<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

કઠુઆમાં સેનાના વાહન પર હુમલો : આતંકીઓએ ફેંક્યો ગ્રેનેડ:સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું

કઠુઆમાં સેનાના એક વાહન પર આતંકી હુમલામાં બે જવાન ઘાયલ

જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના બિલવાર વિસ્તારમાં આતંકવાદીઓએ સેનાના વાહન પર હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ પહાડીની ટોચ પરથી સેનાના વાહન પર ગોળીબાર કર્યો અને ગ્રેનેડ ફેંક્યા. આ હુમલામાં સેનાના બે જવાન ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

   આ વિસ્તાર ભારતીય સેનાની 9મી કોર્પ્સ હેઠળ આવે છે. આતંકીઓના ગોળીબાર બાદ સેનાના જવાનો દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. 

   એક  દિવસ પહેલા રવિવારે પણ આતંકવાદીઓએ રાજૌરીમાં આર્મી કેમ્પ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન એક જવાન ઘાયલ થયો હતો. સેનાએ જવાબી કાર્યવાહી શરૂ કરી તો આતંકીઓ અંધારાનો ફાયદો ઉઠાવીને સ્થળ પરથી ભાગી ગયા. નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં ઘાટીમાં અશાંતિ વધી છે. આતંકવાદીઓ સતત સક્રિય થઈ રહ્યા છે અને સુરક્ષા દળોને પડકાર આપી રહ્યા છે. સેના પણ તેમને જડબાતોડ જવાબ આપી રહી છે.

 બે મહિનામાં સેનાના વાહન પર આ બીજો આતંકવાદી હુમલો છે. આ પહેલા 4 મેના રોજ પૂંચના શાહસિતાર વિસ્તારમાં એરફોર્સના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં કોર્પોરલ વિકી પહાડે શહીદ થયા હતા અને ચાર જવાનો ઘાયલ થયા હતા.

(6:18 PM IST)