<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

આખી સદી દરમિયાન ભારત રહેશે સૌથી વધુ વસ્‍તીવાળો દેશ

ભારતીયોનું સરેરાશ આયુષ્‍ય ૨૧૦૦ સુધીમાં થશે ૮૩.૩ વર્ષ : અત્‍યારે સરેરાશ આયુષ્‍ય છે ૭૨.૨ વર્ષ

નવી દિલ્‍હી તા. ૧૩ : સંયુકત રાષ્‍ટ્રનું અનુમાન છે કે, ૨૦૬૦ના દાયકાની શરૂઆતમાં ભારતની વસ્‍તી ૧.૭ અબજ પર પહોંચી શકે છે. ત્‍યાર પછી તેમાં ૧૨ ટકા ઘટાડો આવશે. તેમ છતાં ભારત આખી સદી દરમિયાન વિશ્વમાં સૌથી વધારે વસ્‍તીવાળો દેશ રહેશે.

વિશ્વ વસ્‍તી દિવસ પર સંયુકત રાષ્‍ટ્રના આર્થિક અને સામાજીક બાબતોના વિભાગ (ડીઇએસએ) તરફથી જાહેર કરાયેલ રિપોર્ટ અનુસાર, આગામી ૫૦-૬૦ વર્ષમાં વિશ્વની વસ્‍તી પણ વધવાની આશા છે.

રિપોર્ટમાં અનુમાન કરાયું છે કે, ભારતીયોનું સરેરાશ આયુષ્‍ય વર્તમાન ૭૨.૨૪ વર્ષથી વધીને ૨૧૦૦ની સાલ સુધીમાં ૮૩.૩ વર્ષ થઇ જશે.

રિપોર્ટ અનુસાર ૨૦૮૦ સુધીમાં વિશ્વમાં ૬૫ વર્ષ અથવા તેનાથી વધારે વયના લોકોની સંખ્‍યા ૧૮ વર્ષથી ઓછી વયના બાળકો કરતા વધારે હશે. ૨૦૭૦ના દાયકાના અંત સુધીમાં ૬૫ વર્ષ અને તેનાથી વધારે વયના લોકોની વૈશ્વિક વસ્‍તી ૨.૨ અબજ પહોંચવાનો અંદાજ છે. અત્‍યારે વૈશ્વિક પ્રજનન દર પ્રતિ મહિલા ૨.૩ છે, જે ૧૯૯૦ના પ્રજનન દર ૩.૩થી ઓછો છે.

(3:36 PM IST)