<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th July 2024

ભારતે વિશ્‍વના સૌથી શકિતશાળી બિન-પરમાણુ વિસ્‍ફોટકનું સફળ પરિક્ષણ કર્યુ

આ નવા વિસ્ફોટકના વિકાસથી ઉપયોગમાં લેવાતા હથિયારો અને દારૂગોળાની ક્ષમતા અને કાર્યક્ષમતા વધશેઃ મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ ઇકોનોમિક એક્સપ્લોઝિવ્સ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવ્યું

નવી દિલ્‍હીઃ  ભારતે SEBEX 2 નામનું નવું ઘાતક અને શક્તિશાળી વિસ્ફોટક બનાવવામાં મોટી સફળતા હાંસલ કરી છે. સૈન્યના પરીક્ષણોમાં તેના કારણે થનાર વિનાશ સફળતાપૂર્વક સાબિત થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ નવો વિસ્ફોટક સ્ટાન્ડર્ડ TNT કરતા 2.01 ગણો વધુ ઘાતક છે. ભારતીય નૌકાદળે તેની વિસ્ફોટક ક્ષમતાને પ્રમાણિત કરી છે. આ વિસ્ફોટક વિશ્વના સૌથી શક્તિશાળી બિન-પરમાણુ વિસ્ફોટકોમાંનું એક હોવાનું કહેવાય છે. તેનો ઉદ્દેશ્ય બોમ્બ, આર્ટિલરી શેલ અને વોરહેડ્સનું વજન વધાર્યા વિના બોમ્બની વિનાશક શક્તિમાં વધારો કરીને ક્રાંતિ લાવવાનો છે. આ ઉપરાંત તેની નિકાસની વિશાળ સંભાવના પણ હોઈ શકે છે.

એક અહેવાલ મુજબ સંરક્ષણ નિકાસ વધારવાની ભારતીય નૌકાદળની યોજનાના ભાગરૂપે SEBEX 2ની નવી રચનાનું સખત પરીક્ષણ કરવામાં આવ્યું છે. આર્મી અધિકારીઓએ સંકેત આપ્યો કે, તેનું અંતિમ પ્રમાણપત્ર તાજેતરમાં પૂર્ણ થયું હતું. અધિકારીઓએ કહ્યું કે, આ નવા વિસ્ફોટકના વિકાસથી ઉપયોગમાં લેવાતા હથિયારો અને દારૂગોળાની ક્ષમતા અને કાર્યક્ષમતા વધશે. તેને મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ ઇકોનોમિક એક્સપ્લોઝિવ્સ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. SEBEX 2 ફાસ્ટ-મેલ્ટિંગ એક્સપ્લોઝિવ (HMX) પર આધારિત રચનાનો ઉપયોગ કરે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ નવા વિસ્ફોટકથી યુદ્ધમાં એરિયલ બોમ્બ, આર્ટિલરી શેલ્સ અને અન્ય યુદ્ધ સામગ્રીની ઘાતકતામાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે. જે ટાર્ગેટને નષ્ટ કરવા માટે પૂરતી ફાયરપાવર હોવાનું સાબિત કરશે. આ સાથે ઇકોનોમિક એક્સપ્લોઝિવ્સ લિમિટેડ અન્ય વિસ્ફોટક પ્રકાર વિકસાવવાની પ્રક્રિયામાં છે, જેની વિસ્ફોટક શક્તિ TNT કરતા 2.3 ગણી વધુ છે. જે છ મહિનામાં તૈયાર થવાની આશા છે. વિસ્ફોટકોની શક્તિ સામાન્ય રીતે TNT ની સરખામણી દ્વારા માપવામાં આવે છે.

હાલમાં ભારતમાં ઉપયોગમાં લેવાતા સૌથી શક્તિશાળી પરંપરાગત વિસ્ફોટકમાં લોડ થયેલ છે બ્રહ્મોસ વોરહેડ જેની ક્ષમતા લગભગ 1.50 TNT જેટલી છે. તેનાથી વિપરીત નવા SEBEX 2માં TNT કરતાં 2.01 વધુ ક્ષમતા છે. જે સમગ્ર વિશ્વમાં પરંપરાગત વોરહેડ્સમાં ઉપયોગમાં લેવાતા મોટાભાગના વિસ્ફોટકો કરતા નોંધપાત્ર રીતે વધારે છે જે સામાન્ય રીતે 1.25 થી 1.30 સુધીના હોય છે. વધુમાં નેવીએ કંપનીના પ્રથમ થર્મોબેરિક વિસ્ફોટક SITBEX 1ને પ્રમાણિત કર્યું છે. કંપની દ્વારા ઉત્પાદિત અન્ય એક વિસ્ફોટક SIMEX 4 ને પણ નેવી દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું છે. સબમરીનની સીમિત જગ્યાઓમાં મુકવામાં આવેલા ટોર્પિડો વોરહેડ્સમાં સિમેક્સ 4 ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

(1:19 PM IST)