<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

બજાજે લોન્ચ કરી દુનિયાની પહેલી CNG બાઇક : કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીની હાજરીમાં ફ્રીડમ 125 CNG બાઇક લોન્ચ

ભારત અમેરિકા અને જાપાન પછી વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઓટોમોબાઈલ ઉદ્યોગ બની ગયો છે : નિતીન ગડકરી

નવી દિલ્હી તા.૫ :  ભારતીય મોટરસાઇકલ નિર્માતા બજાજ ઓટોએ 5 જુલાઇ શુક્રવારના રોજ વિશ્વની પ્રથમ CNG બાઇક ફ્રીડમ 125 લોન્ચ કરી છે. આ બાઇક CNG અને પેટ્રોલ બંને પર ચાલશે. રાઇડર્સ બટન દબાવવા પર બે ઇંધણ વચ્ચે સ્વિચ કરી શકે છે. બજાજે આ મોટરસાઇકલને મધ્યમ વર્ગના ભારતીયોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરી છે. ગ્રાહકો આજથી જ દેશના કોઈપણ બજાજ શોરૂમમાંથી આ બાઇક બુક કરાવી શકશે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીની હાજરીમાં ફ્રીડમ 125 CNG બાઇક લોન્ચ કરવામાં આવી છે. ચાલો આ મોટરસાઇકલની કિંમત અને ડિઝાઇન સહિત દરેક વસ્તુ વિશે વિગતવાર જાણીએ.

વેટરન બાઇક નિર્માતા બજાજે 95 હજાર રૂપિયાની શરૂઆતની કિંમતે ફ્રીડમ 125 સીએનજી બાઇક લોન્ચ કરી છે, જેની મહત્તમ કિંમત રૂ. 1.1 લાખ છે. આ મોટરસાઇકલ ત્રણ વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. NG04 Drum વેરિયન્ટની કિંમત 95,000 રૂપિયા છે, જ્યારે NG04 Drum LEDની કિંમત 1.05 લાખ રૂપિયા છે. આ સિવાય તેના ત્રીજા વેરિઅન્ટ NG04 ડિસ્ક LEDની કિંમત 1.10 લાખ રૂપિયા છે. તમામ કિંમતો એક્સ-શોરૂમ છે.

બજાજ ફ્રીડમ 125cc સિંગલ-સિલિન્ડર એન્જિનથી સજ્જ છે, જે પેટ્રોલ અને CNG બંને ઇંધણ પર ચાલે છે. સીટની નીચે સીએનજી ટાંકી આપવામાં આવી છે. એન્જિન 9.5 PS અને 9.7 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ સિવાય કંપની 300 કિલોમીટરની રેન્જ આપે છે. બજાજે દાવો કર્યો છે કે ફ્રીડમ 125 CNG બાઇક સેગમેન્ટમાં સૌથી લાંબી સીટ ધરાવે છે, જેની ઉંચાઈ 785mm છે. અન્ય હાઇલાઇટ્સમાં એવરગ્રીન સ્ટાઇલ, મજબૂત ટ્રેલીસ ફ્રેમ અને મોનોશોકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તે 2 લિટરની ક્ષમતાવાળી પેટ્રોલ ટેન્કથી સજ્જ છે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ભારત અમેરિકા અને જાપાન પછી વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઓટોમોબાઈલ ઉદ્યોગ બની ગયો છે. ઓટો ઉદ્યોગે અત્યાર સુધીમાં 4 કરોડ નોકરીઓનું સર્જન કર્યું છે. ટુ-વ્હીલર ઉદ્યોગ ઉત્તમ કામ કરી રહ્યો છે. 5 વર્ષની અંદર, ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ઓટોમોબાઈલ ઉદ્યોગ ધરાવશે.

(5:57 PM IST)