<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

લખનઉ-આગ્રા એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત :ડબલ ડેકર બસ કન્ટેનર સાથે અથડાતા 18 લોકોના મોત: 19 ઘાયલ

બસ બિહારના સીતામઢીથી દિલ્હી જઈ રહી હતી : બેહટા મુજાવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડબલ ડેકર બસ અને દૂધના કન્ટેનર વચ્ચે જોરદાર ટક્કર

યુપીના ઉન્નાવમાં એક મોટો દુર્ઘટના સર્જાઇ છે. લખનઉ-આગ્રા એક્સપ્રેસ વે પર બેહટા મુજાવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડબલ ડેકર બસ અને દૂધના કન્ટેનર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 18 મુસાફરોના મૃત્યુ નીપજ્યા છે, જ્યારે 19 જેટલા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. મૃતકોમાં 14 મહિલાઓ, 3 પુરૂષો અને એક બાળકનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ, આ બસ બિહારના સીતામઢીથી દિલ્હી જઈ રહી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 

  આ ઘટનાની માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે, બિહારથી દિલ્હી જઈ રહેલી ડબલ ડેકર બસ બેહટા મુજાવર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર સવારે લગભગ 5:15 વાગ્યે એક દૂધના ટેન્કર સાથે અથડાતા 18 લોકોના મૃત્યુ થયા હતા. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, તમામ ઘાયલોને બહાર કાઢીને સીએચસી બાંગરમાઉમાં સારવાર માટે દાખલ કર્યા. બેહટા મુજાવર પોલીસે જણાવ્યું કે મૃતદેહોનો કબજો મેળવી જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

  ઘટના અંગે માહિતી આપતા ઉન્નાવના ડીએમ ગૌરાંગ રાઠીએ જણાવ્યું હતું કે, “આજે સવારે લગભગ 05.15 વાગ્યે બિહારના મોતિહારીથી આવી રહેલી એક ખાનગી બસ દૂધના ટેન્કર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 18 લોકોના મૃત્યુ થયા છે અને 19 લોકો ઘાયલ થયા છે. પ્રાથમિક તપાસમાં એવું લાગે છે કે, બસની સ્પીડ ઘણી વધારે હતી અને ઘાયલોની સારવાર ચાલી રહી છે.”

(11:25 AM IST)