<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th July 2024

ઉત્તર ભારત સહિત દેશમાં ભારે વરસાદની આગાહી, દિલ્હીમાં ઓરેન્જ તો મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર

નવી દિલ્‍હીઃ ભારતના મોટાભાગના રાજ્યોમાં આ દિવસોમાં વરસાદ પડી રહ્યો છે અને દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. ખાસ કરીને હિમાચલ પ્રદેશના ભાગોમાં વરસાદ ચાલુ હોવાથી રાજ્યમાં 15 રસ્તાઓ બંધ છે. એવામાં IMD એ ઘણી જગ્યા માટે 'રેડ એલર્ટ' જારી કર્યું છે અને આજે ભારે વરસાદની ચેતવણી આપી છે.

સાથે જ દિલ્હીમાં ભેજવાળી ગરમી લોકોને ઘણી પરેશાન કરી રહી હતી, પરંતુ શનિવારે વરસાદ બાદ લોકોને ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી-NCRમાં આજે પણ ચોમાસાનો વરસાદ ચાલુ રહેશે. આ સાથે જ આજે એટલે કે 14 જુલાઈએ હવામાન વિભાગે છત્તીસગઢ, ઓડિશા, ગુજરાત, કેરળ, કર્ણાટક, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ગોવા અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.

IMD એ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં 14 જુલાઈએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. સાથે જ આજે થાણે જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ અને મુંબઈ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

એ તો જાણીતું જ છે કે ચોમાસાના વરસાદને કારણે સમગ્ર ઉત્તર પ્રદેશમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વીજળી પડવાથી અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઘણા વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદની સંભાવના છે. આ સાથે કેટલીક જગ્યાએ વીજળી પડવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ રાજસ્થાનમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ સ્થળોએ આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે.

(12:14 PM IST)