તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 10th July 2024
અડધી રાત્રે ગર્લફ્રેન્ડનો દરવાજો ખટખટાવ્યો: BMW હિટ એન્ડ રન કેસમાં પોલીસ મિહિર સુધી કેવી રીતે પહોંચી?
અકસ્માત આચર્યા બાદ મિહિર તેની ગર્લફ્રેન્ડ ના ઘરે પહોંચી ગયો :પોલીસે મિહિરની માતા અને બે બહેનોને પણ કસ્ટડીમાં લીધા

મુંબઈ. વર્લી BMW હિટ એન્ડ રન કેસમાં આરોપી શિવસેના નેતાનો પુત્ર મિહિર શાહ હાલમાં મુંબઈ પોલીસની કસ્ટડીમાં છે. જોકે, તેની ધરપકડ પોલીસ માટે એટલી સરળ ન હતી. આ અમીર સુધી પહોંચવા માટે પોલીસને ઘણી જહેમત ઉઠાવી પડી હતી ,ત્રણ દિવસની મહેનત બાદ પોલીસ આરોપી સુધી પહોંચી. આ દરમિયાન તેની ગર્લફ્રેન્ડ, માતા અને બહેનો પણ રડાર હેઠળ રહી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વર્લી BMW હિટ એન્ડ રન કેસ બાદ મિહિર અને તેની માતા અને બહેનોના મોબાઈલ ફોન બંધ થવા લાગ્યા હતા. દરમિયાન, પોલીસની ટીમો દરેક ચાવી શોધી રહી હતી જેનાથી આરોપીને શોધી શકાય. પરિવારની કારના નંબરના આધારે પોલીસ તેમને શોધી રહી હતી.
આ દરમિયાન મિહિરના નજીકના મિત્રનો ફોન નંબર પણ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો હતો. પોલીસને જાણવા મળ્યું કે મિહિર, તેની માતા, બે બહેનો અને એક મિત્ર શાહપુરના એક રિસોર્ટમાં રોકાયા હતા પરંતુ ગઈકાલે રાત્રે મિહિર પરિવારથી અલગ થઈને વિરાર આવી ગયો હતો.
આજે સવારે તેણે તેના મિત્રનો ફોન 15 મિનિટ માટે સ્વિચ ઓન કરતાની સાથે જ પોલીસને તેનું લોકેશન મળ્યું અને પછી પોલીસે મિહિરની ધરપકડ કરી.
પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ મિહિર શાહ બાંદ્રાના કલાનગર પાસે BMW છોડીને ગોરેગાંવમાં તેની ગર્લફ્રેન્ડના ઘરે ગયો હતો. આખી હકીકત જાણ્યા બાદ પ્રેમિકાએ મિહિરની બહેનને ફોન કરીને સમગ્ર ઘટના વિશે જણાવ્યું. જે બાદ બહેન ગોરેગાંવ આવી અને મિહિરને બોરીવલી ઘરે લઈ ગઈ. ત્યાંથી તે તેના સમગ્ર પરિવાર અને મિત્ર સાથે શાહપુર ભાગી ગયો હતો. ત્યાં એક રિસોર્ટમાં રોકાયો. પોલીસે હવે મિહિરની માતા મીના, બહેનો પૂજા અને કિંજલ અને મિત્ર અવદીપની અટકાયત કરી છે.
(12:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
