તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
આધારકાર્ડના ઓટીપી જ નહીં આવતા ઈન્કમટેક્સ રિટર્ન ભરવામાં ધાંધિયા
IT રિટર્ન ભરવા ૧૪ દિવસ બાકી છતાં સિસ્ટમથી કરદાતા હેરાન :રિટર્ન ફાઇલ કરતા પહેલાં આધારકાર્ડમાં રજિસ્ટ્રેશન મોબાઇલ પર આવતો ઓટીપી

મુંબઇ,તા. ૧૮: ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાને આડે ગણતરીના ૧૪ દિવસ બાકી હોવા છતાં સિસ્ટમને કારણે કરદાતાઓ ભારે પરેશાની વેઠી રહ્યા છે, કારણ કે રિટર્ન ભરવા માટેની તમામ વિગતો એકત્ર કરીને જયારે તેની પ્રોસેસ કરવામાં આવે ત્યારે રિટર્ન ફાઇલ જ થતા નથી, કારણ કે કરદાતાના આધારકાર્ડમાં જે મોબાઈ લ નંબર હોય તેના પર ઓટીપી જ આવતા નહીં હોવાની ફરિયાદ ઊઠી છે. કોઈ સંજોગોમાં ઓટીપી આવે તો આઇટી પોર્ટલ પર તે લખ્યા બાદ પણ રિટર્ન પ્રોસેસ કરવામાં લાંબો સમય થઈ જતો હોય છે.
દર વખતે ઈન્કમટેક્સ રિટર્ન ભરવાને આડે ગણતરીના દિવસો બાકી હોય ત્યારે સિસ્ટમમાં સમસ્યા સર્જાતી હોય છે. તેના લીધે કરદાતાઓએ રિટર્ન ભરવામાં તકલીફ વેઠવી પડતી હોય છે. આ સમસ્યા છેલ્લા કેટલાય વર્ષોથી સતત આવતી હોવા છતાં તેના કાયમી નિરાકરણ માટે નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. આવા કારણોસર કરદાતાઓએ રિટર્ન ફાઇલ કરવા માટે કેટલીક વખતે કલાકો સુધી રાહ જોવાની નોબત આવતી હોય છે. તેમ છતાં રિટર્ન ફાઈલ નહીં થાય તો બીજા દિવસે નવેસરથી તમામ પ્રક્રિયા પાર પાડવી પડતી હોય છે. ચાલુ વર્ષે ૩૧ જુલાઇ સુધીમાં ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ નક્કી કરી દેવામાં આવી છે. તેના લીધે રિટર્ન ફાઈ લ કરવાના આડે ગણતરીના ૧૪ જ દિવસ બાકી હોવા છતાં રિટર્ન ફાઇલ કરવાની પ્રોસેસ માટે આધારકાર્ડમાં જે મોબાઈલ નંબર હોય તેના પર એક ઓટીપી આવતો હોય છે. તે ઓટીપી જ આવતો નહીં હોવાના કારણે રીટર્ન ફાઈલ થતા નથી.
આ સમસ્યા છેલ્લા બેથી ત્રણ દિવસથી કરદાતાઓ અનુભવી રહ્યા છે, છતાં પણ તેનું નિરાકરણ લાવવામાં આવતું નથી. આ અંગે ટેક્સ કન્સલ્ટન્ટ નેહા મોદીએ જણાવ્યું હતું કે કેટલાક કરદાતાઓના ઓટીપી આવી પણ જાય તો પોર્ટલ પર તેની પ્રોસેસ કરવામાં લાંબો સમય થઈ જાય છે. જેથી સિસ્ટમમાં સુધારો કરવામાં આવે તો જ ઝડપથી આઈટી રિટર્ન ભરી શકવામાં કરદાતાઓને સરળતા રહેશે.
(9:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
