તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Sunday, 7th July 2024
150થી વધુ કારીગરો, 800થી વધુ લાકડાં દ્વારા તૈયાર કરાય છે રથયાત્રાના ત્રણેય રથઃ રોચક ઇતિહાસ
જગન્નાથ રથયાત્રાનો ભવ્ય કાર્યક્રમ 10 દિવસ સુધી ચાલે છેઃ રથયાત્રાના માત્ર દર્શન કરવાથી પણ 1000 યજ્ઞોનું પુણ્ય ફળ મળતુ હોવાની માન્યતા

પુરીઃ ઓરિસ્સાના પુરીમાં આજથી ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે. આ રથયાત્રાનું આયોજન દર વર્ષે અષાઢી બીજીથી થાય છે. પુરીમાં ભગવાન જગન્નાથ અષાઢ શુક્લ બીજથી દશમી તિથિ સુધી સામાન્ય લોકો વચ્ચે રહે છે. આ સમય દરમિયાન ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે રથ પર બેસીને ગુંડીચા મંદિર તરફ પ્રયાણ કરે છે. જગન્નાથ રથયાત્રાનો ભવ્ય કાર્યક્રમ 10 દિવસ સુધી ચાલે છે. કહેવાય છે કે રથયાત્રાના માત્ર દર્શન કરવાથી પણ 1000 યજ્ઞોનું પુણ્ય ફળ મળે છે. ત્યારે આજે જાણીએ રથયાત્રાનો રોચક ઈતિહાસ.
પદ્મ પુરાણ અનુસાર ભગવાન જગન્નાથની બહેન સુભદ્રાએ એક વખત નગર જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પછી જગન્નાથજી અને બલભદ્રજી તેમની બહેન સુભદ્રાને રથમાં બેસાડીને નગર બતાવવા માટે નીકળ્યા. આ દરમિયાન તેઓ ગુંડીચામાં તેમની માસીના ઘરે પણ ગયા અને ત્યાં 7 દિવસ રોકાયા હતા. ત્યારથી અહીં રથયાત્રા કાઢવાની પરંપરા શરૂ થઈ છે.
દર વર્ષે, ત્રણેય ભાઈ બહેન ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે સુસજ્જ રથમાં બેસીને નગરચર્યા પર નીકળે છે. પછી ગુંડીચા માતાના મંદિરે જાય છે. જ્યાં 7 દિવસ સુધી તેમની ખૂબ આગતા-સ્વાગતા કરવામાં આવે છે. આ પછી તેઓ શ્રી જગન્નાથ મંદિર પાછા ફરે છે. રથયાત્રામાં બલરાજજીનો રથ આગળ, બહેન સુભદ્રાનો રથ વચ્ચે અને જગન્નાથ ભગવાનનો રથ સૌથી છેલ્લે હોય છે. વર્ષમાં આ એકમાત્ર સમય છે જ્યારે ભગવાન જગન્નાથ સ્વયં તેમના ભક્તોની વચ્ચે આવે છે.ભારતના 4 જુદા જુદા ખૂણામાં સ્થિત પવિત્ર મંદિરોમાંનું એક જગન્નાથ મંદિર છે. ત્રણ મંદિરો - દક્ષિણમાં રામેશ્વરમ, પશ્ચિમમાં દ્વારકા અને હિમાલયમાં બદ્રીનાથ છે. જગન્નાથ મંદિર સિવાય આખી દુનિયામાં ભાગ્યે જ કોઈ એવું મંદિર હશે જ્યાં ભગવાન કૃષ્ણ, બલરામ અને સુભદ્રા, રણેય ભાઈ-બહેનોની મૂર્તિઓ એકસાથે સ્થાપિત કરવામાં આવી હોય.
એક માન્યતા અનુસાર, એકવાર શ્રી કૃષ્ણની રાણીઓએ યશોદાની બહેન અને બલરામ અને સુભદ્રાની માતા રોહિણીને શ્રી કૃષ્ણની રાસ લીલાઓ વિશે પૂછ્યું. રોહિણીએ સુભદ્રાની સામે શ્રી કૃષ્ણના કારનામા વિશે જણાવવાનું યોગ્ય ન માન્યું અને તેને બહાર મોકલી દીધી. સુભદ્રા બહાર ગઈ પણ ત્યારે જ શ્રી કૃષ્ણ અને બલરામ પણ ત્યાં આવી ગયા. ત્રણેય ભાઈ-બહેન રોહિણીની વાત છૂપી રીતે સાંભળી રહ્યા હતા. ત્યારે નારદ મુનિ ત્યાં આવ્યા અને ત્રણેય ભાઈ-બહેનોને એકસાથે જોઈને તેમણે પ્રાર્થના કરી કે ત્રણેય ભાઈ-બહેન હંમેશા આ રીતે સાથે જ રહે. નારદ મુનિની પ્રાર્થના સ્વીકાર થઈ અને ત્યારથી પુરીમાં ભગવાન જગન્નાથના મંદિરમાં ત્રણેય એકસાથે વિરાજમાન છે.
