<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

વર્ષ ૨૦૨૫ સહકાર વર્ષ : દિલ્‍હીમાં આંતરરાષ્‍ટ્રીય સહકાર પરિષદ

અમેરિકા જઇ સહકારી આગેવાનોને ૨૫, ૨૬, ૨૭ નવેમ્‍બરના નવી દિલ્‍હીના કાર્યક્રમનું નિમંત્રણ પાઠવતા દિલીપ સંઘાણી : જુદા જુદા રાષ્‍ટ્રોના ૫૦૦૦ પ્રતિનિધિઓ આવશે : સહકારી પ્રવૃત્તિથી સૌના વિકાસનો ઉદ્દેશ્‍ય : યુનો.ની ઓફિસમાં ઇફકોના ચેરમેનનું પ્રભાવક પ્રવચન : દિલીપ સંઘાણી અને શ્રીમતી ગીતાબેન સંઘાણીએ ન્‍યુયોર્કમાં સહકારી ક્ષેત્રના મહત્‍વના કાર્યક્રમમાં હાજરી આપી : ભારતમાં પ્રથમ વખત યોજાનાર આંતરરાષ્‍ટ્રીય સહકાર સેમીનારમાં ઇન્‍ટરનેશનલ કો-ઓપરેટીવ એલાયન્‍સ આયોજક : ઇફકો મુખ્‍ય સહયોગી

અમેરિકાના પ્રવાસે ગયેલા સંઘાણી પરિવારની તસ્‍વીર. શ્રી દિલીપ સંઘાણી અને શ્રીમતી ગીતાબેન સંઘાણી તથા મનીષ, ધારાબેન વગેરે નજરે પડે છે. સહકારી કાર્યક્રમમાં શ્રી સંઘાણી રાષ્‍ટ્રના ટોચના સહકારી અગ્રણીઓ સાથે ઉપસ્‍થિત છે.

રાજકોટ તા. ૧૩ : ભારતમાં પ્રથમ વખત ઇન્‍ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્‍સ દ્વારા નવી દિલ્‍હી ખાતે નવેમ્‍બરમાં યોજાનાર આંતરરાષ્‍ટ્રીય કક્ષાના સહકાર સેમીનાર (પરિષદ)ની પૂર્વ તૈયારીના ભાગરૂપે ઇફકોના ચેરમેન અને ગુજરાતના પૂર્વ સહકાર મંત્રી શ્રી દિલીપ સંઘાણી સજોડે અમેરિકા ગયા છે. તેમની સાથે તેમના જીવનસંગીની શ્રીમતી ગીતાબેન સંઘાણી પણ જોડાયા છે. તેમને ગુજરાત મહિલા ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના અધ્‍યક્ષાના હોદ્દાની રૂએ કાર્યક્રમનું આમંત્રણ મળેલ. શ્રી સંઘાણીએ ન્‍યૂયોર્કની યુનો ઓફિસમાં યોજાયેલ શાનદાર કાર્યક્રમમાં પ્રભાવશાળી પ્રવચન આપી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વમાં સહકારથી સમૃધ્‍ધી સૂત્ર સાથે થઇ રહેલ વિકાસની ભારતની ગૌરવ ગાથાની ઝલક આપેલ તેમજ સહકારી ક્ષેત્રના માધ્‍યમથી વિશ્વ કલ્‍યાણની મનોકામના વ્‍યક્‍ત કરી હતી.

શ્રી દિલીપ સંઘાણીએ ન્‍યુયોર્કથી અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે ભારતમાં પ્રથમ વખત ઇન્‍ટરનેશનલ કો. ઓપરેટિવ એલાયન્‍સ દ્વારા ૨૫ થી ૨૭ નવેમ્‍બર ૨૦૨૪ સુધી ભારત મંડપમ નવી દિલ્‍હી ખાતે આંતરરાષ્‍ટ્રીય કક્ષાનો સહકાર સેમીનાર યોજનાર છે. જેનો હેતુ સહકારી ક્ષેત્રના અને સહકારી પ્રવળત્તિના માધ્‍યમથી વિશ્વભરના લોકોના વિકાસનો છે .દેશમાં આ પ્રકારનો સેમિનાર પ્રથમ વખત યોજાઇ રહ્યો છે. જેમાં ભારતના સહકારી આગેવાનો ઉપરાંત વિશ્વભરના ૫૦૦૦ જેટલા સહકારી પ્રતિનિધિઓ ભાગ લેશે. ત્રણ દિવસ જુદા જુદા વિષયો પર સહકારી તજજ્ઞ માર્ગદર્શન આપશે. આયોજનમાં ઇન્‍ડિયન ફાર્મસ ફર્ટિલાઇઝર કો ઓપરેટિવ લિમિટેડ ઇફકો મુખ્‍ય સહયોગી છે મેં ન્‍યૂયોર્કમાં આ કાર્યક્રમનું આમંત્રણ આપેલ તેનો સહકારી ક્ષેત્રના ધૂરંધરો દ્વારા ઉત્‍સાહવર્ધક પ્રતિસાદ મળેલ .દુનિયામાં સહકારી ક્ષેત્રે ૨૦૨૫ નું વર્ષ સહકાર વર્ષ તરીકે ઉજવવાનું નક્કી થયું છે.

આંતરરાષ્‍ટ્રીય સેમિનારમાં સહકારી ક્ષેત્રના વિકાસ માટે માર્ગદર્શક તારણો નીકળશે. ઉપરાંત આ પ્રવળત્તિને વધુ વેગ આપવા ભાવિ કાર્યક્રમની ચર્ચા થશે. ૧૦૦ જેટલા દેશના સહકારી ક્ષેત્રના ટોચના આગેવાનો ભાગ લે તેવી સંભાવના છે. આયોજનની તૈયારી શરૂ થઈ ચૂકી છે. કાર્યક્રમ ૨૦૨૪ ગ્‍લોબલ કોન્‍ફરન્‍સ એન્‍ડ જનરલ એસેમ્‍બલી તરીકે ઓળખાશે.

(10:52 AM IST)