<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

આસામમાં પૂરની સ્થિતિ ગંભીર : 28 જિલ્લામાં લગભગ 23 લાખ લોકો અસરગ્રસ્ત : 131 પશુઓ પણ મૃત્યુ : એનડીઆરએફ, એસડીઆરએફ અને સ્થાનિક વહીવટીતંત્ર સહિત અનેક એજન્સીઓ વિવિધ વિસ્તારોમાં 171 બોટ સાથે રાહત અને બચાવ કામગીરીમા તૈનાત

પૂર રાહત શિબિરોની સલામતી અને સ્વચ્છતા એ સરકારની પ્રાથમિકતા છે અને 'મારી ટીમ ત્યાં રહેતા તમામ લોકોનો સંપર્ક કરી રહી છે અને રીઅલ-ટાઇમ ફીડબેક લઈ રહી છે : આસામના મુખ્યમંત્રીનું નિવેદન

ગુવાહાટી તા.૮ : આસામમાં પૂરની સ્થિતિ સોમવારે પણ ગંભીર છે. 28 જિલ્લાઓની લગભગ 23 લાખ વસ્તી પૂરને કારણે પ્રભાવિત થઈ છે, કારણ કે મોટાભાગની નદીઓના જળસ્તર ખતરાના નિશાનથી ઉપર છે. એક સત્તાવાર બુલેટિનમાં આ માહિતી આપવામાં આવી છે.

આ વર્ષે પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડામાં મૃત્યુઆંક 78 હતો, જેમાંથી 66 લોકો એકલા પૂરમાં મૃત્યુ પામ્યા હતા.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સોમવારે સિલચર પહોંચ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ પૂર પીડિતો સાથે મુલાકાત કરી હતી. જણાવી દઈએ કે મણિપુર જતા સમયે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કચર જિલ્લાના ફુલરતાલમાં પૂર રાહત શિબિરની પણ મુલાકાત લીધી હતી.

આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે પૂર પ્રભાવિત જિલ્લાઓમાં તમામ રાહત શિબિરો સારી રીતે જાળવવામાં આવી રહી છે અને જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી પૂરતી આવશ્યક ચીજવસ્તુઓ ઉપલબ્ધ છે.

સરમાએ કહ્યું કે પૂર રાહત શિબિરોની સલામતી અને સ્વચ્છતા એ સરકારની પ્રાથમિકતા છે અને 'મારી ટીમ ત્યાં રહેતા તમામ લોકોનો સંપર્ક કરી રહી છે અને રીઅલ-ટાઇમ ફીડબેક લઈ રહી છે.'હાલમાં, 28 જિલ્લાના 3,446 ગામોમાં લગભગ 23 લાખ લોકો અસરગ્રસ્ત છે, જ્યારે 68,432.75 હેક્ટર પાકની જમીન પૂરના બીજા મોજામાં ડૂબી ગઈ છે.

 

ધુબરીમાં સૌથી વધુ 7,54,791 લોકો પ્રભાવિત થયા છે, ત્યારબાદ કચરમાં 1,77,928 અને બરપેટામાં 1,34,328 લોકો પ્રભાવિત થયા છે.કુલ 53,689 લોકોએ 269 રાહત શિબિરોમાં આશ્રય લીધો છે, જ્યારે બિન-રાહત શિબિરોમાં રહેતા 3,15,520 લોકોને રાહત સામગ્રી પૂરી પાડવામાં આવી છે.નિમતીઘાટ, તેજપુર અને ધુબરીમાં બ્રહ્મપુત્રા નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.

ઘણી નદીઓ ખતરાના નિશાનને વટાવી ગઈ છે

આસામમાં ઘણી નદીઓ ખતરાના નિશાનથી આગળ વહી રહી છે. જેમાં ખોવાંગમાં બુધી દિહિંગ, શિવસાગરમાં દિખાઉ, નાંગલમુરાઘાટમાં ડિસાંગ, નુમાલીગઢમાં ધનસિરી, ધર્મતુલમાં કોપિલી, બારપેટામાં બેકી, ગોલકગંજમાં સંકોશ, બીપી ઘાટમાં બરાક અને કરીમગંજમાં કુશિયારાનો સમાવેશ થાય છે.