યાત્રા માટે રથ બનાવવાની પ્રક્રિયા સૌથી ખાસ હોય છે. ભગવાન જગન્નાથ, દેવી સુભદ્રા અને ભગવાન બલભદ્ર માટે અલગ-અલગ રથ હોય છે. દરેક રથની ઊંચાઈ, લંબાઈ, પહોળાઈ અને રંગ અલગ-અલગ હોય છે. આ સિવાય ત્રણેય રથના નામ પણ અલગ-અલગ હોય છે. આ રથ બનાવવામાં વપરાતા લાકડાની સંખ્યા અને પૈડાની સંખ્યા પણ અલગ અલગ હોય છે.
ભગવાન જગન્નાથના રથનું નામ નંદીઘોષ છે. કારીગરો તેને બનાવવા માટે 832 લાકડાનો ઉપયોગ કરે છે. 16 પૈડાં પર ઊભેલા આ રથની ઊંચાઈ 45 ફૂટ અને તેની લંબાઈ 34 ફૂટ હોય છે. સારથિનું નામ દારુક, રક્ષક ગરુણ, રથનું દોરડું શંખ નાગુની છે અને ત્રૈલોક્ય મોહિની ધ્વજ રથ પર લહેરાવે છે. આ રથને ખેંચનારા ચાર ઘોડાઓના નામ શંખ, બહલક, સુવેત અને હરિદશ્વ છે. ભગવાન જગન્નાથના રથ પર નવ દેવતાઓ પણ સવારી કરે છે. જેમાં વરાહ, ગોવર્ધન, કૃષ્ણ, ગોપીકૃષ્ણ, નૃસિંહ, રામ, નારાયણ, ત્રિવિક્રમ, હનુમાન અને રુદ્રનો સમાવેશ થાય છે. ભગવાન જગન્નાથના રથને ગરુણધ્વજ અને કપિધ્વજ પણ કહેવામાં આવે છે.
બહેન સુભદ્રા જીના રથનું નામ દેવદલન રથ છે. તેને દર્પદલન પણ કહેવાય છે. તેમાં તેને બનાવવા માટે 593 લાકડા વાપરવામાં આવે છે અને 12 પૈડા પર ઊભેલા આ રથ માત્ર 31 ફૂટ લાંબો અને 43 ફૂટ ઊંચો છે. અર્જુન પોતે આ રથના સારથિ છે અને રથની રક્ષક દેવી જયદુર્ગા છે. રથ સાથે જોડાયેલ દોરડાનું નામ સ્વર્ણચુડ નાગુની છે અને આ રથના ધ્વજને નાદમ્બિકા કહેવામાં આવે છે. દેવી સુભદ્રાના રથને ખેંચનારા ચાર ઘોડાઓના નામ રૂચિકા, મોચિકા, જીત અને અપરાજિતા છે.
બલભદ્ર જીના રથને તાલધ્વજ કહેવામાં આવે છે જે મહત્તમ 763 લાકડાના ટુકડાઓથઈ બનાવવામાં આવે છે. તેમાં કુલ 14 પૈડાં છે અને તેની ઊંચાઈ 44 ફૂટ છે. રથની લંબાઈ 33 ફૂટ છે. તેના સારથિનું નામ માતલી, રક્ષકનું નામ વાસુદેવ, દોરડાનું નામ વાસુકી નાગ, ધ્વજનું નામ ઉન્નાની છે. રથમાં ચાર ઘોડા છે જેમના નામ છે તીક્ષ્ણ, ઘોર, દુર્ગાશ્રમ, સ્વર્ણ નભ.
રામનવમીના દિવસથી રથ માટેનાં લાકડાં કાપવાની શરૂઆત થાય છે. આમાં લાકડા શોધવાથી લઈને તેને કાપવાથી લઈને રથ બનાવવા કાર્યશાળામાં મૂકવા સુધીનું તમામ કામ એક વિધિ જેવું હોય છે. રથ બનાવવા માટે કારીગરો અને કલાકારોની પણ એક નિશ્ચિત વ્યવસ્થા હોય છે, જેમાં દરેક કારીગરને તેનું કામ સોંપવામાં આવે છે. કામની સોંપણીની સાથે, કારીગરનું નામ પણ નક્કી થાય છે અને જેને તેનું બિરુદ આપવામાં આવે છે. લાકડા માટે સૌથી પહેલું ઝાડ સોનાની કુડાડીથી કાપવામાં આવે છે. રથનું નિર્માણ જગન્નાથ મંદિરની પાસે ગજપતિ મહેલની સામે કરવામાં આવે છે.
