<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

ઇન્‍ડોનેશિયાના સુલાવેસી ટાપુ પર ગેરકાયદેસર સોનાની ખાણમાં ભૂસ્‍ખલન : ૧ર ના મોત : ૧૮ લાપતા

રસ્‍તા પર કાદવ અને સતત વરસાદના કારણે બચાવ કામગીરીમાં પણ મુશ્‍કેલી

જકાર્તા, તા. ૮ : ઇન્‍ડોનેશિયાના સુલાવેસી ટાપુ પર કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે આજે એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં સુલાવેસી ટાપુ પર મુશળધાર વરસાદને કારણે ગેરકાયદેસર સોનાની ખાણમાં ભૂસ્‍ખલન થયું હતું. જેના કારણે ઓછામાં ઓછા ૧૨ લોકોના મળત્‍યુ થયા છે. જ્‍યારે ૧૮ લોકોનો હજુ સુધી કોઈ પતો નથી.

સ્‍થાનિક બચાવ એજન્‍સી બાસરનાસના વડા હેરિયાન્‍ટોએ જણાવ્‍યું હતું કે ગઈકાલે રવિવારે સવારે ગોરોન્‍ટાલો પ્રાંતના સુમાવા જિલ્લામાં થયેલ ભૂસ્‍ખલનમાં માટી નીચે દટાયેલા પાંચ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્‍યા હતા. જોકે રેસ્‍કયુ ટીમ હજુ ગુમ થયેલા ૧૮ લોકોને શોધી રહી છે.

હેરિયાન્‍ટોએ જણાવ્‍યું હતું કે, ગુમ થયેલા લોકોને શોધવા માટે અમે રાષ્‍ટ્રીય બચાવ દળ, પોલીસ અને લશ્‍કરી કર્મચારીઓ સહિત ૧૬૪ જવાનોને તૈનાત કર્યા છે. તે જ સમયે, બચાવકર્મીઓએ ભૂસ્‍ખલન સ્‍થળ સુધી પહોંચવા માટે લગભગ ૨૦ કિલોમીટર એટલે કે ૧૨.૪૩ માઈલનું અંતર કાપવું પડશે. અહીં રસ્‍તા પર કાદવ અને સતત વરસાદના કારણે બચાવ કામગીરીમાં મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

(5:03 PM IST)