<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th July 2024

આસામમાં વરસાદે મચાવી તબાહી : 58 લોકોના મોત: 23 લાખ લોકો પ્રભાવિત :પૂરના કારણે લોકોને ભારે હાલાકી

અનેક ઈમારતોને નુકસાન:રાજ્યમાં સેંકડો લોકો બેઘર બન્યા:નેમાટીઘાટ, તેજપુર, ધુબરી અને ગોલપારામાં બ્રહ્મપુત્રા અને અન્ય 9 નદીઓનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર

આસામમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) એ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે છેલ્લા એક મહિનામાં પૂરને કારણે રાજ્યમાં 58 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સિવાય 23 લાખ લોકો પ્રભાવિત થયા છે. પૂરના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

પૂરના કારણે પ્રાણીઓને નુકસાન થઈ રહ્યું છે અને અનેક ઈમારતોને નુકસાન થયું છે. રાજ્યમાં સેંકડો લોકો બેઘર બન્યા છે. નેમાટીઘાટ, તેજપુર, ધુબરી અને ગોલપારામાં બ્રહ્મપુત્રા અને અન્ય 9 નદીઓનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે નદીઓનું જળસ્તર ધીમે ધીમે ઘટી રહ્યું છે.

પૂરના કારણે રાજ્યમાં 27 જિલ્લામાં 577 રાહત શિબિરો બનાવવામાં આવી છે. હાલમાં 5,26,000 થી વધુ લોકોએ રાહત શિબિરોમાં આશરો લીધો છે. ખોરાક અને અન્ય સહાય માટે વિતરણ કેન્દ્રો પણ સ્થાપવામાં આવ્યા છે. પૂરના કારણે 3,535 ગામો પાણીમાં ડૂબી ગયા છે. 68,768.5 હેક્ટર પાક વિસ્તાર પણ ડૂબી ગયો છે.

 

ASDMAએ વધુમાં જણાવ્યું હતું કે, '6 જૂલાઈના રોજ ચરાઈદેવ જિલ્લામાં બે લોકો પૂરના પાણીમાં ડૂબી ગયા હતા. ગોલપારામાં એક અને મોરીગાંવ, સોનિતપુર અને તિનસુકિયા જિલ્લામાં એક-એક વ્યક્તિનું મોત થયું છે. ધુબરી જિલ્લો પૂરને કારણે સૌથી વધુ પ્રભાવિત થયો છે. આ પછી કછાર અને દરાંગ છે. 29 જિલ્લાઓમાં 2.396 મિલિયન લોકો પ્રભાવિત થયા છે.

(6:40 PM IST)