News of Wednesday, 10th July 2024
દેશના ૭૭% લોકો લોકતાંત્રિક વ્યવસ્થાથી સંતુષ્ઠ
ન બંધારણ ખતરામાં કે ન લોકતંત્ર ખતરામાં : પ્યુ રિસર્ચ સેન્ટરનો રિપોર્ટ : બ્રિટન - ઓસ્ટ્રેલિયા - અમેરિકાની સ્થિતિ ખરાબ : સાઉથ અમેરિકાના દેશોની સ્થિતિ બદતર

નવી દિલ્હી તા. ૧૦ : ભારતને લોકશાહી શીખવવા માંગતા લોકોએ પ્યુ રિસર્ચ સેન્ટરનો લેટેસ્ટ રિપોર્ટ જોવો જોઈએ. અમેરિકન થિંક ટેન્કે વિશ્વના ૩૧ શક્તિશાળી દેશોમાં એક સર્વે કર્યો કે ત્યાંના લોકો લોકશાહીથી સંતુષ્ટ છે કે નહીં. સર્વેમાં ભારત બીજા સ્થાને છે. ૭૭% ભારતીયોએ કહ્યું કે તેઓ અહીંની લોકતાંત્રિક વ્યવસ્થાથી સંતુષ્ટ છે. રસપ્રદ વાત એ છે કે ભારતની લોકશાહી પર વારંવાર સવાલ ઉઠાવતા અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોની હાલત ખરાબ છે. તેમની અડધાથી વધુ વસ્તી લોકશાહીથી નાખુશ છે.
વિશ્વની સૌથી જૂની લોકશાહી કહેવાતા અમેરિકાની માત્ર ચોથા ભાગની વસ્તી ત્યાંની લોકશાહી વ્યવસ્થાથી ખુશ છે. ૩૧% અમેરિકન નાગરિકો લોકશાહીથી સંતુષ્ટ છે જયારે ૬૮% અસંતુષ્ટ છે. તેવી જ રીતે, ૫૨% કેનેડિયન લોકશાહીથી સંતુષ્ટ છે જયારે ૪૬% અસંતુષ્ટ છે. ઉત્તર અમેરિકાના દેશ મેક્સિકોની માત્ર અડધી વસ્તી તેની લોકશાહીથી ખુશ છે. સૌથી ખરાબ હાલત દક્ષિણ અમેરિકાના દેશોની છે.
પેરૂ એક એવો દેશ છે જયાં માત્ર ૧૧ ટકા લોકો લોકશાહીથી ખુશ છે, જયારે ૮૯ ટકા લોકોએ નાખુશી વ્યક્ત કરી છે. કોલંબિયાના ૨૧% લોકો સંતુષ્ટ છે અને ૭૭% અસંતુષ્ટ છે. તેવી જ રીતે, ચિલીમાં, ૩૦% લોકો સંતુષ્ટ છે અને ૬૬% અસંતુષ્ટ છે. બ્રાઝિલ અને આર્જેન્ટિનામાં ૫૪% લોકો ત્યાંની લોકશાહીથી અસંતુષ્ટ છે.
યુરોપની સ્થિતિ પણ બહુ સારી નથી. નોર્ડિક દેશો સિવાય મોટાભાગના યુરોપિયન દેશોના લોકો ત્યાંની લોકશાહીથી અસંતુષ્ટ છે. ઉદાહરણ તરીકે, બ્રિટનની ૬૦% વસ્તી ત્યાંની લોકશાહીથી અસંતુષ્ટ છે. એ જ રીતે, ફ્રાંસના ૬૫%, ઇટાલીના ૬૭%, સ્પેનના ૬૮% અને ગ્રીસના ૭૮% લોકો લોકશાહીથી અસંતુષ્ટ છે. યુરોપમાં સ્વીડન એકમાત્ર એવો દેશ છે જયાં ૭૫ ટકા લોકો ત્યાંની લોકશાહીથી ખુશ છે. એ જ રીતે નેધરલેન્ડના ૫૮% લોકો અને જર્મનીના ૫૫% લોકો ત્યાંની લોકશાહીથી સંતુષ્ટ છે.
એશિયાની વાત કરીએ તો સિંગાપોર એવો દેશ છે જયાં મોટાભાગના લોકો લોકશાહીથી સંતુષ્ટ છે. ૮૦% લોકોએ ત્યાંની લોકશાહી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો છે, જયારે ૧૯% લોકો અસંતુષ્ટ છે. ભારત વિશ્વની સાથે સાથે એશિયામાં પણ બીજા ક્રમે છે. ૭૭% નાગરિકોએ લોકશાહી પ્રણાલીથી સંતોષ વ્યક્ત કર્યો છે, જયારે ૨૦% નાખુશ છે. એ જ રીતે થાઈલેન્ડના ૬૪%, ફિલિપાઈન્સના ૫૭%, મલેશિયાના ૫૧% લોકો લોકશાહીથી સંતુષ્ટ છે.
એશિયામાં શ્રીલંકા, દક્ષિણ કોરિયા અને જાપાનની હાલત સૌથી ખરાબ છે. શ્રીલંકાના ૫૮% લોકો ત્યાંની લોકશાહીથી અસંતુષ્ટ છે. તો દક્ષિણ કોરિયાની ૬૩% અને જાપાનની ૬૭% વસ્તી લોકશાહીથી નાખુશ છે.
પ્યુ રિસર્ચ સેન્ટરના જણાવ્યા અનુસાર, મોટાભાગના ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં કોરોના પછી સ્થિતિ વધુ ખરાબ થઈ છે. લોકોનો રોષ વધ્યો છે. ઉદાહરણ તરીકે, કોરોના પહેલા, જયાં બ્રિટનની ૬૦% વસ્તી લોકશાહીથી સંતુષ્ટ હતી, હવે તે માત્ર ૩૯% છે. ૨૦૨૧માં કેનેડાની ૬૬% વસ્તી લોકશાહીથી ખુશ હતી, હવે આ સંખ્યા ઘટીને ૫૨% થઈ ગઈ છે. જર્મનીની સંખ્યા પણ ૬૬થી ઘટીને ૫૫ ટકા, અમેરિકાની સંખ્યા ૪૧થી ૩૦ ટકા થઈ ગઈ છે.
(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
