News of Sunday, 14th July 2024
હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ પ્રતિક્રિયા :સોશિયલ મીડિયા પર પોસ્ટ : જાણો હુમલા વિશે તેમણે શું કહ્યું ?
ઈજાગ્રસ્ત થયા પછી ટ્રમ્પને હોસ્પિટલમાં દાખલ કરાયા .આ દરમિયાન તેમની પહેલી પ્રતિક્રિયા પણ સામે આવી

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર રવિવારે એક ચૂંટણી રેલીમાં તેના પર જાનલેવા હુમલો કરવામાં આવ્યો હતો. ટ્રમ્પ પેન્સિલવેનિયામાં રેલીને સંબોધિત કરી રહ્યા હતા તે દરમિયાન હુમલાખોરે તેમના પર ફાયરિંગ કર્યું હતું. તેમાં ટ્રમ્પ ઇજાગ્રસ્ત થયા હતા. સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં જોઇ શકાય છે કે ટ્રમ્પના કાનમાંથી લોહી વહી રહ્યું છે.
જ્યારે ટ્રમ્પ પર ગોળીબાર થયો ત્યારે તેઓ મંચની નીચે બેસી ગયા હતા અને તેમનો હાથ કાન પર જોવા મળ્યો હતો. આ પછી, રેલીમાં હાજર તમામ લોકો ચીસો પાડવા લાગ્યા હતા. અને લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. આ પછી તરત જ અમેરિકન સિક્રેટ સર્વિસના એજન્ટોએ ટ્રમ્પને સુરક્ષિત રીતે ઘેરો બનાવીને સલામત સ્થળ પર લઈ ગયા હતા.
ઈજાગ્રસ્ત થયા પછી ટ્રમ્પને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમની પહેલી પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, "હું પેન્સિલવેનિયાના બટલરમાં થયેલા ગોળીબારમાં જલદી પ્રતિક્રિયા આપવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ સિક્રેટ સર્વિસ અને તમામ લો અમલીકરણ એજન્સીઓનો આભાર વ્યક્ત કરુ છું. રેલીમાં માર્યા ગયેલા વ્યક્તિના પરિવાર પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું. આપણા દેશમાં આવું કૃત્ય થઈ શકે તે અવિશ્વસનીય છે. હુમલાખોર વિશે અત્યારે કંઈ જાણી શકાયું નથી, તે માર્યો ગયો છે."
ટ્રમ્પે આ ઘટના વિશે વધુમાં જણાવ્યું હતું કે, "મને એક ગોળી વાગી હતી જે મારા જમણા કાનની ઉપર વાગી હતી. મને તરત જ ખબર પડી ગઈ હતી કે કંઈક ગરબડ થઈ છે, મેં જોરદાર અવાજ સાંભળ્યો, ગોળી આવી અને મને તરત જ ખ્યાલ આવી ગયો કે ગોળી મારી ત્વચાને અડકીને નીકળી ગઇ છે. ખૂબ જ લોહી વહી રહ્યું હતું, ત્યારે મને થયું કે આ શું થઇ રહ્યું છે. ભગવાન અમેરિકાનું ભલું કરે."

(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
