News of Saturday, 13th July 2024
મારી પાસે ઝેર પીવાના પણ પૈસા નથી
તરછોડાયેલા ૯૪ વર્ષના પિતાએ દીકરા અને વહુ સામે ફરિયાદ કરીને આવું કહેતાં ઉત્તરપ્રદેશ પોલીસ પણ ચકિત થઈ ગઈ

મેરઠ, તા.૧૩: ઉત્તર પ્રદેશના મેરઠ શહેરમાં ૯૪ વર્ષના આબિદ હુસૈને તેના પુત્ર અને વહુ સામે કૌટુંબિક વિશ્વાસઘાત અને કથિત દુર્વ્યવહારની ફરિયાદ કરતાં પોલીસ ચકિત થઈ હતી અને આ કેસમાં સિનિયર સિટિઝનને ન્યાય અપાવવામાં આવશે એવી ખાતરી આપી હતી. સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (SSP) વિપિન ટાડાની ઑફિસમાં નબળા અને ધ્રૂજતા હાથે પહોંચેલા આબિદ હુસૈને સ્વલિખિત પત્રમાં પુત્ર અને વહુ સામે ફરિયાદ લખીને આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘પુત્ર અને પુત્રવધૂ મારી સંભાળ રાખતાં નથી, મારી સંપત્તિ જપ્ત કરવા તેમણે મારા પર હુમલો કર્યો હતો. મારી પાસેથી ચાર લાખ રૂપિયાની મારી બચત પણ આંચકી લેવામાં આવી છે અને દિલ્હીમાં રહેલી મારી સંપત્તિની ભાડાની ૩૩ લાખ રૂપિયાની આવક પણ તેમણે પચાવી પાડી છે. મારી પાસે ઝેર પીવા માટે પણ પૈસા નથી.' SSPએ આબિદ હુસૈનને ખાતરી આપી હતી કે તેમને ન્યાય મળશે અને સ્થાનિક પોલીસને આ બાબતે તપાસ કરવાનું કહેવામાં આવશે.
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
