<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

સરકારે ૧૦૯ કરોડ મોબાઈલ યુઝર્સ પર નાખ્યો વાર્ષિક રૃ.૩૪૮૨૪ કરોડનો બોજો

મોબાઈલ ટેરિફ વધતા કોંગ્રેસનો આક્ષેપઃતેમણે આક્ષેપ કર્યો છે કે, ત્રણેય કંપનીઓએ પરામર્શ કરીને ૭૨ કલાકની અંદર મોબાઈલ ટેરિફ વધારવાની જાહેરાત કરી હતી

નવી દિલ્હી, તા.૫

ત્રણ જુલાઈ-૨૦૨૪થી પ્રીપેડ અને પોસ્ટપેડ મોબાઈલ ટેરિફની કિંમતો વધારવામાં આવી છે. દેશની ત્રણ મુખ્ય ટેલીકૉમ કંપનીઓ રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાએ મોબાઈલ ટેરિફમાં ૨૫ ટકા સુધીનો વધારો કર્યો છે. હવે આ મામલે કોંગ્રેસે મોદી સરકાર પર ગંભીર આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો છે કે, 'મોદી સરકારે ૧૦૯ કરોડ મોબાઈલ યુઝર્સ પર વાર્ષિક ૩૪,૮૨૪ કરોડ રૃપિયાનો બોજો નાખ્યો છે.'

સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સ યોજી કહ્યું કે, ત્રણ અને ચાર જુલાઈના રોજ દેશની ત્રણ ટેલીકૉમ કંપનીઓએ મોબાઈલ ટેરિફની કિંમતો વધારી છે. ત્રણેય સેલ ફોન કંપનીઓ રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોટાફોન આઈડિયાનો માર્કેટ શેર ૯૧.૬ ટકા છે અને તેમના ૧૦૯ કરોડ સેલ ફોન યુઝર્સ છે. મોદી સરકારની મંજૂરી બાદ આ કંપનીઓએ ટેરિફમાં વાર્ષિક ૩૪,૮૨૪ કરોડ રૃપિયાનો બોજો ગ્રાહકો પર નાખી દીધો છે.'

રણદીપ સુરજેવાલાએ ટ્રાઈના રિપોર્ટને ટાંકીને કહ્યું કે, 'ટેલીકૉમ કંપનીઓ પોતાના યુઝર્સો પાસેથી ૩૧ ડિસેમ્બર-૨૦૨૩ સુધીમાં દર મહિને સરેરાશ ૧૫૨.૫૫ રૃપિયા કમાતી હતી. રિલાયન્સ જિયોએ ટેરિફ રેટમાં ૧૨થી ૨૭ ટકા, એરટેલે ૧૧થી ૨૧ ટકા અને વોડાફોન આઈડિયાએ ૧૦-૨૪ ટકાનો વધારો કર્યો છે.'

તેમણે આક્ષેપ કર્યો છે કે, ત્રણેય કંપનીઓએ પરામર્શ કરીને ૭૨ કલાકની અંદર મોબાઈલ ટેરિફ વધારવાની જાહેરાત કરી હતી. આ ટેરિફ વધારાથી રિલાયન્સ જિયોને ૧૭,૫૬૮ કરોડ રૃપિયા, એરટેલને ૧૦,૭૦૪ કરોડ રૃપિયા અને વોડાફોન આઈડિયાને વાર્ષિક ૬૫૫૨ કરોડ રૃપિયાની કમાણી થશે. કોંગ્રેસે મોબાઈલ ટેરિફમાં વધારા મુદ્દે સરકારને ઘણા પ્રશ્નો કર્યા છે. પાર્ટીએ પૂછ્યું છે કે, '૯૨ ટકા બજાર હિસ્સો ધરાવતી ટેલિકોમ કંપનીઓને એકતરફી રૃ.૩૪,૮૨૪ કરોડનો ટેરિફ વધારવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવી? શું સરકાર અને TRAI ૧૦૯ કરોડ યુઝર્સ પ્રત્યેની તેમની ફરજ અને જવાબદારીથી દૂર થઈ ગયા છે? શું મોબાઈલ ટેરિફમાં વધારો લોકસભા ચૂંટણીના અંત સુધી મોકૂફ રખાયો હતો? શું સરકાર કે ટ્રાઈએ કંપનીઓની કેપિટલ એક્સપેન્ડિચરની જરૃરિયાતો પર અભ્યાસ કર્યો છે કે નહીં?

(9:43 PM IST)