<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

સલમાન ખાનને શંકરાચાર્ય તરફથી મળ્‍યું દ્વારકા આવવાનું આમંત્રણ

જાણો શું જવાબ આપ્‍યો અભિનેતાએ

મુંબઇ, તા.૧૭: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્‍ટના લગ્નમાં દેશના ઘણા પ્રખ્‍યાત સંતો અને કથાકારોએ પણ હાજરી આપી હતી. જગતગુરુ રામભદ્રાચાર્યથી લઈને શંકરાચાર્ય નવદંપતીને આશીર્વાદ આપવા આવ્‍યા હતા. ઉલ્લેખનીય છે કે, જ્‍યોતિર્મઠના શંકરાચાર્ય સ્‍વામી અવિમુક્‍તેશ્વરાનંદ અને દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્‍વામી સદાનંદ સરસ્‍વતીએ અનંતપ્રરાધિકાના આશીર્વાદ સમારોહમાં ભાગ લીધો હતો.

અનંત-અંબાણી અને રાધિકા મર્ચન્‍ટના લગ્ન સાથે જોડાયેલા વીડિયો અને તસવીરોની ખૂબ ચર્ચા થઈ હતી. આવો જ એક વીડિયો સામે આવ્‍યો છે જેમાં બોલિવૂડ એક્‍ટર સલમાન ખાન શંકરાચાર્યની સામે હાથ જોડીને ઉભો જોવા મળી રહ્યો છે. તેની બાજુમાં ઉભેલો તેનો બોડીગાર્ડ શેરા પણ હાથ જોડીને પ્રણામ કરતો જોવા મળ્‍યો હતો.

એક યુઝરે X પર સલમાન ખાનનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો અનંત અને રાધિકાના લગ્નનો છે. આમાં શંકરાચાર્ય જોઈ શકાય છે. જોકે, તેમનો ચહેરો દેખાતો નથી. આવી સ્‍થિતિમાં, તે સ્‍પષ્ટ થઈ શકયું નથી કે તે જ્‍યોતિર્મઠના શંકરાચાર્ય સ્‍વામી અવિમુક્‍તેશ્વરાનંદ હતા કે, દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્‍વામી સદાનંદ સરસ્‍વતી. વીડિયો પોસ્‍ટ કરતી વખતે યુઝરે લખ્‍યું, ‘સલમાન ખાન અંબાણીના લગ્નમાં ગુરુ શંકરાચાર્ય સાથે વાત કરી રહ્યો છે.'

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, શંકરાચાર્યજી સલમાન ખાનને દ્વારકા આવવા માટે કહેવામાં આવી રહ્યું છે. તેના પર સલમાન કહે છે કે, જી જરૂર, મારી બહેનો આવતી રહે છે. આ પછી સલમાને હાથ જોડીને શંકરાચાર્યજીને વંદન કર્યા.

અનંત-રાધિકાના વેડિંગ રિસેપ્‍શન સિવાય દરેક ફંક્‍શનમાં સલમાન જોવા મળ્‍યો હતો. તેણે તેમના કોન્‍સર્ટમાં કપલ સાથે જોરશોરથી ડાન્‍સ કર્યો હતો. તે બંનેની હલ્‍દી સેરેમનીમાં પણ જોવા મળ્‍યો હતો. આ સિવાય સલમાન ખાને ૧૨મી જુલાઈના રોજ યોજાયેલા લગ્ન અને ત્‍યારબાદ ૧૩મી જુલાઈના રોજ આયોજિત આશીર્વાદ સમારોહમાં પણ હાજરી આપી હતી.

(10:05 AM IST)