<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

ભાજપના કેન્દ્રીયમંત્રી સુરેશ ગોપીએ ઉદઘાટન માટે પૈસા માંગ્યા !

કેરળના ભાજપના સાંસદ સુરેશ ગોપી, જેઓ એક અભિનેતા છે,...કહ્યું... હું પહેલાની જેમ કોઈપણ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ફી લઈશ અને તેનો ઉપયોગ સામાજિક કાર્યો માટે કરીશ : સવાલ એ થાય છે કે શું કોઈ સાંસદ અન્ય વ્યવસાયો પણ અપનાવી શકે છે? તેના માટે શું નિયમો અને કાયદા છે?

નવી દિલ્હી, તા.૮: ભારતમાં સાંસદો અને ધારાસભ્યોને લગતા અમુક નિયમો અને કાયદા છે. જો કોઈ વ્યકિત વિધાનસભા, લોકસભા અથવા રાજ્યસભાના સભ્ય હોય, તો તે કેન્દ્ર અથવા રાજ્ય સરકારમાં કોઈ નફાનો હોદ્દો ધરાવી શકે નહીં. જો તે કોઈ લાભનું પદ ધરાવે છે તો ચૂંટણી પંચ તે સભ્યને ગેરલાયક ઠેરવી શકે છે. કેરળના ભાજપના સાંસદ સુરેશ ગોપી, જેઓ એક અભિનેતા છે, તેમણે કહ્યું કે, 'હું પહેલાની જેમ કોઈપણ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ફી લઈશ અને તેનો ઉપયોગ સામાજિક કાર્યો માટે કરીશ.'

કેરળના વતની સુરેશ ગોપી અભિનેતામાંથી રાજકારણી બન્યા છે અને થ્રિસુર બેઠક જીતીને લોકસભામાં પહોંચીને ભાજપને એક ઐતિહાસિક જીત અપાવી છે. કારણ કે પહેલીવાર કેરળનો કોઈ વ્યકિત ભાજપની ટિકિટ પર જીતીને સંસદમાં પહોંચ્યો હોય તેવી આ પહેલી ઘટના છે. ભાજપે તેમને કેબિનેટમાં સ્થાન આપ્યું અને તેમને કેન્દ્રીય પ્રવાસન અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી બનાવ્યા છે.

પરંતુ સુરેશ ગોપીને હજુ પણ અભિનયમાં ખૂબ જ રસ છે. તેથી, તેમણે જીત બાદ તરત જ જાહેરાત કરી કે તે ફિલ્મોમાં અભિનય ચાલુ રાખશે. તેમણે એમ પણ કહ્યું કે હું જે કંઈ કમાણી કરું છું, તેનો એક ભાગ લોકો અને સમાજના કલ્યાણ માટે ખર્ચ કરીશ. આ કારણે લોકો તેના ખૂબ વખાણ કરે છે. પરંતુ હાલમાં જ તેણે એવું નિવેદન આપ્યું હતું જેના પર સવાલો ઉઠવા લાગ્યા હતા.

સુરેશ ગોપીએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અન્ય કલાકારોની જેમ કાર્યક્રમોમાં જઈશ અને ઉદઘાટનના કાર્યક્રમો માટે પૈસા પણ લઈશ. હું જ્યારે પણ કોઈ કાર્યક્રમમાં જાઉં તો એવું ન વિચારો કે હું સાંસદ તરીકે તેનું ઉદઘાટન કરીશ. હું અભિનેતા તરીકે જ આવીશ. અન્ય લોકોની જેમ હું આ માટે ફી લઈશ, જે રીતે મારા અન્ય સાથીદારો કરે છે જો કે સુરેશ ગોપીએ પણ સ્પષ્ટ કર્યું છે કે આમાંથી જે પણ પૈસા મળશે તે સંપૂર્ણ રીતે તેમના ટ્રસ્ટમાં જશે અને લોકોના કલ્યાણ માટે ખર્ચવામાં આવશે.