એનડીઆરએફ, એસડીઆરએફ અને સ્થાનિક વહીવટીતંત્ર સહિત અનેક એજન્સીઓ વિવિધ વિસ્તારોમાં તૈનાત 171 બોટ સાથે રાહત અને બચાવ કામગીરી કરી રહી છે. છેલ્લા 24 કલાકમાં વિવિધ એજન્સીઓ દ્વારા કુલ 70 લોકો અને 459 પશુઓને બચાવી લેવામાં આવ્યા છે.

રાજ્યભરમાં રસ્તાઓ, પુલો, આંગણવાડી કેન્દ્રો અને માછલીના તળાવોને નુકસાન નોંધાયું હતું.

કાઝીરંગા પાર્કમાં 131 વન્ય પ્રાણીઓના મોત થયા હતા

આસામમાં પૂરના કારણે કાઝીરંગા નેશનલ પાર્કમાં અત્યાર સુધીમાં છ ગેંડા સહિત 131 જંગલી પ્રાણીઓના મોત થયા છે. પાર્ક ઓથોરિટીએ સોમવારે આ જાણકારી આપી.

કાઝીરંગા નેશનલ પાર્કના ફિલ્ડ ડાયરેક્ટર સોનાલી ઘોષે જણાવ્યું હતું કે પૂરના કારણે કાઝીરંગા નેશનલ પાર્કમાં અત્યાર સુધીમાં 131 જંગલી પ્રાણીઓના મોત થયા છે.સોનાલી ઘોષે જણાવ્યું હતું કે પૂરના પાણીમાં ડૂબી જવાને કારણે છ ગેંડા, 100 હોગ ડીયર અને બે સાંબર મૃત્યુ પામ્યા હતા, જ્યારે 17 હોગ ડીયર, સ્વેમ્પ ડીયર, રીસસ મેકાક અને ઓટર (બચ્ચા)નું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. વાહનની ટક્કરથી બે હોગ ડીયરના મોત થયા હતા.પાર્ક ઓથોરિટી અને વન વિભાગે પૂર દરમિયાન 97 વન્ય પ્રાણીઓને બચાવ્યા છે.

ઘણા કેમ્પ હજુ પણ પાણીમાં ડૂબી ગયા છ

રાષ્ટ્રીય ઉદ્યાનમાં પૂરની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે, પરંતુ 233માંથી 69 ફોરેસ્ટ કેમ્પ પાણીમાં ડૂબી ગયા છે.

પાર્ક ઓથોરિટીએ જણાવ્યું કે, કાઝીરંગા રેન્જ હેઠળ 22 ફોરેસ્ટ કેમ્પ, બગોરી રેન્જ હેઠળ 14 કેમ્પ, બુરાપહાર, બોકાખાટ અને નાગાંવ વન્યજીવન વિભાગમાં 4 કેમ્પ અને વિશ્વનાથ વન્યજીવ વિભાગ હેઠળ એક કેમ્પ હાલમાં પાણીમાં ડૂબી ગયા છે .

પાર્ક ઓથોરિટીએ ચાર ફોરેસ્ટ કેમ્પને પણ ખાલી કરાવ્યા છે, જેમાં કાઝીરંગા રેન્જ અને બોકાખાટ રેન્જમાં બે કેમ્પનો સમાવેશ થાય છે.

આસામમાં પૂરની સ્થિતિ તાજેતરમાં વધુ ખરાબ થઈ છે, છેલ્લા 24 કલાકમાં પૂરને કારણે આઠ લોકોએ જીવ ગુમાવ્યા છે, આ વર્ષે કુલ મૃત્યુઆંક 66 પર પહોંચી ગયો છે.

(3:40 PM IST)