<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

આસામમાં પૂરની સ્‍થિતિ ગંભીર : ૨૮ જિલ્લામાં લગભગ ૨૩ લાખ પ્રભાવિત : ૧૩૧ પશુઓના મોત

નદીઓ ખતરાના નિશાને : રસ્‍તાઓ, પુલો ધોવાયા

નવી દિલ્‍હી તા. ૮ : આસામમાં પૂરની સ્‍થિતિ પણ ગંભીર છે. ૨૮ જિલ્લાઓની લગભગ ૨૩ લાખ વસ્‍તી પૂરને કારણે પ્રભાવિત થઈ છે, કારણ કે મોટાભાગની નદીઓના જળસ્‍તર ખતરાના નિશાનથી ઉપર છે. એક સત્તાવાર બુલેટિનમાં આ માહિતી આપવામાં આવી છે.લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સિલચર પહોંચ્‍યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ પૂર પીડિતો સાથે મુલાકાત કરી હતી. મણિપુર જતા સમયે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કચર જિલ્લાના ફુલરતાલમાં પૂર રાહત શિબિરની પણ મુલાકાત લીધી હતી.આસામના મુખ્‍ય પ્રધાન હિમંતા બિસ્‍વા સરમાએ જણાવ્‍યું હતું કે પૂર પ્રભાવિત જિલ્લાઓમાં તમામ રાહત શિબિરો સારી રીતે જાળવવામાં આવી રહી છે અને જયાં સુધી પરિસ્‍થિતિ સામાન્‍ય ન થાય ત્‍યાં સુધી પૂરતી આવશ્‍યક ચીજવસ્‍તુઓ ઉપલબ્‍ધ છે.

ધુબરીમાં સૌથી વધુ ૭,૫૪,૭૯૧ લોકો પ્રભાવિત થયા છે, ત્‍યારબાદ કચરમાં ૧,૭૭,૯૨૮ અને બરપેટામાં ૧,૩૪,૩૨૮ લોકો પ્રભાવિત થયા છે. કુલ ૫૩,૬૮૯ લોકોએ ૨૬૯ રાહત શિબિરોમાં આશ્રય લીધો છે, જયારે બિન-રાહત શિબિરોમાં રહેતા ૩,૧૫,૫૨૦ લોકોને રાહત સામગ્રી પૂરી પાડવામાં આવી છે.આસામમાં ઘણી નદીઓ ખતરાના નિશાનથી આગળ વહી રહી છે. જેમાં નિમતીઘાટ, તેજપુર અને ધુબરીમાં બ્રહ્મપુત્રા નદી, ખોવાંગમાં બુધી દિહિંગ, શિવસાગરમાં દિખાઉ, નાંગલમુરાઘાટમાં ડિસાંગ, નુમાલીગઢમાં ધનસિરી, ધર્મતુલમાં કોપિલી, બારપેટામાં બેકી, ગોલકગંજમાં સંકોશ, બીપી ઘાટમાં બરાક અને કરીમગંજમાં કુશિયારાનો સમાવેશ થાય છે.એનડીઆરએફ, એસડીઆરએફ અને સ્‍થાનિક વહીવટીતંત્ર સહિત અનેક એજન્‍સીઓ વિવિધ વિસ્‍તારોમાં તૈનાત ૧૭૧ બોટ સાથે રાહત અને બચાવ કામગીરી કરી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં વિવિધ એજન્‍સીઓ દ્વારા કુલ ૭૦ લોકો અને ૪૫૯ પશુઓને બચાવી લેવામાં આવ્‍યા છે.રાજયભરમાં રસ્‍તાઓ, પુલો, આંગણવાડી કેન્‍દ્રો અને માછલીના તળાવોને નુકસાન નોંધાયું હતું.

આસામમાં પૂરના કારણે કાઝીરંગા નેશનલ પાર્કમાં અત્‍યાર સુધીમાં છ ગેંડા સહિત ૧૩૧ જંગલી પ્રાણીઓના મોત થયા છે. પાર્ક ઓથોરિટીએ આ જાણકારી આપી. સોનાલી ઘોષે જણાવ્‍યું હતું કે પૂરના પાણીમાં ડૂબી જવાને કારણે છ ગેંડા, ૧૦૦ હોગ ડીયર અને બે સાંબર મૃત્‍યુ પામ્‍યા હતા, જયારે ૧૭ હોગ ડીયર, સ્‍વેમ્‍પ ડીયર, રીસસ મેકાક અને ઓટર (બચ્‍ચા)નું સારવાર દરમિયાન મૃત્‍યુ થયું હતું. રાષ્ટ્રીય ઉદ્યાનમાં પૂરની સ્‍થિતિમાં સુધારો થઈ રહ્યો છે, પરંતુ ૨૩૩માંથી ૬૯ ફોરેસ્‍ટ કેમ્‍પ પાણીમાં ડૂબી ગયા છે. પાર્ક ઓથોરિટીએ જણાવ્‍યું કે, કાઝીરંગા રેન્‍જ હેઠળના ૨૨ ફોરેસ્‍ટ કેમ્‍પ, બગોરી રેન્‍જ હેઠળના ૨૦ કેમ્‍પ, અગરતોલી રેન્‍જમાં ૧૪ કેમ્‍પ, બુરાપહાર, બોકાખાટ અને નાગાંવ વાઈલ્‍ડલાઈફ ડિવિઝનમાં ૪ કેમ્‍પ અને વિશ્વનાથ વાઈલ્‍ડલાઈફ ડિવિઝન હેઠળના એક કેમ્‍પ હાલમાં પાણીમાં ડૂબી ગયા છે . આસામમાં પૂરની સ્‍થિતિ તાજેતરમાં વધુ ખરાબ થઈ છે, છેલ્લા ૨૪ કલાકમાં પૂરને કારણે આઠ લોકોએ જીવ ગુમાવ્‍યા છે, આ વર્ષે કુલ મૃત્‍યુઆંક ૬૬ પર પહોંચી ગયો

(4:19 PM IST)