News of Sunday, 7th July 2024
અમદાવાદ ખાતે અમીન પી.જે. કડવા પાટીદાર વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ કરતા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઇ શાહ
આ ભૂમિ ઐતિહાસિક, આદરણીય સરદાર પટેલે અહીં જ આઝાદીની ચળવળ માટે બેઠકો યોજી હોવાનું જણાવતા અમિતભાઇ શાહ :વિદ્યાર્થીઓને રહેવા આ અત્યાધુનિક સંકુલ બનાવવા બદલ સૌ ટ્રસ્ટીઓને અભિનંદન :પાટીદાર સમાજે ગુજરાત તેમજ દેશના વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપ્યું:વિદ્યાર્થીઓએ દેશ માટે મરવાની જરૂર નથી પરંતુ દેશ માટે જીવવાની જરૂર:અમિતભાઇ શાહ :પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર ગુજરાતમાં શિક્ષણની જ્યોત પ્રગટાવવા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી શરૂ કર્યા: ભૂપેન્દ્રભાઈ પટેલ

ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની યાદીમાં જણાવ્યા પ્રમાણે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઇ શાહના વરદ હસ્તે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે અમીન પી.જે. કડવા પાટીદાર વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અમિતભાઈ શાહે આ પ્રસંગે રથયાત્રાના શુભ દિવસે ઉપસ્થિત સૌને શુભકામનાઓ પાઠવી હતી. તેઓએ રાજ્યમાંથી ઉચ્ચ શિક્ષણ માટે અમદાવાદ આવતા વિદ્યાર્થીઓને રહેવા આ અત્યાધુનિક સંકુલ બનાવવા બદલ સૌ ટ્રસ્ટીશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ કહ્યું કે કોઈપણ સંસ્થા પાંચ દસ વર્ષ ચાલે તો આગળ વધી કહેવાય પણ 100 વર્ષ ત્યારે જ ચાલી શકે જ્યારે સમગ્ર સમાજ સાથે હોય. આ સંસ્થાએ હજારો બાળકોના જીવનમાં શિક્ષણનો ઉજાસ રેલાવ્યો છે. ઉત્તર ગુજરાતમાં એક પણ ગામ એવું નહીં હોય કે જ્યાંથી કડવા પાટીદાર હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી ચૂકેલ વિદ્યાર્થીઓ ગુજરાત અને દેશની સેવામાં ન હોય.
શાહે તેમના વિદ્યાર્થી કાળના સંસ્મરણો વાગોળતા કહ્યું હતું કે આ જ હોસ્ટેલમાં રેકટર તરીકે ફરજ બજાવી ચુકેલા નટુભાઈ તથા એન સી સી ના ઇન્સ્ટ્રકટર કેપી ગિલના માર્ગદર્શન હેઠળ તેઓનો ઘડતર થયું. તેઓએ કહ્યું કે આ બંને મહાનુભાવો શિસ્તના ખૂબ આગ્રહી હતા. નટુભાઈ સાહેબે જીવનમાં જે આવે તેને હસતા હસતા સ્વીકારવાનો ગુરુ મંત્ર પણ આપ્યાનું શાહે જણાવ્યું હતું. તેઓએ કહ્યું કે પરિસ્થિતિનો હસતા હસતા અને મક્કમતાથી સામનો કરવાનું આપણા હાથમાં છે. જીવનમાં જે પરિસ્થિતિ આવે તેનો મક્કમતાથી સામનો કરવા શાહે વિદ્યાર્થીઓને હિમાયત પણ કરી હતી.
અમિતભાઇ શાહે કહ્યું કે આ ભૂમિ ઐતિહાસિક છે. આદરણીય સરદાર પટેલે અનેક દિવસો અહીં પસાર કરી અને અહીંથી જ આઝાદીની ચળવળ માટેની મીટીંગ્સ પણ કરી છે. તેઓએ કહ્યું કે આ ઐતિહાસિક ભૂમિ પર અભ્યાસ કરવો એ જીવનનો અદભુત અનુભવ છે. દરેક ધરતીના એક સંસ્કાર હોય છે. તેઓએ કહ્યું કે હવે આપણે આઝાદ થઈ ચૂક્યા છીએ એટલે વિદ્યાર્થીઓએ દેશ માટે મરવાની જરૂર નથી પરંતુ દેશ માટે જીવવાની જરૂર છે. જે કંઈ કરીએ જે વ્યવસાય અપનાવીએ પણ દેશ માટે કરીએ તેવા ભાવ સાથે કાર્યરત રહેવું જરૂરી છે. તેઓએ કહ્યું કે આ સંકુલના ટ્રસ્ટીઓએ તેમના તથા યોગદાન દ્વારા સંસ્થાને 1932 થી શરૂ થઈને ઉચ્ચતમ શિખરે પહોંચાડી છે. આ સંસ્થામાં દાન આપનાર દાતાઓને પણ શાહે ધન્યવાદ પાઠવ્યા હતા.
