઓછા કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે.

બેંક ગેરંટી પત્રો સમયસર જારી ન કરવા, ગ્રાહકોને લગતી ગોપનીયતાનો ભંગ, પેન્‍શન, મૃત્‍યુ પછી નોમિનીના ખાતામાં પૈસા ટ્રાન્‍સફર ન કરવા અને બેંક કર્મચારીઓને લગતી ફરિયાદો પણ વધી છે. ૨૦૨૪ ના માર્ચ ક્‍વાર્ટરમાં આને લગતી ૨૬,૨૩૧ ફરિયાદો મળી હતી, જેની સંખ્‍યા ડિસેમ્‍બર ક્‍વાર્ટરમાં ૧૮,૧૮૦ હતી. આને અન્‍ય શ્રેણીમાં સામેલ કરવામાં આવ્‍યા છે.

આરબીઆઈના ડેટા અનુસાર, વર્ષ ૨૦૨૪ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એટલે કે જાન્‍યુઆરીથી માર્ચ ૨૦૨૪ વચ્‍ચે બેંકોની કામગીરી અને તેમની સેવાઓ અંગે ગ્રાહકો તરફથી ૭૪,૫૮૪ ફરિયાદો મળી છે. જયારે અગાઉના ક્‍વાર્ટરમાં ૭૨,૮૪૭ ફરિયાદો મળી હતી. એટલે કે આ વર્ષે લગભગ ૨,૦૦૦ વધુ ફરિયાદો મળી છે. આ વર્ષના માર્ચ ક્‍વાર્ટરમાં ક્રેડિટ કાર્ડને લઈને ૧૦,૧૪૫ ફરિયાદો મળી હતી, જયારે ડિસેમ્‍બર ૨૦૨૪ના ક્‍વાર્ટરમાં ૯૬૩૫ ફરિયાદો મળી હતી. ગ્રાહકો ક્રેડિટ કાર્ડ પર વ્‍યાજ દર વધારવા અથવા વધુ દંડ લાદવાથી વધુ ચિંતિત છે.

આરબીઆઈના રિપોર્ટ અનુસાર સહકારી બેંકો સૌથી વધુ નિયમો તોડી રહી છે અને ગ્રાહકોની અવગણના કરી રહી છે. આ જ કારણ છે કે RBI દ્વારા લાદવામાં આવેલા દંડમાં સહકારી બેંકોનો સૌથી વધુ હિસ્‍સો છે. જે ૧૬૧ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે તેમાંથી ૧૩૨ સહકારી બેંકો સાથે સંબંધિત છે. તેઓ ગ્રાહકોને યોગ્‍ય બેંકિંગ અને નાણાકીય સેવાઓ પૂરી પાડતા નથી. આરબીઆઇએ ડઝનબંધ સહકારી બેંકોના લાઇસન્‍સ રદ કર્યા છે

(12:32 PM IST)