<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

સાસરિયામાં રહેલી બે બહેનોને રોંગ નંબર પરથી કોલ આવ્‍યા : બંનેને પ્રેમ થઇ જતાં ઘરેથી ભાગી ગઇ

વિચિત્ર લવ સ્‍ટોરી : છત્તીસગઢના કોંડાગામ જિલ્લામાં લવ અફેરનો અનોખો કિસ્‍સો સામે આવ્‍યો છે

રાંચી તા. ૧૭ : છત્તીસગઢના કોંડાગામ જિલ્લામાં લવ અફેરનો અનોખો કિસ્‍સો સામે આવ્‍યો છે. અહીં બે બહેનો એક સાથે સસારિયું છોડીને ભાગી ગઈ છે. પોત-પોતાના બાળકો લઈને ક્‍યાંક ભાગી ગઈ છે. બાદમાં જાણવા મળ્‍યું કે બંને મધ્‍ય પ્રદેશના અલગ અલગ વિસ્‍તારમાં રહે છે. તેમણે પોતાના પ્રેમી સાથે લગ્ન કરી લીધા છે. બંને બહેનોએ પાછા આવવાની સ્‍પષ્ટ ના પાડી દીધી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, ઠાકુરપારા આડેંગામાં કાલેન્‍દ્રી પટેલ નામની મહિલા પોતાના પતિ અને બાળકો સાથે રહેતી હતી. તેમના બાળકોની ઉંમર ૬ અને ૩ વર્ષની હોવાનું કહેવાય છે. ત્‍યાંથી થોડે દૂર તેની નાની બહેન બુધયારિન પટેલનું સાસરિયું હતું. બુધિયારિનના પતિનું મોત થઈ ચુક્‍યું છે, પણ તેને બે બાળકો પણ છે. બંને બહેનોએ થોડા દિવસ પહેલા સાસરિયામાં કહ્યું કે, તેઓ પિયરમાં જઈ રહી છે. ત્‍યાંથી નીકળીને સીધા પ્રેમીઓ સાથે જતી રહી અને લગ્ન કરી લીધા.

આ બાજૂ પિયર જવાની વાત કહીને ઘરેથી નીકળેલી બે બહેનો જયારે પિયરમાં પહોંચી નહીં તો સાસરિયા પક્ષે પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસે બંને બહેનોના મોબાઈલ લોકેશન ટ્રેસ કર્યા, તેમના લોકેશન મધ્‍ય પ્રદેશમાં મળ્‍યા હતા. પોલીસે શોધખોળ શરૂ કરી તો એક બહેન શાઝાપુરથી સીતારામ પુરબિયા સાથે મળી. જયારે બીજી બહેન સિહોર જિલ્લાના શ્‍યામપુરથી ભૈરુસિહ ગાલવી પાસેથી મળી આવી હતી.

જયારે પોલીસે બંને બહેનો સાથે પૂછપરછ કરી તો ચોંકાવનારો ખુલાસો થયો. એક એવી લવ સ્‍ટોરી સામે આવી છે, જેને સાંભળી સૌ હચમચી ગયા. તેમણે જણાવ્‍યું કે, બંને બહેનોને થોડા સમય પહેલા રોંગ નંબર પરથી કોલ આવ્‍યો હતો. સીતારામ પુરબિયાનો કોલ કોલેન્‍દ્ર પટેલને આવ્‍યો હતો. ભેરૂસિંહ ગાલવીને રોંગ કોલ બુધયારિન પટેલને આવ્‍યો હતો. ત્‍યાર બાદ તેમની લવ સ્‍ટોરી શરૂ થઈ. ત્‍યાર બાદ પોતપોતાના સાસરિયેથી ભાગીને પ્રેમીઓ પાસે પહોંચી ગઈ. અહીં બંને બહેનો પ્રેમીઓ પાસે ગઈને લગ્ન કરી લીધા.

ઠાકુરપારા આડેંગાના પોલીસ પ્રભારીએ જણાવ્‍યું કે, બંને મહિલાઓના નિવેદન લેવામાં આવ્‍યા છે. તેમણે જણાવ્‍યું કે તેમને મરજીથી લગ્ન કર્યા છે. હાલમાં બંને મધ્‍ય પ્રદેશના અલગ અલગ જિલ્લામાં રહે છે. તેમણે પાછા આવવાની ના પાડી દીધી છે. આ મામલે તપાસ ચાલી રહી છે.

(10:37 AM IST)