<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

આસામ પુરઃ ૨૧ લાખથી વધુ લોકોને અસરઃ કાઝીરંગામાં અનેક પ્રાણીઓના ડુબવાથી મોત

ગુવાહાટી,તા.૫: આસામમાં સતત બગડતી પૂરની સ્‍થિતિ વચ્‍ચે ગુરુવારે વધુ છ લોકોના મોત થયા છે. રાજયમાં પૂરથી ૨૯ જિલ્લાના ૨૧ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. બુલેટિન મુજબ રાજયની મોટી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. આસામ સ્‍ટેટ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ઓથોરિટી (એએસડીએમએ) ના દૈનિક પૂર અહેવાલ મુજબ, મૃત્‍યુ પામેલા છ લોકોમાંથી, ચાર ગોલાઘાટના રહેવાસી હતા જયારે ડિબ્રુગઢ અને ચરાઇડિયોમાં એક-એક વ્‍યક્‍તિનું મૃત્‍યુ થયું હતું. રિપોર્ટ અનુસાર, આ વર્ષે પૂર, ભૂસ્‍ખલન અને તોફાનના કારણે મૃત્‍યુઆંક ૬૨ પર પહોંચી ગયો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે ૨૯ જિલ્લાઓમાં કુલ ૨૧,૧૩,૨૦૪ લોકો પૂરથી પ્રભાવિત છે, જયારે ૫૭,૦૧૮ હેક્‍ટર ખેતીની જમીન ડૂબી ગઈ છે. રિપોર્ટ અનુસાર, સૌથી વધુ અસરગ્રસ્‍ત જિલ્લાઓમાં ધુબરીનો સમાવેશ થાય છે, જયાં ૬,૪૮,૮૦૬ લોકો પ્રભાવિત થયા છે. જયારે દારાંગમાં ૧,૯૦,૨૬૧ લોકો, કચરમાં ૧,૪૫,૯૨૬, બારપેટામાં ૧,૩૧,૦૪૧ અને ગોલાઘાટમાં ૧,૦૮,૫૯૪ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. હાલમાં ૩૯,૩૩૮ અસરગ્રસ્‍ત લોકો ૬૯૮ રાહત શિબિરોમાં આશ્રય લઈ રહ્યા છે. વિવિધ એજન્‍સીઓએ બોટનો ઉપયોગ કરીને એક હજારથી વધુ લોકો અને ૬૩૫ પ્રાણીઓને સલામત સ્‍થળે ખસેડ્‍યા છે.

કામરૂપ (મેટ્રોપોલિટન) જિલ્લામાં એલર્ટ જારી કરવામાં આવ્‍યું છે, જયાં બ્રહ્મપુત્રા, દિગારુ અને કોલોંગ નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. કાઝીરંગા નેશનલ પાર્કમાં અત્‍યાર સુધીમાં ૩૧ પ્રાણીઓ ડૂબી જવાથી મૃત્‍યુ પામ્‍યા છે અને ૮૨ અન્‍યને પૂરના પાણીમાંથી બચાવી લેવામાં આવ્‍યા છે. એક અધિકારીએ ગુરુવારે આ જાણકારી આપી. અધિકારીએ જણાવ્‍યું કે પાર્કમાં ૨૩ હોગ ડીયર ડૂબી જવાથી મૃત્‍યુ પામ્‍યા જયારે ૧૫દ્ગક્ર સારવાર દરમિયાન મોત થયા. વન અધિકારીઓએ અન્‍ય પ્રાણીઓમાં ૭૩ હોગ ડીયર, બે દરેક ઓટર અને સાંબર અને એક સ્‍કોપ ઘુવડને બચાવ્‍યા છે. અધિકારીએ જણાવ્‍યું કે હાલમાં ૨૦ પ્રાણીઓની સારવાર કરવામાં આવી રહી છે જયારે ૩૧ અન્‍ય પ્રાણીઓને સારવાર બાદ છોડી દેવામાં આવ્‍યા છે.

(3:08 PM IST)