હવે આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું કોઈ સાંસદ અન્ય વ્યવસાયો પણ અપનાવી શકે છે? તેના માટે શું નિયમો અને કાયદા છે?

બંધારણની કેટલીક જોગવાઈઓ અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧માં અમુક જોગવાઈ કરવામાં આવી છે. સાંસદ માટે અયોગ્યતા માટેના મૂળભૂત માપદંડો બંધારણના અનુચ્છેદ ૧૦૨માં અને ધારાસભ્ય માટે કલમ ૧૯૧માં નિર્ધારિત છે.

બંધારણની કલમ ૧૦૨માં જણાવવામાં આવ્યું છે કે ક્યાં કાયદા મુજબ કોઈ સાંસદને ગેરલાયક ઠેરવી શકાય છે. બંધારણની કલમ ૧૦૨ (૧A) મુજબ કોઈપણ સાંસદ અથવા ધારાસભ્ય એવા કોઈ પદ પર રહી શકે નહીં જ્યાં પગાર અથવા ભથ્થાં સહિત અન્ય કોઈપણ લાભો ઉપલબ્ધ હોય. તેમજ કલમ ૧૯૧ મુજબ ધારાસભ્યને ક્યાં ક્યાં કામ માટે અયોગ્ય ગણવામાં આવશે.બંધારણની કલમ ૧૯૧ (૧A) અને જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ ૯A હેઠળ સાંસદો અને ધારાસભ્યોને અન્ય જગ્યાએથી લાભ લેવાથી રોકવાની જોગવાઈઓ છે.

૨૦૦૬માં ચૂંટણી પંચે જયા બચ્ચનને રાજ્યસભામાંથી ગેરલાયક ઠેરવ્યા હતા. સાંસદ હોવા દરમિયાન, તે ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ નિગમના અધ્યક્ષ પણ હતા, જેને સુપ્રીમ કોર્ટે નફાનું પદ જાહેર કર્યું હતું. તેમણે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ નિર્ણયને યથાવત રાખતા કહ્યું હતું કે, ૅકોઈ વ્યકિત નફાનું પદ ધરાવે છે કે કેમ તે નક્કી કરવા માટે, શું સંબંધિત છે કે શું નફો અથવા નાણાકીય લાભ આપવા માટે તે સક્ષમ છે કે નહીં અને તે વ્યકિતએ ખરેખર નાણાકીય લાભ મેળવ્યો છે કે નહીં. એ જાણવું જરૂરી છે.ૅ

માર્ચ ૨૦૧૭માં દિલ્હી બીજેપીના નેતા અને વકીલ અશ્વિની કુમાર ઉપાધ્યાયે કાયદાની પ્રેકિટસ ચાલુ રાખતા સાંસદો વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમણે અરજીમાં કહ્યું હતું કે જો સાંસદોને પ્રેકિટસ કરવાની મંજૂરી આપવામાં આવશે, તો તેઓ તેમના કલાયંટ પાસેથી ફી વસૂલશે અને સાંસદનો પગાર પણ ઉઠાવશે, જે 'વ્યાવસાયિક ગેરવર્તણૂક' સમાન હશે.

આના પર, સુપ્રીમ કોર્ટે ૨૦૧૮ માં તેના આદેશમાં કહ્યું હતું કે ધારાસભ્યો અથવા સંસદ સંપૂર્ણ સમયના પગારદાર કર્મચારીઓૅ નથી જે ધારાસભ્ય બને છે તેઓ તેમની કાનૂની પ્રેકિટસ ચાલુ રાખી શકે છે કારણ કે તેઓ એડવોકેટ એકટ, ૧૯૬૧ હેઠળ કાયદાની પ્રેકિટસ કરી શકે છે. તેમને રોકવા માટે એવો કોઈ કાયદો નથી.

આ જ વાત સાંસદ સુરેશ ગોપીને પણ લાગુ પડે છે. તે એક અભિનેતા છે. તેમને હંમેશા ફિલ્મો નહીં મળે અને એવું પણ નથી કે તેમને દર મહિને પૈસા મળશે.

(10:17 AM IST)