રથ બનાવવામાં 150થઈ વધુ કારીગરો કામ કરે છે, જેમાં સુથાર, લુહાર અને ચિત્રકારો જેવા કારીગરો કામ કરે છે. આ દરેકને પોતપોતાનું કામ સોંપવામાં આવે છે. રથ બનાવવામાં 2 મહિના જેટલો સમય લાગે છે. રંગબેરંગી રથની બહાર સુંદર કલાકૃતિઓ બનાવવામાં આવે છે. રથ બનાવવાના કામમાં એ લોકો સામેલ થાય છે જેઓનો પરિવાર ઘણી પેઢીઓથી આ કામ કરતા આવ્યા છે. કારીગરો અને શિલ્પકારો રથમાં વપરાતા લાકડાને કાપીને કોતરવાનું કામ કરે છે. રથને રંગવાનું કામ ચિત્રકારો દ્વારા કરવામાં આવે છે. દરજી રથની સજાવટ માટે કપડાં સીવે છે. ખાસ વાત એ છે કે પુરીમાં રથ નિર્માતાઓ સદીઓથી એક જ પેઢીના છે અને આ કાર્ય વિશે તેમની જાણકારી વારસાગત છે.
ચંદ્રાકાર લોકોને રથના અલગ-અલગ ભાગોને જોડવાનું અને સજાવવાનું કામ સોંપવામાં આવે છે. આગળ આવનારા કારીગરો અને શિલ્પકારો રથમાં વપરાતા લાકડાને કાપીને કોતરવાનું કામ કરે છે. રથને રંગવાનું કામ ચિત્રકારો દ્વારા કરવામાં આવે છે. પછી પછીના સ્તરે સુચિકર અથવા દરજી સેવકો રથની સજાવટ માટે કપડાં સ્ટીચ કરે છે. સૌથી છેલ્લે આવે છે રથ ભોઈ જેઓ મુખ્ય કારીગરોના મદદનીશો અને મજૂરો છે. તેમના વિના રથ નિર્માણની કલ્પના પણ કરી શકાતી નથી. તે દરેક કારીગરો માટે મદદરૂપ છે. ખાસ વાત એ છે કે પુરીમાં રથ નિર્માતાઓ સદીઓથી એક જ પેઢીના છે અને આ કાર્ય વિશે તેમની જાણકારી વારસાગત છે.
ત્રણેય રથને નિર્ધારિત રીતે શણગારવામાં આવે છે. દરેક રથની આસપાસ નવ બાજુ દેવતાઓની મૂર્તિઓ બનાવવામાં આવે છે. ખૂબ જ સુંદર ચિત્રકારીનો ઉપયોગ કરીને તમામ રથ પર વિવિધ દેવી-દેવતાઓના ખૂબ જ સુંદર ચિત્રો બનાવવામાં આવે છે. ત્રણેય રથોમાં એક સારથિ અને ચાર ઘોડા હોય છે. ત્રણેય રથને સુંદર રીતે શણગાર્યા પછી, તેઓને જગન્નાથ મંદિરના પૂર્વ દરવાજાની સામે પાર્ક કરવામાં આવે છે જેને સિંહદ્વાર પણ કહેવામાં આવે છે. રથ બનાવવાની પ્રક્રિયામાં શુદ્ધતાનું પણ ધ્યાન રાખવામાં આવે છે. મંદિરના અધિકારીઓ રથયાત્રા દરમિયાન જે ચઢાવો આવે છે તેને આ રથ બનાવતા કારીગરોમાં વહેંચી દે છે. રથ યાત્રા પછી, રથનું લાકડું પણ અલગ કરી લેવામાં આવે છે અને તેમના ધાર્મિક મહત્ત્વને કારણે, ભક્તો તેને મંદિરમાંથી લઈ શકે છે. રથના પૈડા સાચવીને રાખી લેવામાં આવે છે.
જગન્નાથ રથયાત્રા નીલાદ્રી વિજયા નામની વિધિ સાથે સમાપ્ત થાય છે જેમાં ભગવાનના રથણે ખંડિત કરી દેવામાં આવે છે. રથનું ખંડણ એ વાતનું પ્રતીક હોય છે કે રથયાત્રા પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથ એ વચન સાથે જગન્નાથ મંદિર પરત ફર્યા છે કે તેઓ આવતા વર્ષે ભક્તોને દર્શન આપવા ફરી આવશે.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
