News of Monday, 8th July 2024
સુપ્રીમ કોર્ટમાં ગંજી પહેરીને આવતા ભડકયાં મહિલા જજ : કહ્યું - ‘આને ઉપાડીને બહાર ફેંકી આવો'..

ᅠ
નવી દિલ્હી, તા.૮: હાઈકોર્ટથી માંડી સુપ્રીમ કોર્ટમાં ઘણીવખત એવા કિસ્સાઓ બન્યા છે, જે જોઈને જજ પર ચોંકી જાય છે. ઘણીવખત જજ અમુક કિસ્સામાં ગુસ્સે પણ થાય છે અને નારાજગી વ્યક્ત કરતાં નિસાસો પણ નાખે છે. આજે સોમવારે જ સુપ્રીમ કોર્ટમાં ફરી આ પ્રકારનો કિસ્સો બનતાં જજ રોષે ભરાયા હતા.
સુપ્રીમ કોર્ટમાં એક શખ્સ બનિયાન પહેરીને કોર્ટની સુનાવણીમાં સામેલ થયો હતો. કોર્ટ સાથે જોડાયેલા મામલા પર રિપોર્ટ આપતી વેબસાઈટ બાર એન્ડ બેન્ચ અનુસાર, સોમવારે કોર્ટ ૧૧માં એક શખ્સ વીડિયો કોન્ફરન્સિંગની મદદથી સામેલ થયો હતો. તેણે વીડિયો કોન્ફરન્સમાં બનિયાન પહેરી રાખી હતી. જેથી જસ્ટિસ બી.વી. નાગરત્ના ભડકી ઉઠ્યા હતા. તેમણે તુરંત પુછયું હતું કે, અંતે આ કોણ છે, જે બનિયાનમાં દેખાઈ રહ્યો છે, બાદમાં જસ્ટિસ દત્તાએ તેને પૂછયું કે, શું તે કોઈ પાર્ટીમાં આવ્યો છે કે પછી આમ જ પહેર્યું છે. અને તુરંત તેને બહાર કરવા, હટાવવાનો આદેશ આપ્યો હતો. તેમણે કોર્ટ માસ્ટરને કહ્યું કે, પ્લીઝ તેને હટાવો.
સુપ્રીમ કોર્ટમાં આ પહેલો મામલો નથી જ્યારે જસ્ટિસે કોઈના કપડાં પર નારાજગી દર્શાવી હોય. અગાઉ પણ વર્ષ ૨૦૨૦માં એક વકીલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શર્ટ વગર કોર્ટમાં સુનાવણીમાં ભાગ લીધો હતો. આ જોઈને જજ ગુસ્સે થઈ ગયા. ત્યારબાદ જસ્ટિસ એલ નાગેશ્વર અને જસ્ટિસ હેમંત ગુપ્તાની બેન્ચે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, આ કેવું વર્તન છે? વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી હાથ ધરાયાને સાતથી આઠ મહિના થઈ ગયા છે, પરંતુ હજુ પણ આવી ઘટનાઓ બની રહી છે. નોંધનીય છે કે વર્ષ ૨૦૨૦માં કોરોના મહામારીના કારણે કોર્ટની કામગીરી પણ પ્રભાવિત થઈ હતી. લાંબા સમય સુધી, ત્યારબાદ માત્ર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી
(4:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
