<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

દેશમાં સોનાનો ભાવ એકસરખો રાખવા તૈયારી

વન નેશન વન રેટ હેઠળ ભાવ નક્કી કરવામાં આવે તેવી કેન્‍દ્ર સરકાર સમક્ષ કરવામાં આવેલી માંગણી : કસ્‍ટમ ડયુટી, એગ્રિકલ્‍ચર સેસ ઉપરાંત કમિશનનો ભાવ અલગ હોવાથી દરમાં જોવા મળતો તફાવત

નવી દિલ્‍હી,તા. ૧૭: સમગ્ર દેશમાં સોનાના ભાવમાં તફાવત જોવા મળતો હોય છે. તે તફાવત દૂર કરીને એકસરખો ભાવ સોના- ચાંદીનો હોય તે માટેની કવાયત કેન્‍દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. તેમજ આગામી કેન્‍દ્રીય બજેટમાં તેની જાહેરાત કરવામાં આવે તેવી પણ શક્‍યતા રહેલી છે. આ માટે દેશભરના જવેલર્સ સાથે બેઠક કરીને તે બાબતે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી રહી છે. તેના કારણે સોના-ચાંદીના ભાવ વન નેશન વન રેટ હેઠળ એક સરખા જ રહે તેવી જાહેરાત કરવામાં આવે તેવી પણ સંભાવનાઓ રહેલી છે.

સોના પર હાલમાં ૧૨.૫૦ ટકા કસ્‍ટમ ડ્‍યૂટી અને ૨.૫૦ ટકા એગ્રીકલ્‍ચર સેસ હોવાના લીધે ૧૫ ટકા ટેક્‍સ વસૂલ કરવામાં આવે છે. આ ઉપરાંત રાજયના જવેલર્સ અને બુલિયનના કમિશન અલગ અલગ હોવાના લીધે દેશના તમામ રાજયમાં સોના-ચાંદીના ભાવમાં તફાવત જોવા મળતો હોય છે. આ તફાવત દૂર કરવા માટે છેલ્લા કેટલાય સમયથી જવેલર્સ દ્વારા માંગણી કરવામાં આવી રહી હતી. તે માંગણીના અનુસંધાને આગામી દિવસોમાં રજૂ કરવામાં આવનાર કેન્‍દ્રીય બજેટમાં વન નેશન વન રેટ હેઠળ સોના- ચાંદીના ભાવ સમગ દેશમાં એકસમાન રહે તેવી જાહેરાત કરવામાં આવે તેવી શક્‍યતા જાણકારોએ વ્‍યક્‍ત કરી છે. સોના- ચાંદીના ભાવમાં તફાવત હોવાના કારણે જવેલર્સ દ્વારા જયારે દાગીના તૈયાર કરીને વેચવામાં આવે ત્‍યારે રાજય પ્રમાણે ભાવમાં તફાવત જોવા મળતો હોય છે. આ તફાવતને કારણે તેઓના વેપાર પર પણ સીધી અસર જોવા મળતી હોય છે. તેમાં પણ મોટા જવેલર્સને ત્‍યાં પણ ભાવમાં ખાસ્‍સો તફાવત હોવાના લીધે મોટાભાગના લોકો નાના જવેલર્સના બદલે મોટા જવેલર્સને ત્‍યાંથી જ ખરીદી કરતા હોય છે. આ તમામના ભાવ સરખા કરી દેવામાં આવે તો વેપાર પર અસર ઓછી પડે તેવી શક્‍યતા હોવાના લીધે ભાવ એકસરખા કરવા માટેની માંગણી કરવામાં આવી રહી છે. (૨૨.૭)

મજૂરીના દરમાં પણ જોવા મળતો ખાસ્‍સો તફાવત

જવેલર્સ દ્વારા જયારે દાગીનાનું વેચાણ કરવામાં આવે ત્‍યારે મોટાભાગે ૧૮, ૨૦ અને ૨૨ કેરેટના જ દાગીનાનું વેચાણ થતું હોય છે. તેમાં પણ દાગીનાની ડિઝાઇન પ્રમાણે તેના મજૂરીના દર નક્કી કરવામાં આવતા હોય છે. તે મજૂરીના દરમાં પણ જવેલર્સની ડિઝાઇન પ્રમાણે તફાવત જોવા મળતો હોય છે. ત્‍યારબાદ ગ્રાહકો સાથેના સંબંધોના આધારે તેમાં વધારો ઘટાડો કરી આપવામાં આવતો હોય છે. હકીકતમાં જવેલર્સને મજૂરીના દર અને સોનાના ભાવમાં તફાવતની જ રકમમાંથી કમાણી થતી હોવાનું જાણકારો કહી રહ્યા છે.

સોનાનો ભાવ નક્કી કરવાની આ છે રીત

સોનાના ભાવ મલ્‍ટિ કોમોડીટી એક્‍સચેન્‍જ (એમસીએક્‍સ)માં જે ભાવ ખુલે તેના આધારે સોનાના માંગ તેની સામે કેટલું સોનું આવ્‍યું છે. વૈશ્વિક માર્કેટ અને ફુગાવા સહિતની બાબતોને ધ્‍યાને રાખીને ભાવ નક્કી કરવામાં આવતો હોય છે. જયારે જે તે રાજયના જવેલર્સના કમિશનરના દર નક્કી કરીને જે તે શહેરમાં ભાવ બહાર પાડવામાં આવતા હોય છે. તેના લીધે સોનાના ભાવમાં રાજયના મોટા શહેરોમાં પણ તફાવત જોવા મળતો હોય છે. તેના લીધે જ જયારે ગ્રાહક સોનાની ખરીદી કરવા જાય ત્‍યારે એક જ રાજયના અલગ અલગ શહેરોમાં અલગ અલગ ભાવ હોવાની પણ શક્‍યતા રહેલી છે.

(9:41 AM IST)