અમિતભાઇ શાહે ઉમેર્યું હતું કે તેઓનો ઉતર ગુજરાતના માણસામાં જ અભ્યાસ અને ઉછેર થયો. પટેલ સમાજના વિકાસનો પ્રવાહ અને રાજ્ય તેમજ દેશના વિકાસના પ્રવાહના તેઓ સાક્ષી રહ્યા છે. આ બંનેને જુદા ન પાડી શકાય તેવો એની સંજ્ઞા કહ્યું હતું કે કડવા પટેલ સમાજ એ ગુજરાત તેમજ દેશના વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. બંનેનો વિકાસનો ગ્રાફ સમાંતર રહ્યો છે. પટેલ સમાજ સામાજિક સંદર્ભમાં લઈને શિક્ષણ, વ્યાપાર તમામ ક્ષેત્રે કઠોર પરિશ્રમી સમાજ હોવાનું તેઓએ ટાંક્યું હતું. તેઓએ કહ્યું કે કડવા પાટીદાર સમાજ કેવળ પોતાનું જ ના વિચારતા ગુજરાત અને દેશના વિકાસ સાથે પણ તદ્દાત્મ્ય સાધ્યું છે.
અમિતભાઇ શાહે જણાવ્યું કડવા પાટીદાર વિદ્યાર્થી સંકુલ જેવા ઐતિહાસિક સ્થાન પર અભ્યાસ કરવો નિવાસ કરવો એ વિદ્યાર્થી અવસ્થામાં મળી રહેલ અમૂલ્ય તક છે. તેઓએ વિદ્યાર્થીઓને હીદાયત આપતા કહ્યું કે જીવનમાં એક લક્ષ રાખવું જોઈએ લક્ષ વિનાના જીવનમાં સમય તમને ઘસડી જશે પણ લક્ષ હશે તો તમે સમયને ઘસડી જશો. અંતમાં શાહે આ ઉમદા પ્રસંગે તેઓને બોલાવવા બદલ ઉપસ્થિત ટ્રસ્ટના સૌ હોદ્દેદારોનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો.
આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ કાર્યક્રમમાં તેઓને સહભાગી બનાવવા બદલ સર્વે ટ્રસ્ટીનો આભાર માનતા કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર ગુજરાતમાં શિક્ષણની જ્યોત પ્રગટાવવા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી શરૂ કર્યા હતા. તેઓએ કહ્યું કે બાળકો જ રાજ્ય અને દેશનું ભવિષ્ય છે આ બાળકોને સારું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે ખૂબ જરૂરી છે. શિક્ષણ જીવન ઘડતરનો પાયો છે. તેઓએ કહ્યું કે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ ત્રીજીવાર દેશના પ્રધાનમંત્રી તરીકેની સુકાન સંભાળ્યું છે અને વિકસિત ભારતનું સપનું સાકાર કરવા આહવાન પણ કરેલ છે. ગુજરાત તેમના પ્રત્યેક સંકલ્પ અને આહવાનને સાકાર કરવામાં અગ્રેસર રહ્યું છે.
ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિતભાઇ શાહના માર્ગદર્શનમાં ગુજરાત આજે દરેક ક્ષેત્રમાં વિકાસ પથ પર અવિરત આગળ વધી રહ્યું છે. તેઓએ કહ્યું કે છાત્રાલયો શિક્ષણ સાથે વ્યક્તિત્વના ઘડતરનો મજબૂત આધાર સ્તંભ છે. દરેક સમાજની પ્રગતિનો આધાર શિક્ષણ હોય છે. તેઓએ કહ્યું કે અમિતભાઇ શાહની વિઝનરી લીડરશીપમાં સમગ્ર ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં શિક્ષણથી એકપણ બાળક વંચિત ન રહે તે પ્રમાણે કામગીરી થઈ રહી છે. તેઓએ કહ્યું કે ઉચ્ચ શિક્ષણ માટે ગામડાઓમાંથી શહેરમાં આવતા યુવાનોને છાત્રાલયની સુવિધા આપવા રાજ્ય સરકારે સમરસ છાત્રાલય દ્વારા એક ઉત્તમ વ્યવસ્થા ઊભી કરી છે. અંતમાં પટેલે વિઝન 2020 હેઠળ આ સંકુલના નિર્માણ માટે સંસ્થાના તમામ હોદ્દેદારોને ધન્યવાદ પાઠવ્યા હતા અને કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત 2047 ના આહવાનમાં ગુજરાત પોતાનું યોગદાન આપવા સંકલ્પબધ્ધ છે.
આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, અમીન પીજે કડવા પાટીદાર સંકુલના ટ્રસ્ટના હોદ્દેદારો, સર્વે દાતાઓ, વાલીઓ, વિદ્યાર્થી ગણ તેમજ શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા.
(10:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
