<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

સંપૂર્ણ બજેટમાં આરોગ્ય, શિક્ષણ અને ગ્રામીણ વિકાસ પર વધુ ખર્ચ થશે

સામાજિક યોજનાઓને પ્રોત્સાહન મળશે : માંગ વધારવા માટે સરકાર બજેટમાં સામાજિક ક્ષેત્રની યોજનાઓ પર ખર્ચ વધારી શકે છે

નવી દિલ્હી, તા.૮: નાણાકીય વર્ષ ૨૦૨૫ના સંપૂર્ણ બજેટમાં, આરોગ્ય, શિક્ષણ અને ગ્રામીણ વિકાસ સંબંધિત સામાજિક ક્ષેત્રની યોજનાઓ માટે વધુ ભંડોળ ફાળવવામાં આવી શકે છે. તેનો ઉદ્દેશ્ય સમાજના નબળા વર્ગોને રાહત આપીને ગ્રામીણ માંગને વેગ આપવાનો છે. બજેટ ૨૩ જુલાઈએ રજૂ કરવામાં આવશે. ગ્રામીણ ભારત પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે અને આ સામાજિક ક્ષેત્રની યોજનાઓ માટે બજેટ ફાળવણીમાં પ્રતિબિંબિત થઈ શકે છે,ૅ એક વરિષ્ઠ સરકારી અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું.

રેટિંગ એજન્સી ICRAએ પોતાના રિપોર્ટમાં વચગાળાના બજેટની સરખામણીમાં આવક ખર્ચનો લક્ષ્યાંક વધી શકે તેવી શક્યતા વ્યકત કરી છે. આ માટે, નવી યોજનાઓ રજૂ કરવામાં આવી શકે છે અથવા કેટલીક વર્તમાન યોજનાઓમાં ફાળવણીમાં વધારો કરવામાં આવી શકે છે. ICRAનો અંદાજ છે કે સરકારનો મહેસૂલ ખર્ચ રૂ. ૩૭ લાખ કરોડથી રૂ. ૩૭.૧ લાખ કરોડ હોઈ શકે છે, જે વચગાળાના બજેટ કરતાં રૂ. ૫૦,૦૦૦ થી ૬૦,૦૦૦ કરોડ વધુ છે.

જે ગયા વર્ષની સરખામણીમાં ૬ થી ૬.૩ ટકા વધુ રકમ છે. વધારાની ફાળવણી મોટાભાગે વ્યાજ અને સબસિડીથી સ્વતંત્ર હોવાની શક્યતા છે, અહેવાલમાં જણાવાયું છે. ફાળવણી વધારવાનો હેતુ ગ્રામીણ અર્થવ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે કારણ કે ૨૦૨૩ માં અપૂર્ણ અને અસામાન્ય ચોમાસાને કારણે ગ્રામીણ માંગ નબળી રહી છે.

સામાજિક ક્ષેત્ર હેઠળ, શિક્ષણને ગુણવત્તાના અભાવ જેવા સળગતા મુદ્દાને ઉકેલવા માટે વધારાના ભંડોળ મળી શકે છે. સામાજિક વિજ્ઞાની અમિતાભ કુંડુએ જણાવ્યું હતું કે, 'શિક્ષણ પર સામાન્ય લોકોનો ખર્ચ શૂન્યથી ૨ લાખ રૂપિયા સુધીનો છે, જે દર્શાવે છે કે શિક્ષણમાં કેટલી અસમાનતા છે.' બજેટ

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી (મનરેગા) યોજનામાં પણ વધુ નાણાં મળી શકે છે પરંતુ આ વધારો બજેટના પ્રમાણમાં હશે. મનરેગાને નાણાકીય વર્ષ ૨૫ ના વચગાળાના બજેટમાં રૂ. ૮૬,૦૦૦ કરોડ ફાળવવામાં આવ્યા હતા, જે ગયા નાણાકીય વર્ષના સુધારેલા અંદાજ જેટલા જ હતા. કુંડુએ કહ્યું, વૃદ્ધિ અને રોજગાર પર ભાર મૂકવામાં આવશે. સરકારની સ્થિરતા પર અત્યારે કોઈ ખતરો નથી, તેથી તે વિકાસના એજન્ડાને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી ઢંઢેરામાં ૭૦ વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન ભારત યોજના હેઠળ લાવવાનું વચન આપ્યું હતું. આ કારણથી આ સેકટરને બજેટમાં ૭,૦૦૦ કરોડ રૂપિયા મળી શકે છે. પરંતુ સ્વચ્છ ભારત મિશન અને જલ શકિત મિશન જેવી ઘણી સામાજિક ક્ષેત્રની યોજનાઓ માટે ફાળવણીમાં વધુ વધારો થવાની અપેક્ષા નથી.

સરકાર વપરાશ વધારવા માટે સીધા લાભ ટ્રાન્સફરમાં વધારો કરી શકે છે. પીએમ કિસાન સન્માન નિધિ માટે પણ બજેટમાં ફંડ ફાળવવામાં આવી શકે છે. ઈલારા કેપિટલ પણ તાજેતરમાં જણાવ્યું હતું કે સરકાર પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી રકમમાં વધારો કરી શકે છે અને મનરેગાની ફાળવણીમાં વધારો કરવા માટે વધુ ખર્ચ કરી શકે છે.

(10:16 AM IST)