<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

કવિના ઘરે ચોરી કર્યા બાદ ચોરને થયો અફસોસઃ ચિઠ્ઠી લખીને માંગી માફી

ચોરી કરેલી વસ્‍તુઓ કવિના ઘરે પાછી મૂકી ગયો હતોઃ સાથોસાથ ચિઠ્ઠી લખીને માફી માંગી હતી

મુંબઇ,તા. ૧૭: ચોરીના કિસ્‍સાઓ અવારનવાર છાપા અને ટીવીમાં જોવા મળતા હોય છે. જેમાં સામાન્‍ય રીતે ચોરી થયા બાદ ચોર કે ચોરી કરેલો સામાન મળતો નથી. પરંતુ આજે અમે એક ચોરીનો અનોખો કિસ્‍સો જણાવવા જઈ રહ્યા છે. જેમાં ચોરે ચોરી કર્યા બાદ ચિઠ્ઠી લખીને માફી માંગી છે.

૨૬ જૂને કર્જતના નેરલના ગંગાનગરના એક ઘરમાં ચોરી થઈ હતી. ચોરને ઘરમાં સોનું મળ્‍યું ન હતું અને તાંબાના વાસણો, ટીવી અને અન્‍ય વસ્‍તુઓ વેરવિખેર પડી હતી. ચોર બીજે દિવસે કંઈક બીજી વસ્‍તુ મળવાની આશાએ પાછા ચોરી કરવા આવ્‍યો હતો. પરંતુ તેણે ઘરની દિવાલ પર વરિષ્ઠ કવિ નારાયણ સુર્વેનો ફોટો જોયો હતો.

કવિ નારાયણ સુર્વેનો ફોટો જોઈને ચોર સ્‍તબ્‍ધ થઈ ગયો હતો. ચોર કંઈપણ શોધ્‍યા વિના ઘરની બહાર નીકળી ગયો અને ત્રીજા દિવસે ફરીથી ચોરીનો સામાન લઈને આવ્‍યો અને ચોર ઈમોશનલ થઈ ગયો હતો. સાથોસાથ તેણે દિવાલ પર એક ચિઠ્ઠી લખી હતી.

ચોરે ચિઠ્ઠીમાં લખ્‍યું હતું કે, તેને ખબર ન હતી કે આ ઘર નારાયણ સુર્વેનું છે. જો મને ખબર હોત તો હું ચોરી ન કરી હોત. માફ કરશો, મેં ચોરી કરેલી વસ્‍તુઓ હું પાછી લાવીશ. ટીવી પાછું લાવ્‍યો છું, એમ લખીને ચોર ચાલ્‍યો ગયો હતો.

થોડા દિવસો પછી, વિરારમાં તેમના પુત્રને મળવા ગયેલા નારાયણ સુર્વેના સંબંધીઓ ઘરે આવ્‍યા હતા. ત્‍યારે તેઓને જાણવા મળ્‍યું કે, નેરલ પોલીસ સ્‍ટેશનના ઇન્‍સ્‍પેક્‍ટર ધવલેએ આ અંગે ફરિયાદ નોંધી છે. સીસીટીવી અને અન્‍ય માહિતીના આધારે ટૂંક સમયમાં જ ચોરોની ધરપકડ કરવામાં આવશે.

(9:43 AM IST)